ઉન્નાવ : સંદિગ્ધ હાલતમાં મળી આવી ત્રણ દલિત સગીરાઓ, બેનાં મોત – એકની હાલત ગંભીર

બદનામ ઉન્નાવ ફરી ચર્ચામાં

મોત સામે લડી રહી છે ત્રીજી સગીરા, વિપક્ષે કરી એરલિફ્ટની માંગ

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં દલિત છોકરીઓના મોતનો મામલો વધુ ઉગ્ર બનતો જઇ રહ્યો છે. આ મામલે રાજકારણ પણ ગરમાયુ રહ્યો છે. બુધવારે અસોહાના એક ખેતરમાંથી 3 દલિત સગીરાઓ સંદિગ્ધ હાલતમાં મળી આવી હતી જેમાંથી બે મૃત હાલતમાં મળી હતી. જ્યારે કાનપુરની રીજેંસી હોસ્પિટલમાં ત્રીજી સગીરાની સારવાર ચાલી રહી છે. ભીમ આર્મીથી લઈને કોંગ્રેસ સુધીની તમામ પાર્ટીઓ તે સગીરાને દિલ્હી એરલિફ્ટ કરવા માંગણી કરી રહ્યા છે. 

બબુરાહ ગામના સંતોષ વર્માની પુત્રી કોમલ (16), સુરજ પાલ વર્માની પુત્રી કાજલ (13) અને સૂરજ બાલીની પુત્રી રોશની (17) પશુઓ માટે ઘાસચારો એકત્રીત કરવા ખેતરમાં ગઈ હતી. મોડી સાંજ સુધીમાં, ત્રણેય ઘરે ન પહોંચતાં પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. ત્રણેય કિશોરો સૂરજપાલની વાડીમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. ત્રણેયને એક સરખા સ્કાર્ફ સાથે બાંધી દેવામાં આવી હતા. કોમલ અને કાજલનું મોત નીપજ્યું હતું. અને રોશનીનો શ્વાસ ચાલુ હતો.

પરિવાર રોશની સાથે સીએચસી અસોહા પહોંચ્યો હતો. ગંભીર હાલત જોઈને ડોક્ટરે તેણીને જિલ્લા હોસ્પિટલ રિફર કરી હતી. જો કે, જિલ્લા હોસ્પિટલ પહોંચેલી રોશનીની હાલમાં કોઇ સુધારો નથી. હાલ તેણીને કાનપુર રિફર કરવામાં આવે તેવી વાતનો ઉલ્લેખ કરાયો છે.

પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે કે, ત્રણેય કિશોરીઓએ ઝેર ખાઇ લેતા આવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે. જો કે, ક્યા સંજોગોમાં ત્રણે કિશોરોએ ઝેરી પદાર્થો ખાધા, તે જાણી શકાયું નથી. સ્થળ પર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. આઇજી, ડીઆઈજી, ડીએમ અને એસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડોગ સ્ક્વોડની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. ફોરેન્સિક વિભાગની ટીમ પણ તપાસ કરી રહી છે. 

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે ટ્વીટમાં લખ્યું હતું કે, ” ઉન્નાવ કેસની એકમાત્ર સાક્ષી એવી બાળકીને દિલ્હી લાવવામાં આવે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગુનેગારોને સંરક્ષણ અને ગુનેગારો મામલે સરકારની કાર્યશૈલીને દેશ હાથરસ કાંડ વખતે જોઈ ચુક્યું છે.”

આ તરફ જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, “ઉત્તર પ્રદેશના તમામ લોકોને હું વિનંતી કરૂં છું કે, જ્યાં સુધી ઉન્નાવ કાંડની પીડિત બહેનના ગુનેગારોની ધરપકડ ન થાય ત્યાં સુધી તેમની લાશનો સ્વીકાર ન કરો. ન્યાય માટે દબાણ બનાવી રાખો. એક બહેનની હોસ્પિટલમાં સારામાં સારી સારવાર કરાવવામાં આવે.”

સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ આ મામલે ટ્વીટ કરવામાં આવી હતી અને ત્રીજી સગીરાને એરલિફ્ટ કરીને દિલ્હી એઈમ્સમાં લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. 

 68 ,  1