September 20, 2021
September 20, 2021

Video : નીતિન પટેલના હિન્દુવાદી નિવેદન પર વજુભાઈ વાળાની પ્રતિક્રિયા, ગણાવ્યું વ્યક્તિગત નિવેદન

હું કોઈના નિવેદનના વખાણ કે ટીકા કરતો નથી – વજુભાઈ વાળા

રાજકોટમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ જન્માષ્ટમીની ઉજવણી અર્થે શહેરમાં 37મી રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રામાં વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે 200 લોકોની હાજરીમાં આ રથયાત્રા નીકાળવામાં આવી હતી.

આ પ્રસંગે વજુભાઈ વાળાએ નીતિન પટેલના નિવેદન અંગે જણાવ્યું કે, તે તેમનું વ્યક્તિગત નિવેદન છે, હું કોઈના નિવેદનના વખાણ કે ટીકા નથી કરતો. જે પરીપેક્ષમાં તેઓ બોલ્યા છે તે તેમને પૂછવું જોઈએ. વધુમાં તેમણે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા મુદ્દે જણાવ્યું કે, ભારત સરકાર ચિંતિત છે. કેવા પ્રકારનાં પગલાં લેવા જોઈએ એ સરકાર વિચારે છે. ભારત સરકાર નીતિ નક્કી કરશે.

આ પહેલા આ નિવેદનને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે યથાર્થ ગણાવ્યું હતું. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. આખી દુનિયામાં એની અસરો જોવા મળી રહી છે. ત્યારે નીતિનભાઈએ અગમચેતી રીતે જ જ્યાં સુધી દેશમાં હિંદુઓની બહુમતી છે ત્યાં સુધી જ દેશમાં બંધારણ અને કાયદો છે જે વાત સાથે સી. આર પાટીલે પોતે સહમત હોવાનું જણાવ્યું હતું.

નોંધનીય છે કે, ગાંધીનગરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટવા લાગી અને બીજાની વધવા લાગશે એ બાદ ના ધર્મનિરપેક્ષતા, ના લોકસભા કે ના બંધારણ બચશે, બધુ જ હવામાં ઉડાવી દેવામાં આવશે એટલું જ નહીં નીતિન પટેલે વધુમાં કહ્યું કે હું બધા વિષે વાત કરી રહ્યો નથી, મારે સ્પષ્ટતા પણ કરવી જોઈએ, લાખો મુસલમાનો દેશભક્ત છે, લાખો ઈસાઈ દેશભક્ત છે. આમ અંતે નીતિન પટેલે ઉઠતા વિવાદના વંટોળને ઠારવા નિવેદન બાદ ફેરવી તોડી નિવેદનને લઈ સ્પષ્ટતા પણ કરી હતી.

 22 ,  1