વડોદરા હિટ એન્ડ રન કેસ, બનાવના 24 કલાક બાદ આરોપીની ધરપકડ

માંજલપુર સ્મશાન રોડ પર હિટ એન્ડ રનમાં 7 વર્ષના બાળકનું થયું હતું મોત

વડોદરાના માંજલપુરમાં હિટ એન્ડ રનના બનાવમાં છેલ્લા 24 કલાકથી પણ વધુથી નાસતો ફરતો આરોપી દેવુલ ફૂલબાજેની પોલીસે ધરપકડ કરી લીધી છે. હિટ એન્ડ રનના બનાવમાં 7 વર્ષના બાળક કવિશ પટેલનું મોત નિપજ્યું હતું. જેને લઈ મામલો વધુ ગંભીર બન્યો છે.

માંજલપુરમાં 3 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ ભૂતિયા માતાના મંદિર પાસે પુર ઝડપે આવતા રેસિંગ જીપ ચાલકે સ્કુટી પર સવાર ત્રણ વ્યકિતઓને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. જેમાં 7 વર્ષના બાળક કવિશ પટેલનું મોત નિપજ્યું હતું, જે મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાઇ હતી.

બનાવ બાદથી જ આરોપી અને જીપ ચાલક દેવુલ ફૂલબાજે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસની ટીમે આરોપીને શોધવા અનેક પ્રયાસો કર્યા છતાં આરોપી ના પકડાયો. બાદમાં આજે આરોપી દેવુલ ફૂલબાજેની માંજલપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીની જીપ અગાઉથી જ જપ્ત કરી હતી ત્યારે આજે એફ એસ એલ ટીમની પણ તપાસમા મદદ લેવાઇ છે.

મહત્વની વાત છે કે આરોપી દેવુલ ફૂલબાજેનો પોલીસ સૌપ્રથમ કોરોના ટેસ્ટ કરાવશે. કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ આરોપીની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે. આરોપી મીડિયા સામે કઈ પણ કહેવા તૈયાર નથી. ત્યારે સવાલ એ થાય છે કે માંજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે કે તે પોતે સામેથી પોલીસ સ્ટેશન હાજર થયો છે.

 71 ,  1