કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે

જગન્નાથ રથયાત્રાની મંગળા આરતીમાં પરિવાર સાથે હાજર રહેશે

ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. 12મી જુલાઈનાં રોજ જગન્નાથ રથયાત્રાની મંગળા આરતીમાં પરિવાર સાથે હાજર રહેશે. ત્યારે હવે અમદાવાદમાં રથયાત્રા યોજાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. જોકે, કડક પ્રતિબંધો વચ્ચે રથયાત્રાનાં આયોજન અંગેની મંજુરી મળે તેવી સંભાવના સેવાઈ રહી છે.ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ઓસરી રહી છે આ સ્થિતિ વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાશે કેમ તેને લઈને સરકાર સહિત ભક્તોમાં હજી સુધી અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.

બીજી બાજુ આજે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ મહત્વની કેબિનેટ બેઠક યોજાવાની છે આ બેઠકમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આગામી અષાઢી બીજ પર રથયાત્રા માટે મંજૂરી આપવી કે નહીં તે મુદ્દે પણ મહત્વની ચર્ચા થશે. એટલું જ નહી રાજ્યમાં વેક્સિનના ઘટતા ડોઝ મામલે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે ગઈકાલે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ફરી એક વખત રથયાત્રા યોજવા અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, રથયાત્રા સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. કોરોનાની બીજી લહેર આપણે સૌએ જોઇ છે. રથયાત્રા યોજવા મુદ્દે ટ્રસ્ટી અને અધિકારીઓ સાથે ચર્ચા થઇ છે. સરકાર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે. 12 જુલાઇએ કોરોનાની શું સ્થિતિ છે તે જોઇને જ સરકાર રથયાત્રા અંગે નિર્ણય લેશે.

 62 ,  1