કમૂરતાં બાદ રસીકરણનું મુહૂર્ત, 3 કરોડ લોકોને પહેલા ફેઝમાં અપાશે વેક્સીન : PM મોદીએ કરી સમીક્ષા

દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થશે, PM મોદીએ રસીકરણની વ્યવસ્થાને લઇને કરી સમીક્ષા

કોરોના પર પ્રહાર માટે દેશમાં રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. સૌથી પહેલા 3 કરોડ સ્વાસ્થ્યકર્મીઓને કોરોનાની રસી લગાવવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે. દેશમાં કોરોનાની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સમિક્ષા બેઠક કરી હતી. જેમાં રસીકરણ અભિયાનને શરૂ કરવા પર નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી વિગત મુજબ, 50 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી ઉંમરના કો-મોરબિડ લોકોને પણ પહેલા વેક્સીન આપવામાં આવશે. જેની સંખ્યા 27 કરોડની આસપાસ છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, સૌથી પહેલા વેક્સીન હેલ્થ વર્કર્સને લગાવવામાં આવશે. જેની સરેરાશ સંખ્યા લગભગ 3 કરોડ છે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને તેનાથી ઓછી ઉંમરના લોકોને રસી લગાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોવિડ રસીકરણ માટે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તૈયારીની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, બેઠકમાં કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય સચિવ સિવાય અન્ય અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ સમીક્ષા બેઠક બાદ વેક્સીનેશનની તારીખ નક્કી કરવામાં આવી હતી.

શુક્રવારે સમગ્ર દેશમાં બીજી વખત કોરોના વાયરસની રસની તૈયારીઓને લઈ ડ્રાઈ રન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વેક્સીનેશનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ સિવાય દેશના તમામ જિલ્લામાં ડ્રાઈ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, 10 દિવસમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે. કોવેક્સિનના ઉપયોગ પહેલા મંજૂરી લેવી જરૂરી હશે. ડીસીજીઆઈ દ્વારા દેશમાં બે કોરોના વેક્સીન ભારત બાયોટેકની ‘કોવેક્સીન’ અને ઑક્સફોર્ડની ‘કોવિશીલ્ડ’ના ઉપયોગને ઈમરજન્સી મંજૂરી આપી દીધી છે.

 63 ,  1