સ્વીટી પટેલ મીસિંગ કેસની તપાસ હવે ATS, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરશે

રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી જાહેરાત

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટીબેન પટેલ ગુમ થયાના કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસને સોંપવાની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યુ કે, ટેકનિકલ અને એફએસએલની મદદની આધારે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ ઉપરાંત આવશ્યકતા અનુસાર શંકાસ્પદ લોકોના એસડીએસ, પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામા આવી રહી છે.

વડોદરા શહેરની મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ શહેર કાયદો અને વ્યવસ્થાની પદાધિકારીશ્રીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરવાની સાથે શી ટીમના કાઉન્સિંલિગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરાવ્યો છે.

કરજણથી પી.આઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દહેજના અટાલી ગામથી મળેલા અસ્થિ યુવાન વયના માનવ શરીરના હોવાનો ઘટસ્ફોટ થયો છે. એફએસએલ રિપોર્ટમાં અસ્થિ માનવ શરીરના હોવાનુ ખુલ્યું છે. દહેજના અટાલી ગામેથી મળેલા હાડકાં 35 થી 40 વર્ષની વ્યક્તિના હોવાનું પણ સપાટી પર આવ્યું છે. સ્વીટી પટેલની હત્યા થઈ હોવાની આશંકા છે. ડીએનએ ટેસ્ટ માટે સ્વીટી પટેલના ભાઈ અને પુત્ર લાડના સેમ્પલ લેવામા આવ્યા છે. 

બીજી તરફ જિલ્લાના પીઆઈ અજય દેસાઈના પત્ની ગુમ થવાનો મામલે પોલીસે પીઆઈના મિત્ર કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાની પૂછપરછ શરૂ કરી છે. કિરીટસિંહ જાડેજા કરજણ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા. પીઆઈના ગાઢ સંપર્કમાં રહેલા મિત્ર વર્તુળ અને સંબંધીઓની પૂછપરછનો દોર પોલીસે શરૂ કર્યો છે. પોલીસે તમામની લીસ્ટ તૈયાર કરી, પોલીસ એક બાદ એક લોકોને બોલાવી પૂછપરછ કરશે.

અગાઉ તપાસ અધિકારીએ પી.આઈ દેસાઈને કરજણ કોર્ટમાં હાજર કર્યા હતા. પી.આઈ અજય દેસાઈના પોલિગ્રાફ – નાર્કો ટેસ્ટ માટે પોલીસને કોર્ટે મંજૂરી આપી હતી. ગાંધીનગર ફોરેન્સિક વિભાગમાં બંને ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરાઈ છે. પી.આઈ દેસાઈનો 4 વાર સસ્પેક્ટ ડિટેક્સન સિસ્ટમ ટેસ્ટ કરાયો છે. દહેજથી 12 કિલોમીટર દૂર અટાલી ગામની સીમમાંથી બળેલા અસ્થિ મળ્યા હતા. અસ્થિનું સુરત સિવિલ હોસ્પિટલમાં એફ.એસ.એલ દ્વારા પી.એમ થશે. એફ.એસ.એલ.ના અહેવાલ બાદ પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવશે. 36 દિવસથી ગુમ સ્વીટી પટેલ ન મળતા પી.આઈ શંકાના ઘેરામાં છે. 

પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ છેલ્લા 36 દિવસથી ગુમ  છે, ત્યારે સ્વિટી પટેલની શોધખોળ દરમ્યાન પોલીસને દહેજ પાસેના અટાલી ગામ પાસેથી સળગેલા અસ્થી મળ્યા હતા. અસ્થિ જ્યાંથી મળ્યા તે વિસ્તારમાં જ અજય દેસાઈનુ મોબાઈલ લોકેશન જોવા મળ્યું હતું. 

 52 ,  1