ગુજરાતમાં હવે સપ્તાહમાં બે દિવસ રસીકરણ બંધ

કોરોના વિરુદ્ધ રસીકરણના મહાઅભિયાનનું સૂરસૂરિયું

ગુજરાતમાં હવે સપ્તાહમાં બે દિવસ રસીકરણની કામગીરી બંધ રાખવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એટલે કે, બુધવાર અને રવિવારે રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા બંધ રહેશે. આગામી સમયમાં તહેવારના દિવસોમાં પણ રસીકરણ બંધ રાખવા વિચારણા ચાલી રહી છે. જોકે, બીજી બાજુ આરોગ્ય પ્રત્યેની જાગૃતિ કેળવાતાં હવે લોકો સામે ચાલીને રસી કેન્દ્ર પર જઇ રહ્યાં છે પરંતુ રસીનો જથ્થો જ ઉપલબ્ધ ન હોવાથી લોકોને પરત ફરવું પડે છે.

આપને જણાવી દઈએ કે આજે મમતા દિવસ હોવાથી રસીકરણ બંધ રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મમતા દિવસને લઈને રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ તથા મેડિકલ સ્ટાફ મમતા દિવસની કામગીરીમાં રોકાયેલો હોવાથી રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ બુધવાર, ગુરૂવાર અને શુક્રવાર તા. 7, 8 અને 9 જુલાઈ દરમિયાન સતત ત્રણ દિવસ રાજ્યમાં રસીકરણ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મમતા દિવસની ઉજવણી કરવામાં આવી છે.

 62 ,  1