મમતા સરકારના મંત્રી પર અજાણ્યા હુમલાખોરોએ બોમ્બ ફેંક્યા

બંગાળની ધરતી ફરી રક્તરંજિત, બોમ્બ હુમલામાં મંત્રી ઝાકીર  હુસૈન ઘાયલ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના નિમટીટા રેલ્વે સ્ટેશન પર અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા બોમ્બ હુમલામાં રાજ્યના મંત્રી ઝાકિર હુસૈન ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ હુમલામાં મંત્રી સાથે હાજર અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

મળતી વિગત અનુસાર, બુધવારે રાતે મુર્શિદાબાદ જિલ્લાના નિમટીટા રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 2 પર મંત્રીજી પોતાની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રાત્રે 10 વાગ્યે તેમના પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમા જંગીપુરાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી ઝાકિર હુસૈન અને અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંત્રી ઉપરાંત 20 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 5 લોકો ગંભીર રીતે ઘાયલ છે. તમામને મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં દાખલ કરાયા હતા. પાંચ ગંભીર રીતે  ઘાયલ લોકોને કોલકાતા શિફ્ટ કરાયા છે.  

હોસ્પિટલમાં એક અધિકારીએ જણાવ્યું કે મંત્રીને પગ અને પેટના નીચેના ભાગમાં ઈજાઓ થઈ છે. બીજી બાજુ TMCના નેતા અને વરિષ્ઠ મંત્રી મલય ઘટકે આ હુમલા માટે પાર્ટીના રાજનીતિક પ્રતિદ્વંદ્વીઓને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે TMCથી નિષ્કાષિત કરાયેલ અને મુર્શિદાબાદ  જિલ્લા પરિષદના સભાધિપતિ મુશર્રફ હુસૈને દાવો કર્યો છે કે આ હુમલો પાર્ટીના આંતરિક વિખવાદનું પરિણામ છે. અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી થવાની છે. તે અગાઉ રાજનીતિક ગરમાવો ચરમસીમાએ છે. એક બાજુ ટીએમસી કાર્યકરો પર સતત સંઘ અને ભાજપ કાર્યકરો પર હુમલાના આરોપ લાગી રહ્યા છે ત્યારે બીજી બાજુ ટીએમસી નેતા અને સરકારમાં મંત્રી પર હુમલાની આ ઘટનાએ અનેક ગંભીર સવાલ ઊભા કર્યા છે. 

 54 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર