વડોદરા સામૂહિક દૂષ્કર્મ કેસ : પીડિતાની આત્મહત્યા બાદના વાયરલ વીડિયોથી ઉઠ્યા અનેક સવાલ

OASIS સંસ્થા સામે પોલીસ દ્વારા તપાસમાં ઢીલી નીતિએ પણ જગાવી ચર્ચા

વડોદરામાં સામૂહિક દૂષ્કર્મનો ભોગ બનેલ પીડિતા કેસમાં દિવસેને દિવસે નવા વળાંક સામે આવી રહ્યા છે. જેથી આ કેસ વધુને વધુ ગૂંચવાઈ રહ્યો છે. હાલમાં જ આ કેસમાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો યુવતીના મૃતદેહનો છે. આ વીડિયો સામે આવતા જ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આ વીડિયોમાં પીડિતા ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી રહી છે. પરંતુ તેના પગ નીચેની તરફ અડેલા છે. જેથી યુવતીની હત્યા થઈ હોવાનું ફલિત થાય છે.

પોલીસને આ કેસમાં કોઈ પુરાવા ન મળતા આખરે આ કેસની તપાસ SITને સોંપવામાં આવી છે. જેમાં 6 સિનિયર અધિકારીઓનો સમાવેશ કરાયો છે. SITના સભ્યો દ્વારા ઘટનાસ્થળે જઈને પણ તપાસ કરવામાં આવી તેમ છતાં SIT પણ હજી સુધી આ કેસમાં કોઈ કડી મેળવવામાં નિષ્ફળ રહી છે.

આ કેસમાં બે દિવસ પહેલા ક્રાઈમ બ્રાંચને એક સિક્યુરિટી ગાર્ડ પાસેથી યુવતીની સાયકલ મળી આવી હતી. પોલીસે સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે તેમ છતા તેની પાસેથી પણ કોઈ કડી મળી શકી નથી. સાયકલને ટક્કર મારનાર રીક્ષા અંગે હજી સુધી કોઈ ભાળ મળી નથી.

વધુમાં સ્માર્ટસિટી તરીકે ઓળખાતા શહેરમાં આ દુર્ઘટના ઘટી છે તે જગ્યાએ CCTV પણ નથી. રેલવે SP પરિક્ષીતા રાઠોડનું કહેવું છે કે, આ મામલે એક હજારથી વધુ રીક્ષાવાળાની પૂછપરછ કરાઈ છે. લોકોના ઘરે જઇને તપાસ કરવામાં આવી રહી છે. 250 જેટલા CCTV તપાસવામાં આવ્યા છે. 200 જેટલા સેક્સ્યુઅલ ઓફેન્સની તપાસ કરાઇ છે. પરંતુ રેલવે ક્રાઈમ અંધારામાં ફાંફા મારી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ સિવાય આ કેસમાં OASIS સંસ્થા સામે ઘણા સવાલો ઉઠ્યા છે. સંજીવ શાહ OASISના ટ્રસ્ટી હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા યુવતીનો છેલ્લો મેસેજ પોલીસને મળ્યો હતો જેમાં યુવતીએ સંજીવ શાહ પાસે મદદ માગી હતી. જેના પરથી ચર્ચાઈ રહ્યું છે કે સંજીવ શાહ યુવતીની સ્થિતિ અંગે તમામ બાબતો જાણતા હતા. પરંતુ OASIS સંસ્થાના સંજીવ શાહ સામે હજી સુધી કોઈ તપાસ કેમ થઈ નથી? તે એક સવાલ છે.

યુવતીના મોત બાદ સંસ્થાએ પુરાવા સાથે છેડછાડ કરી હોવાની શક્યતા છે. યુવતીની ડાયરીના પન્ના પણ સંસ્થામાંથી ફાડવામાં આવ્યા હતા. રેલવે ક્રાઈમ પોલીસે પુરાવા નાશ કર્યા હોવાનો ગુનો દાખલ કર્યો છે જોકે પુરાવાનો નાશ કોણે કર્યો છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પુરાવા કોને અને શા માટે નાશ કર્યા તે એક મોટો પ્રશ્ન છે. ત્યારે શું OASIS સંસ્થાને બચાવવા માટે પોલીસ દ્વારા તપાસમાં ઢીલી નીતિ અપનાવાઈ રહી છે તેને લઈ સવાલો ઉઠી રહ્યા છે.

આ કેસમાં OASIS સંસ્થા સામે કેમ કડક તપાસ નથી થઈ રહી તે એક મોટો પ્રશ્ન છે. આ મામલે ચર્ચાઓ ચાલી રહી છે કે OASIS સંસ્થાના નેતાઓ અને મોટા અધિકારીઓ સાથે કનેક્શન છે. શરૂઆતથી IAS અને IPS અધિકારીઓ સંસ્થા સાથે જોડાયેલા છે. આ સિવાય ગુજરાતની જાણિતી વ્યક્તિઓ પણ OASIS સંસ્થા સાથે જોડાયેલી છે. ત્યારે શું સંસ્થાને બચાવવા માટે ઉચ્ચ અધિકારીઓનું કોઈ દબાણ છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ ઘટનાને લગભગ 24 દિવસ જેટલો સમય વિત્યો હોવા છતા આરોપી પોલીસ પકડથી દૂર છે અને યુવતી સાથે દુષ્કર્મ અને તેની હત્યા માટે જવાબદાર કોણ છે તે અંગે કોઈ માહિતી નથી. ત્યારે હવે પોલીસે જનતાની મદદ લેવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યા છે. જેમાં ગુનેગારની માહિતી આપનારની વિગતો ગુપ્ત રાખવામાં આવશે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી