September 23, 2021
September 23, 2021

વાઝે કી જુબાની – એન્ટેલિયા કી કહાની…!

મુકેશ અંબાણી પણ ફફડી ગયા હશે વાઝે સામેના આરોપનામાથી..

અંબાણીના ઘરની બહાર મૂકાયેલી કારનું રહસ્ય ખુલ્લુ થયું..

એએસઆઇ સચિન વાઝે મુખ્ય સૂત્રધાર…

અંબાણી પાસેથી ખંડણી માંગવાનો પોલીસનો જ ખતરનાક પ્લાન..

10 હજાર પેજના ચાર્જશીટમાંથી બહાર આવી રહી છે વિગતો..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

આધુનિક સમયમાં કાયદાના શાસનમાં અને કાયદાના રાજમાં કાયદાનું પાલન કરાવવાની અને નાગરિકોની સુરક્ષાની જવાબદારી સીસ્ટમમાં જેને સોંપવામાં આવી છે એ પોલીસ તંત્રમાં જ્યારે ગુન્હાહિત માનસ ધરાવતા પોલીસ અધિકારીઓ હોય ત્યારે એન્ટેલિયા વિસ્ફોટક કેસ જેવા કેસોનું સર્જન થયું હશે, થયું છે અને હવે પછી નહીં થાય તેની પણ કોઇ ખાતરી નથી. પોલીસમાં કામ કરનારા પણ માણસો જ છે અને તેઓ જ્યારે અવળો માર્ગ અપનાવે ત્યારે એસીબીની કામગીરી વધી જાય અને એન્ટેલિયા કેસની જેમ એનઆઇએ જેવા તપાસ એજન્સીઓની કામગીરી પણ વધી જાય….

ભારતના સૌથી વધુ ધનિક મુકેશ અંબાણીના મુંબઇના ઘરનું નામ એન્ટેલિયા છે. 25 ફેબ્રુઆરી,2021ના રોજ તેના ઘરની બહાર કૂવો ગાળવા માટે ઉપયોગમાં લેવાતી વિષ્ફોટક સામગ્રી જીલેટીનની સ્ટીક ભરેોલી એક કાર મૂકવામાં આવે છે. કાર મૂકનાર અને કાર મૂકીને આગળ વધીને તરત પરત ફરીને કારનો દરવાજો ખોલી કંઇક રહી ગયું કે કે કેમ તેની શોધાશોધ કરીને એ વ્યક્તિ ત્યાંથી જતી રહે છે. અને દેશ દુનિયાને જાણ થાય છે કે અંબાણીના ઘરને ઉડાવી દેવાના કાવતરાંરૂપે આ કારમાં દારૂગોળો મૂકવામાં આવ્યો છે. આ કૃત્ય આતંકવાદીઓનું છે એવું પણ ઠસાવવાનો પ્રયાસ થાય છે અને અંબાણીના ઘરની બહાર જે એસવીયુ સ્કોર્પિયો કાર મૂકવામાં આવી તેના માલિકના શંકાસ્પદ મોત અને ત્યારબાદ એ મોત નહીં પણ હત્યા છે એવુ પૂરવાર થતાં એક એવુ ષડયંત્ર, તપાસ એજન્સી એનઆઇએના મતે, બહાર આવ્યું કે પોલીસ તંત્રમાં ગુન્હાહિત માનસ ધરાવનારા પોલીસ કર્મીઓ શું ન કરી શકે તેના પર નાગરિકોએ વિચાર કરવો પડે …!

એન્ટેલિયા કેસ કે અંબાણી કેસ તરીકે ઓળખાતાં આ કેસમાં તપાસ એજન્સીએ 10 હજાર પાનાનું આરોપનામુ કોર્ટમાં મૂક્યું ત્યારે એક એવા કેસનો ખુલાસો થયો કે આ કાવતરાં કે ષડયંત્ર રચનાર-ઘડનાર મુંબઇ પોલીસના એએસઆઇ સચિન વાઝે નામનો પોલીસ અધિકારી છે અને તેણે જ પોતાની ઓળખ છુપાવવા, કોરોનામાં ડોક્ટરો ચેપથી બચવા આખુ શરીર ઢાંકવા જે પીઆઇપી કીટ પહેરે છે એવી કીટ પહેરીને વિસ્ફોટક સાથેની કાર મૂકી હતી. કાર મૂકીને આગળ ગયા બાદ જાણે કે કંઇક યાદ આવ્યું હોય અને કાર તરફ પરત ફરવા પાછળનું કારણ એજન્સીના આરોપનામાં એવું આપવામાં આવ્યું છે કે વાઝે એ કારમાં પોતાનુ આઇડી કાર્ડ ભૂલી ગયો હતો જેને લેવા માટે પરત કાર તરફ આવ્યો હતો અને પછી એન્ટેલિયાના સીસીટીવી કેમેરાના રેન્જની બહાર જઇને તેની સાથેના અન્ય પોલીસ સાગરિતોની કારમા બેસીને ગુનાના સ્થળેથી ગાયબ થઇ જાય છે…!

વાઝેને આ આખુ કાવતરુ બીજા પોલીસ કર્મીઓને ગુનામાં સાથે રાખીને કેમ કરવુ પડ્યું તો એજન્સીના આરોપનામામાં ઉલ્લેખ છે કે અંબાણીને ડરાવીને તેની પાસેથી ખંડણી વસૂલવા માંગતો હતો… અને તેના આ કાવતરાંમાં મુંબઇ પોલીસના એક સમયના એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદિપ શર્મા પણ સામેલ છે…! મુખ્ય સૂત્રધાર વાઝે એન્ડ કંપનીએ અંબાણી પાસેથી ખંડણી માંગી હોત તો કેટલા માંગી હોત…કે માંગી હશે…તેનો ઉલ્લેખ આરોપનામાં નથી. પણ મુકેશની સંપત્તિને જોતા વાઝેએ કેટલા કરોડ ખંડણી માંગવાનો પ્લાન કર્યો હશે બીજા સાગરિત પોલીસકર્મીઓની સાથે મળને..? 100 કરોડ…500 કરોડ કે તેથી વધારે…અને જે ધનિક વ્યક્તિ સરકાર અને સરકારો સાથે સારા સંબંધ ધરાવતો હોય તે એટલી સહેલાઇથી ખંડણીની રકમ આપી દેશે એમ આ કથિત ખંડણીખોર પોલીસને કેમ વિશ્વાસ આવ્યો હશે..?

10 હજાર પાનાની વિગતો બહાર આવી રહી છે તેમાં એક આખી મસાલેદાર ફિલ્મ બને તેવી વિગતો છે. 20 વર્ષ સસ્પેન્ડ રહેનાર વાઝે ફરીથી પોલીસમાં આવે છે અને પોતાને સુપરકોપ એટલે કે શ્રેષ્ઠ સાબિત કરવા અંબાણીનું ઘર પસંદ કરે છે. પોતે જ બધુ ગોઠવે છે અને તપાસ પણ પોતાને મળે તેમાં સફળ થાય છે. પોતાના લક્ષને અંજામ આપવા કાર માલિક મનસુખ હિરેનની 45 લાખમાં હત્યા થાય છે. બનાવટી નંબર પ્લેટ બનાવવી, બનાવટી નામે સીમ કાર્ડ.

આતંકી જુથના નામે ખોટી માહિતી આપવી અને સરકારને પણ ગેરમાર્ગે દોરવી સહિતના એ તેમામ ગરકાયદે કામો એન્ટેલિયા કેસમાં વાઝે અને તેમના સાથી પોલીસ દ્વારા કરવામાં આવ્યાં હોવાનો ઉલ્લેખ એનઆઇએ દ્વારા 10 હજાર પાનાના આરોપનામાં કરાયો છે. એમ કહી શકાય કે અંબાણી પાસેથી ખંડણી માંગવાના આ કેસમાં કેન્દ્રિય તપાસ એજન્સીએ સ્ફોટક માહિતી જાહેર કરી. આવા અન્ય કેસોમાં શું નહીં થયુ હોય તેની તો કલ્પના જ કરવી રહી…

ઠાકરે સરકારે પણ કેન્દ્રમાં ભલે તેમને ન ગમતી સરકાર હોય તેમ છતાં તેમને તપાસ સોંપીને મુંબઇ પોલીસમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હશે અને એનઆઇએના આરોપો સાચા માનીએ તો પોલીસમાં પણ કોઇ અપરાધવૃતિવાળા છે જે સરકાર અને સમાજની સાથે ખાખી વર્દી પર કલંક સમાન કહી શકાય. આ કેસ કોર્ટમાં ચાલશે ત્યારે ઓર હજુ રસપ્રદ માહિતી બહાર આવી શકે. ખાસ કરીને વાઝેની જુબાની એન્ટેલિયાની કહાની બની રહે તેમ બની શકે.ધનિકો સાવધાન…તમારા ઘરની બહાર કોઇ બિનવારસી કાર મળે કે મૂકી જાય તો ચેતજો…

 34 ,  1