September 19, 2021
September 19, 2021

‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ હેઠળ 200 સખી મંડળોને વ્યાજ વિનાની લોન અપાઈ

આહવા ખાતે યોજાયો ‘નારી ગૌરવ દિવસ’

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે આપ્યુ માર્ગદર્શન

ડાંગ જેવા વન વિસ્તારમા વન, પર્યાવરણ જાળવણીની સાથે નાના નાના ગૃહ ઉદ્યોગો ગ્રામીણ નારીઓ માટે સ્વરોજગારીનુ માધ્યમ બની રહ્યુ છે, ત્યારે આ ક્ષેત્રે વિકાસની રહેલી અઢળક તકોનો ખ્યાલ આપતા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતે રાજ્ય સરકારના ‘સુશાસન ના પાંચ વર્ષ’ના કાર્યોની ઝાંખી કરાવી હતી.

આહવા ખાતે ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે ઉપસ્થિત ગ્રામીણ નારીઓની જાગૃતિને બિરદાવી શ્રી રાજપૂતે સખીમંડળની મહિલાઓને સ્વય લાભાન્વિત થઈ, છેવાડાની નારીઓ, અને જરૂરિયાતમંદોને પણ જાગૃત કરવાની અપીલ કરી હતી.

સમાજના સમગ્રતયા વિકાસ માટે નારીનુ સન્માન જળવાય તે અતિ આવશ્યક છે, તેમ જણાવતા શ્રી બળવંતસિંહ રાજપૂતે નારી ગૌરવ એટલે મહિલાઓનુ સન્માન, અને આત્મ ગૌરવ. તેમની કામગીરી, ચિંતાઓ, અધિકારો વિગેરે કોઈપણ સમાજના વિકાસ માટે આવશ્યક હોય છે. માતા, પત્ની, પુત્રી, પુત્રવધુ જેવી વિવિધ ભૂમિકાઓ દ્વારા સમાજ અને દેશના સામાજિક અને આર્થિક વિકાસમા મહિલાઓ મહત્વપૂર્ણ યોગદાન પૂરુ પાડે છે તેમ ઉમેર્યું હતુ.

છેલ્લા પાંચ વર્ષમા મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ સહિતના લગભગ તમામ ક્ષેત્રોમા ગુજરાતની શ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રી નીતિનભાઇ પટેલની પ્રગતિશીલ સરકારે દૃઢ રાજકીય ઇચ્છાશક્તિથી, અને સંવેદનશીલતાપૂર્વક રીતે પરિણામલક્ષી નિર્ણાયકતા દાખવી જન જનને પારદર્શક શાસનની પ્રતીતિ કરાવી પ્રગતિશીલતાના પરચમ લહેરાવ્યા છે, તેમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ.

પાંચ વર્ષ નારી ગૌરવના વિષયક સમજુતી આપતા શ્રી રાજપૂતે ‘પાંચ વર્ષ નારી ગૌરવના’ના ભાગરૂપે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ ખુબ જ મહત્વાકાંક્ષી એવી ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ લાગુ કરીને મહિલાઓના આર્થિક સશક્તિકરણ દ્વારા વિકાસ પ્રક્રિયામા મહિલાઓની ભાગીદારી વધારીને ગુજરાતને દેશનુ રોલમોડલ બનાવવા મક્કમતાથી પ્રયાસો હાથ ધર્યા છે,એમ જણાવ્યુ હતુ. આ યોજના અંતર્ગત રાજ્યની ગરીબ, મધ્યમવર્ગીય, સામાન્ય મહિલાઓના સપનાઓને સાકાર કરવાના ઉદ્દેશ્યથી ૧૦ લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧,૦૦૦ કરોડની લોન સહાય આપવાનો નિર્ધાર કર્યો છે તેમ જણાવ્યુ હતુ. તેમણે ગ્રામ્ય વિસ્તારોમા ૫૦ હજાર, અને શહેરી વિસ્તારોની ૫૦ હજાર મળીને કુલ ૧ લાખ મહિલા સ્વસહાય જૂથની રચના કરવામા આવી છે, એમ પણ આ વેળા ઉમેર્યું હતુ.

‘કોરોના’ સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય તથા કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર તા.૧લી ઓગસ્ટથી દરરોજ પ્રજા કલ્યાણના સેવાકાર્યોની જાણકારી જનજન સુધી પહોંચાડવામા આવી રહી છે. જે અંતર્ગત આજે ‘નારી ગૌરવ દિવસ’ ની ઉજણવી કરવામા આવી રહી છે, તેમ જણાવતા ડાંગ ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવારે તેમના પ્રાસંગિક વક્તવ્યમા નારીશક્તિનુ સન્માન કરતા રાજ્ય અને કેન્દ્ર સરકારે મહિલાઓમા અખૂટ વિશ્વાસ દાખવીને તેને અદકેરુ સ્થાન આપ્યુ છે. તેમ જણાવ્યુ હતુ.

ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે આહવા તાલુકાના ૫૭ સખી મંડળો, સુબીર તાલુકાના ૫૦, અને વઘઈ તાલુકાના ૯૩ મળી કુલ ૨૦૦ સખીમંડળોને રૂ.૨૦૦ લાખની લોન આપવામા આવી હતી. જે પૈકી મુખ્ય સ્ટેજ ઉપરથી મહાનુભવોના હસ્તે દસ સખી મંડળોને ચેક તથા લોનના મંજુરીપત્રો એનાયત કરવામા આવ્યા હતા. આ ઉપરાંત વડોદરા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમ સ્થળેથી મુખ્યમંત્રીશ્રીએ ડાંગ જિલ્લાની બે આંગણવાડીઓનુ ડીજીટલ લોકાર્પણ પણ કર્યુ હતુ.

આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલા ‘નારી ગૌરવ દિવસ’ના જિલ્લા કક્ષાના કાર્યક્રમમા જિલ્લા પંચાયતની મહિલા અને બાળકલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી સરુબેન વળવી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી નિલમ ચૌધરી, આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી હેતલબેન ચૌધરી, ખેતીવાડી સમિતિના અધ્યક્ષ શ્રીમતી સવિતાબેન ભોયે, આહવા તાલુકા પંચાયતેના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન રાઉત, મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી સુમનબેન દળવી, આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંત, જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગ, નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી સહિતના અધિકારી, પદાધિકારી, હોદેદારો, અને લાભાર્થી મહિલાઓ વિગેરેએ ઉપસ્થિત રહીને તેમની ભૂમિકા નિભાવી હતી.

દીપ પ્રાગટ્ય સાથે શરુ થયેલા આ કાર્યક્રમમા મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.એન.ચૌધરીએ કર્યું હતુ. જયારે આભારવિધિ આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીએ આટોપી હતી. ઉદ્ઘોષક તરીકે શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલે સેવા આપી હતી. દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ પ્રવૃત્તિઓનો મદદનીશ નિયામક શ્રી સતીષભાઈ પટેલે ખ્યાલ આપ્યો હતો.

કાર્યક્રમની આયોજન, વ્યવસ્થા નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વહીવટી અધિકારી જલ્પા સોલંકી તથા તેમની ટીમે સંભાળી હતી. દરમિયાન મહાનુભાવો સહીત ઉપસ્થિત લાભાર્થીઓએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમા વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ નિહાળ્યુ હતુ.

 75 ,  3