ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
કૃષ્ણનગર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારમાં ધાબા પર પિસ્ટલ જેવા હથિયારથી હવામાં ફાયરિંગ યુવકે કર્યું હતુ. ત્યારબાદ તેને વીડિયો સોશિયલ મીડિયામાં મુકતા વીડિયો વાયરલ થયો હતો. જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં યુવક કૃષ્ણનગરનો હોવાનુ સામે આવ્યું હતું. પોલીસે યુવક સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કંટ્રોલમાંથી મેસેજ મળ્યા હતા કે, સરદાર પટેલ પ્રાથમિક સ્કૂલ સામેના ગાયત્રી સર્કલ પાસે વિજયપાર્કથી હરિવિલા રોડ પર ધવલ પટેલ નામના યુવકે પિસ્ટલ જેવા દેખાતા હથિયારથી ફાયરિંગ કર્યું છે અને તેનો વીડીયો તેના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કર્યો છે. જેથી પોલીસે ઘટનાસ્થળ પર જઈ તપાસ કરતાં ધવલ પટેલે કમર પર આ હથિયાર લગાવેલ હતું. જેથી પોલીસ તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ આવી હતી.
ત્યારબાદ પોલીસે હથિયાર રાખવા બાબતે ધવલ પાસે પરમિટ માગી હતી. જોકે તેની પાસે પરમિટ ન હતી. જેથી પોલીસે ધવલ સામે આર્મસ એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને પછી ધરપકડ કરી હતી.
પોલીસે ધવલની વધુ પૂછપરછ કરતાં તેણે કહ્યું કે, ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ખુશીના ઉત્સાહમાં આવી તેણે પોતાના ફ્લેટના ધાબા ઉપર પિસ્ટલમાં ભરાવેલા છરાના રાઉન્ડ હવામાં ફાયર કર્યા હતા અને તેનો વીડીયો બનાવી ફેસબુકમાં અપલોડ કર્યો હતો.
પોલીસે હાલ તેની ધરપકડ કરી પિટસ્લ ક્યાંથી લાવ્યો હતો અને કોણે આપી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.
28 , 1