વડોદરા શહેરના મેયર કોરોના પોઝિટિવ, ઇન્કમટેક્ષ વિભાગના 27 કર્મચારીઓ સંક્રમિત

 ઇન્કમટેક્સ કચેરીમાં 27 કર્મચારી કોરોના સંક્રમિત થતા હાહાકાર

વડોદરામાં ઇન્કમટેક્સ કચેરીમાં કોરોના વિસ્ફોટ થયો છે. વડોદરા ઇન્કમટેક્સ કમિશ્નર, બે જોઈન્ટ કમિશ્નર સહિત 27 લોકો કોરોના સંક્રમિત થયા છે. એક સાથે 27 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા હાહાકાર મચી ગયો છે. સંક્રમિત કર્મચારીઓના સંપર્કમાં આવનાર અન્ય કર્મચારીઓના ટેસ્ટ કરાવાયા છે.

તો બીજી તરફ વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેયુર રોકડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતે કોરોના સંક્રમિત થયા હોવાની જાણ કરી હતી અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી હતી. 

બીજી બાજુ ગાંધીનગરમાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે. ગાંધીનગરની કોર્ટમાં જજ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ચાર જજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલીક કોર્ટમાં સેનેટાઈઝરની કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ કોર્ટમાં અન્ય આઠ લોકો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાં કોર્ટમાં 4 જજ, 1 સ્ટેનોગ્રાફર, 3 ક્લાર્કનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે.

 19 ,  1