“વાયુ” સામે રૂપાણીએ બતાવ્યું પાણી, વાયુ ગાયબ

વાવાઝોડું વાયુ ત્રાટકવાના ગણતરીના કલાકો પહેલાં જ ઓમાન તરફ ફંટાયું ગયું છે, હવામાન વિભાગે આગામી 24 કલાક કાંઠા વિસ્તારમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાવાની તથા ભારે વરસાદની આગાહી કરી હતી. વાયુ વાવાઝોડાને લઈને રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન ગંભીરતા, જવાબદારી અને લિડરશીપનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સચોટ આગાહીઓ કરી, સતત બુલેટીન બહાર પાડ્યા, તેના કારણે સ્થિતિ સતત નિયંત્રણમાં રહી. વાયુ વાવાઝોડાની ગતિનો સાચો અંદાજ આપ્યો, સાચી દિશા પારખી, તેના એરિયા-ઘેરાવાની વિગતો મેળવી, સરકાર તથા બચાવ એજન્સીઓને સમયસર તેની જાણકારી આપી. હવામાન વિભાગની આ કામગીરીના લીધે માત્ર સરકાર જ નહીં પણ સ્થાનિક વહીવટીતંત્રને પણ સ્થિતિ નિયંત્રણમાં લેવામાં મદદ મળી. 11 જિલ્લામાં NDRF,આર્મીની ટુકડીઓ સ્ટેન્ડબાય, તો 3 લાખ લોકો રાહત શિબિરમાં છે. અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. કોસ્ટ ગાર્ડે હજુ 50 કલાક સાવચેતીની અપીલ કરી હતી. કુલ 86 ટ્રેન રદ તો 37ના રૂટ ટૂંકાવાયા હતા. સૌરાષ્ટ્રના એરપોર્ટ ૧૩ જુને પણ બંધ રહ્યા હતા.

સૈન્યની ત્રણે પાંખ ઉપરાંત NDRF,SDRF અને પોલીસ, કોસ્ટ ગાર્ડ સહિતની વિવિધ રાહત અને બચાવ એજન્સીઓ વચ્ચે સુઆયોજિત સંકલન હતું. એરફોર્સે સી-71 વિમાન રવાના કરીને એનડીઆરએફના 100 જવાનોને વિશાખાપટનમથી જામનગર ખસેડ્યા હતા. NDRF,SDRFની 55થી વધુ ટીમો અત્યાધુનિક સાધનો સાથે ગણતરીના કલાકોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી. આર્મીની 24થી વધુ ટુકડી તહેનાત હતી.

વાવાઝોડા વાયુનો સામનો કરવા માટેની તૈયારીઓમાં રાજ્યના દરેક વર્ગ, જૂથ, સમુદાયના લોકોની મોટી ભૂમિકા રહી હતી. વાવાઝોડાની સંભવિત અસર 60 લાખથી વધુ લોકોને થાય એમ હતી. તેમના માટે રાજ્યભરમાં વિવિધ સંસ્થાઓ, જૂથો થકી સામાન્ય માણસો રાહત સામગ્રી એકત્ર કરવામાં જોડાયા હતા. આશરે એક કરોડથી વધુ ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. હજારોની સંખ્યામાં મહિલાઓેએ ફૂડ પેકેટ્સ તૈયાર કર્યા, લોકોએ સોશિયલ મીડિયા પર સંયમ જાળવીને અફવા, ફેક ન્યૂઝ-વીડિયો ફરતા કરવાનું ટાળ્યું હતું.

રાહત અને બચાવ કામગીરીમાં આરોગ્ય વિભાગની ભૂમિકા સૌથી મહત્ત્વની હતી. આરોગ્ય વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છની તમામ સરકારી હૉસ્પિટલોમાં વધારાના બેડની વ્યવસ્થા તાકીદે કરી હતી. સાથે જ ડૉક્ટરો, નર્સોની ટુકડીઓને 24 કલાક ખડેપગે રાખ્યા હતા. માત્ર હૉસ્પિટલો જ નહીં પણ મોબાઇલ યુનિટ મારફતે પણ ડૉક્ટરોની ટીમને તૈયાર રાખવામાં આવી હતી. આરોગ્ય વિભાગની સક્રિયતાને કારણે 29થી વધુ સગર્ભાઓને સુરક્ષિત રીતે આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડવામાં આવી હતી. તમામ આરોગ્ય કર્મચારીઓની રજા રદ કરવામાં આવી હતી.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી