વડોદરા દુષ્કર્મ મામલો, ક્રાઇમ બ્રાંચના PIની બદલી

પોલીસ કમિશનર દ્વારા આઠ પીઆઇની કરાઇ બદલી 

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી અને એલએલબીનો અભ્યાસ કરી રહેલી 24 વર્ષીય યુવતી પર બળાત્કારના ચકચારી બનાવમાં ગોત્રી પોલીસ પાસેથી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપ્યા બાદ હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચના પીઆઇની તાત્કાલિક બદલી કરી દેવાતા લોકમુખે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

વડોદરા શહેરમાં અત્યંત ચકચારી બનેલા ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપીઓ તરફે સમાધાન કરાવવા માટે પ્રયત્નશીલ હોવાના આક્ષેપો વચ્ચે ક્રાઇમ બ્રાંચના પી.આઇ એ બી જાડેજાની પોલીસ કમિશનર દ્વારા બદલી કરી દેવામાં આવેલી છે. આની સાથે જ શહેરના અન્ય સાત પીઆઇની પણ આંતરિક બદલી કરવામાં આવી છે.

વડોદરા શહેર ના કોર્પોરેટ જગત, રાજકીય જગત અને અધિકારી વર્ગમાં અત્યંત ચકચારી બનેલા ગોત્રી દુષ્કર્મ કેસની ઘટનાની તપાસ ગોત્રી પોલીસ પાસેથી આંચકીને ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે તે પૂર્વે જ વડોદરા શહેરમાં ચર્ચા જાગી હતી કે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ફરિયાદી યુવતી અને બે આરોપીઓ વચ્ચે સમાધાન કરવા પ્રયત્નશીલ બન્યા છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં લાંબા સમયથી ફરજ બજાવી રહેલા  પી.આઈ એ બી જાડેજા સામે આક્ષેપો શરૂ થતાં જ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગે એસીપી કક્ષાના અધિકારી પાસે ગુપ્ત તપાસ કરાવવામાં આવી હતી. જે ચર્ચાઓ ચાલી રહી છે અને આક્ષેપો થઈ રહ્યા છે તેમાં સમર્થન મળતાં પોલીસ કમિશનર દ્વારા ગઈકાલે જ ક્રાઇમ બ્રાંચના પી.આઇ એબી જાડેજાની ક્રાઇમ બ્રાંચમાંથી બદલી કરી લીવ રિઝર્વમાં મુક્યા હતા જ્યાં તેઓને ટ્રાફિક વિભાગને લગતી જવાબદારી અદા કરવાની રહેશે.

ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.બી.જાડેજા ઉપરાંત અન્ય સાત પીઆઇની બદલી કરવામાં આવી છે જેમાં અગાઉ SOG માં ફરજ બજાવી ચૂકેલ અને હાલ સયાજીગંજ પોલીસ મથકના પીઆઇ તરીકે ફરજ બજાવી રહેલા વી બી આલની ક્રાઈમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવેલી છે. ગોત્રી દુષ્કર્મ કેસ ની તપાસ માટે જે પાંચ ટીમો બનાવવામાં આવેલી છે એ ટીમો પૈકીની કોઈ એક ટીમમાં વી બી આલનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતાઓ છે

  • ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એ બી જાડેજાને લીવ રિઝર્વમાં મુકાયા
  • સયાજીગંજ પી આઈ વી બી આલની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી
  • આર જી જાડેજા લીવ રિઝર્વમાંથી સયાજીગંજ પોલીસ મથકમાં
  • પી કે ચાવડા ટ્રાફિક માંથી ગોરવા પોલીસ સ્ટેશનમાં
  • ટીજી બામાણિયા વાડી પોલીસ સ્ટેશનમાંથી ટ્રાફિકમાં..
  • એસ એચ રાઠવા લીવ રિઝર્વ માંથી વાડી ફર્સ્ટ પી આઈ
  • એન એલ પાંડોર વાડી માંથી સીટી પોલીસ સરેશનમાં સેકન્ડ પી આઈ
  • એન ડી સોલંકી લીવ રિઝર્વ માંથી રાવપુરા પોલીસ મથકમાં બદલી

 69 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી