વડોદરાએ રત્ન ગુમાવ્યું, હસમુખ શાહનું નિધન

સંયુક્ત સચિવ તરીકે ઇન્દિરા ગાંધી સહિત ત્રણ વડાપ્રધાન સાથે કાર્ય કર્યું…

1977 થી વડાપ્રધાન કાર્યાલયમાં સતત ત્રણ ટર્મ દરમિયાન સંયુક્ત સચિવ તરીકે સરકારી ક્ષેત્રમાં તેમની શાનદાર કારકિર્દી માટે જાણીતા હસમુખ શાહે શુક્રવારે ગુજરાતના કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હસમુખ શાહ લાંબા સમયથી બીમારીથી પીડાતા 89 વર્ષની વયે નિધન થયું છે. હસમુખ શાહ, સરકારી, જાહેર ક્ષેત્ર અને એક નાગરિક તરીકે અસાધારણ જીવન અને કારકિર્દી ધરાવતા હતા. તેઓએ સંયુક્ત સચિવ તરીકે વડાપ્રધાન કાર્યાલયમાં સતત ત્રણ વડાપ્રધાન મોરારજી દેસાઈ, ચૌધરી ચરણ સિંહ અને છેલ્લે ઈન્દિરા ગાંધી સાથે કામ કર્યું હતું.

આઈપીસીએલ(ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ)નું ખાનગીકરણ થયું તે પહેલા તેઓ તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ હતા. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે એન્જિનિયરિંગ પ્લાસ્ટિકના વિકાસ માટે GE અને IPCL વચ્ચે સંયુક્ત સાહસ બનાવવા માટે જેક વેલ્ચને સમજાવ્યા હતા. સમગ્ર પેકેજિંગ ફિલ્મ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ તથા કૃષિ વ્યવસાયમાં(ટપક સિંચાઈ અને કેનાલ લાઇનિંગ દ્વારા) પ્લાસ્ટિકના ઉપયોગનો પ્રચાર કરવાનું કામ કર્યું હતું. શાહના કાર્યકાળ દરમિયાન યુ.કે.ની કેમિકલ ઈનસાઈટે આઈપીસીએલને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પેટ્રોકેમિકલ ઉત્પાદક કંપની તરીકે બિરદાવ્યું હતું.

તેઓ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા તથા અધ્યક્ષ તરીકે ઘણી વ્યૂહાત્મક દિશાઓનું સંચાલન કર્યું હતું. જેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (DAIICT), એમ.એસ. યુનિવર્સિટી, સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી, સેન્ટર ફોર ફ્યુઅલ રિસર્ચ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી (GIRDA) અને લોકભારતીનો સમાવેશ થાય છે.

હસમુખ શાહે તેમના નિવૃત્તિ પછીના સમયગાળાનો ઉપયોગ અનેક સંસ્થાઓ સ્થાપવા માટે કર્યો. તેઓ ગુજરાત ઇકોલોજી કમિશન (GEC), ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી(GUIDE), ગુજરાત ઇકોલોજી સોસાયટી(GES), ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી (GNCS)ના સ્થાપક અને હેરિટેજ ટ્રસ્ટના સ્થાપક અધ્યક્ષ હતા. દર્શક ઇતિહાસ નિધિ (DIN)ના સ્થાપક ટ્રસ્ટી તરીકે, તેમણે ગુજરાતના મેરીટાઇમ ઈતિહાસ પર અનેક બહુવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કર્યું અને આ વિષય પર શિષ્યવૃત્તિ અને પ્રકાશનોને પ્રાયોજિત કર્યાં. તેઓ ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH)ના અધ્યક્ષ પણ હતા.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી