વડોદરા સામૂહિક આપઘાત મામલો, પોલીસે બે જ્યોતિષીને કર્યા જેલભેગા

પરિવાર પાસેથી પૈસા પડાવનારા 2 જ્યોતિષીની પોલીસે કરી ધરપકડ

વડોદરામાં સોની પરિવારે જ્યોતિષીઓના ચક્કરમાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો, અને છેવટે આખા પરિવારે સામૂહિક આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવું પડ્યું. સોની પરિવારના પુત્ર ભાવિન સોનીએ મૃત્યુ પહેલા કેટલાક જ્યોતિષીઓના નામ પોલીસને આપ્યા હતા. ત્યારબાદ તપાસ શરૂ થતા જ પોલીસ પકડથી દૂર રહેવા માટે તમામ જ્યોતિષી રાજસ્થાન ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું. જો કે પોલીસે બે જ્યોતિષીઓની રાજસ્થાનની ધરપકડ કરી લીધી છે

વડોદરાના સમા વિસ્તારમાં બનેલી એક જ પરિવારના  6 લોકોના આપઘાતના કેસમાં હવે પરિવારની એક જ વ્યક્તિ બચી છે. આ ઘટનામાં સારવાર દરમિયાન ભાવિન સોનીનું મોત થતાં આપઘાતનો પ્રયાસ કરનારાં 6 લોકોમાંથી 5 મૃત્યુ પામી ચૂક્યાં છે. હવે ભાવિનના ધર્મપત્ની જ જીવિત છે. ભાવિનનાં ધર્મપત્નિ ઉર્વશીબેન એસ.એસ.જી હોસ્પિટલમાં હજુ સારવાર હેઠળ છે.  ત્યારે આ આત્મહત્યા કેસમાં બે જ્યોતિષિની સમા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સમા પોલીસે બે જ્યોતિષની  રાજસ્થાનથી ધરપકડ કરી છે. સોનિ પરીવાર પાસેથી વાસ્તુદોષ નિવારણના નામે 32 લાખ જેટલી રકમ પડાવી હતી. નવ જ્યોતિષીઓના નામ મૃતક ભાવિન સોનીએ પોલિસને આપ્યા હતા. સીતારામ ઉર્ફે સાહિલ ભાર્ગવ અને ગજેન્દ્ર ઉર્ફે અમિત ભાર્ગવની ધરપકડ કરવામાં આવી છે. 

આ પરિવારના મોભી નરેન્દ્ર સોનીનાં પત્ની દીપ્તિબેન સોનીનું ગત શનિવારે મોત થયું હતું. સોની પરિવારના 6 સભ્યો પૈકી 3નાં મોત તરત જ થયાં હતા જ્યારે  પુત્ર ભાવિન સોની, પત્ની દીપ્તિબેન સોની અને પુત્રવધૂ ઉર્વશી સારવાર હેઠળ હતા. આ પૈકી દીપ્તિબેન સોની ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતાં પણ શનિવારે તેમનું મોત થતાં સામૂહિક આપઘાતના પ્રયાસના મામલામાં ચોથું મોત થયું હતું. હવે ભાવિન સોનીના મોત સાથે પાંચ મોત થતાં માત્ર ઉર્વશીબને બચ્યાં છે.

સોની પરિવારના 6 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો તે માટે આર્થિક સંકડામણ જવાબજાર હતી. આ પરિવાર પાસેથી અલગ અલગ 9 જ્યોતિષીઓએ 35 લાખ પડાવ્યા હોવાથી પોલીસ તમામ જ્યોતિષીઓ સામે ગુનો દાખલ કરાયો છે. આપઘાતનો પ્રયાસ કરનાર ભાવિન સોનીએ સમા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જ્યોતિષીઓએ 32 લાખ પડાવ્યાનો આક્ષેપ મૂકતાં પોલીસે આ જ્યોતિષીઓ સામે તપાસ શરૂ કરી છે.

મોત પહેલા ભાવિને લેભાગુ જ્યોતિષીઓને ખુલ્લા પાડ્યા  

સોની પરિવારનો આ કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. પરિવાર વિખેરાયા બાદ ભાવિન સોનીને અફસોસ થયો હતો. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલ ભાવિને લોકોને જ્યોતિષીઓના ચક્કરમાં ન ફસાવાની સલાહ આપી હતી. ભાવિને કહ્યું હતું કે, અમારી સાથે જે થયું એ સમાજ માટે એક ઉદાહરણ છે કે કોઈપણ વ્યક્તિ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન પડે. મારા પિતાએ જયોતિષીના ચક્કરમાં 32 લાખ ગુમાવ્યા હતા. પરિવારે કેવી રીતે ઝેર પીવાનો નિર્ણય લીધો તે અંગે ભાવિને જણાવ્યું હતું કે, સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય મારા પિતા નરેન્દ્ર સોનીનો હતો. અમે બધાએ તેમના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ તેઓ માન્યા ન હતા. અમે વિરોધ કર્યો, પણ તેમની સામે અમારી કોઈ જ વાત ચાલી ન હતી. મારા પુત્રને પણ દવા તેમણે જ પીવડાવી હતી. 2018 ના વર્ષથી અમારી પડતીની શરૂઆત થઈ હતી. જ્યોતિષીઓના ચક્કરમાં આવીને અમે અમારું સર્વસ્વ ગુમાવ્યું. જેથી અમારી પાસે સામૂહિક આત્મહત્યા કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

મરતા પહેલા ભાવિને કહ્યું હતું કે, મારા પિતા લેભાગુ જ્યોતિષીઓના ચક્કરમાં આવી ગયા હતા. તેમણે આ ચક્કરમાં 32 લાખ ગુમાવ્યા હતા. તો સાથે જ મારો બિઝનેસ પણ સારો ચાલતો ન હતો. પરિવાર ચારેતરફથી ભીંસમાં આવી ગયો હતો. અમારી નાણાકીય સ્થિતિ ખરાબ હતી અને એમાંય પિતા જયોતિષીના રવાડે ચડી જતાં દેવું અનેક ગણું વધી ગયું હતું

 93 ,  2