વડોદરા: રાખડી બાંધતા ભાવુક થયા કલેક્ટર

વડોદરાઃ વડોદરા જિલ્લા તંત્ર દ્વારા ઋણ સ્વીકાર માટેના રક્ષાબંધન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NDRFના જવાનોના હાથે રાખડી બાંધતા સમયે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ ભાવુક થઇ ગયા હતા. આ પ્રસંગે કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, મારા ભાઇ અમેરિકા ગયા છે. મારા ભાઇના કાંડે રાખડી ના બાંધી હોય એવી મારા માટે આ પ્રથમ ઘટના છે. એલર્ટની પરિસ્થિતિ હોવાથી પરિવાર સાથે પણ પર્વની ઉજવણી થઇ શકી નથી, ત્યારે ખુબ જ કર્તવ્યનિષ્ઠ જવાનોને એક સાથે રાખડી બાંધી અનહદ આનંદ અનુભવું છું. આ જવાનોએ દિવસ રાત જોયા વગર લોકોને બચાવવાની જે ઉમદા સેવા કરી છે એ ખરેખર બેમિસાલ છે. એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના ધારાસભા ખંડમાં ઋણ સ્વીકાર માટેનું અનોખું રક્ષાબંધન પર્વ ઉજવાયું હતું. આ પર્વના ભાગરૂપે જિલ્લા કલેકટરે જરોદ ખાતેના NDRF એકમના નાયબ સેનાપતિ જી.એસ.પાઠક અને જવાનોને રાખડી બાંધી હતી. વડોદરા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટરની આગેવાની હેઠળ મહિલા કર્મચારીઓએ NDRF જવાનોને રાખડી બાંધી હતી. અને જાતને સંકટમાં મૂકીને હજારોના જીવનને બચાવનારા જવાનો સુખી, સ્વસ્થ રહે તેવા આશિર્વાદ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ જવાનો બિહાર, ઉત્તરપ્રદેશ સહિત જુદા-જુદા રાજ્યોના છે. ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને લીધે એમના દળને એલર્ટ એટલે કે, સાવધાનીની સ્થિતિમાં રાખવામાં આવ્યું હોવાથી તેઓ રાખડી પૂનમ ઉજવવા ઘેર જઇ શક્યા નથી અને પોતાની બહેનોના હાથે રાખડી બંધાવી શક્યા નથી. એટલે વડોદરા જિલ્લા પ્રશાસને યોજેલા રક્ષાબંધન કાર્યક્રમથી જવાનો ભાવુક થઈ ગયા હતા.કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, માત્ર 6 કલાકમાં 20 ઇંચ વરસાદથી વડોદરામાં જળ સંકટ સર્જાયું હતું. વિકટ પરિસ્થિતિઓમાં અનેક પડકારો અને જોખમો વચ્ચે આ તમામ દળોએ હિંમત અને સાહસ દાખવીને પોતાની જીવની પરવા કર્યાં વગર લોકોને ઉગાર્યા હતા. એમનો સેવા ધર્મ સલામને પાત્ર છે. બચાવ દળના પહોંચી શકવાને લીધે કોઈની જાનહાની થઇ હોય એવી એક પણ ઘટના ઘટી નથી. એ એમની સંકલિત અને અદભૂત કામગીરીનો પુરાવો છે.


NDRF જરોદ એકમના નાયબ સેનાપતિ જી.એસ.પાઠકે જણાવ્યું કે વડોદરા પ્રશાસન તરફથી ભગિની વાત્સલ્યનું આ આયોજન હૃદયસ્પર્શી છે. અમે કોઈ સેવા નથી કરી. લોકોના જીવન બચાવવા અમારો ધર્મ છે. એ ધર્મનું પાલન કરી શક્યા એનો અમને સંતોષ છે. અમે જ્યારે પણ કોલ મળે અમે અમારી સેવાઓ આપવા તત્પર છીએ.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી