અમદાવાદ : આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી, ત્રણ રદ : કાલે થશે ચિત્ર સ્પષ્ટ

આવતીકાલે મહાનગર પાલિકાના ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થશે

રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. જેની આજે ચકાસણી શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં કલેક્ટર કચેરી સહિતના સેન્ટરો પર ફોર્મની ચકાસણી શરુ કરવામાં આવી છે. જે ઉમેદવારોના ફોર્મ યોગ્ય ઠરશે તે જ ઉમેદવારો ચૂંટણી લડી શકશે. બીજી બાજુ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ઉમેદવારી કરનારા ઉમેદવારોના ફોર્મ માન્ય થયા છે કે નહીં તે જોવા માટે પહોંચ્યા હતાં. જેમાં અત્યાર સુધીમાં 3 અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થયાં હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલ આવતાં કોંગ્રેસના લીગલ સેલ અને વકિલોની દોડધામ શરૂ થઈ ગઈ છે. જ્યારે ભાજપના પણ લીગલસેલના આગેવાનો કલેક્ટર કચેરી પહોંચી ગયાં હતાં.

આગામી 21મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન થશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત કુલ 6 મહાનગર પાલિકાઓમાં કુલ 576 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. જેના માટે ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 4 હજાર 885 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. આ ઉમેદવારી ફોર્મની આજે ચકાસણી હાથ ધરવામાં આવી છે. આવતીકાલે 9 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.

6 મનપામાં ક્યા-કેટલાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા

અમદાવાદ મહાનગર પાલિકાના 48 વોર્ડની 192 બેઠક માટે 1161 ઉમેદવારે ફોર્મ છે. તો ભાવનગરમાં 13 વોર્ડ માટે 448 ફોર્મ ભરાયા છે. જ્યારે જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડ માટે 427 ફોર્મ ભરાયા, રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડ માટે 629 ફોર્મ ભરાયા, સુરત મહાનગર પાલિકાના 30 વોર્ડ માટે 1041 ફોર્મ ભરાયા, વડોદરા મહાનગર પાલિકાના 19 વોર્ડ માટે 547 ફોર્મ ભરાયા છે.જેની આજે ચકાસણી પૂર્ણ કરવામાં આવશે.એટલે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

આગમી 23 ફેબ્રુઆરીએ તમામ 6 મનપાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. જેથી ફોર્મ ભર્યાની સાથે હવે ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. રેલીઓ સભાઓની સાથો-સાથ ગ્રાઉન્ડ લેવલ પર થઈને મતદારોને રિઝવવા માટે ડોર ટૂ ડોર પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પ્રચાર-પ્રસારને વેગવંતો બનાવવામાં આવી રહ્યો છે. અને ઉમેદવારો પાર્ટીના વિકાસ કાર્યો આગળ મુકી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ઠક્કરનગર અને સરદારનગરના કોગ્રેસના ઉમેદવારના ફોર્મમાં ભૂલ

કોંગ્રેસના ઠક્કરનગર અને સરદારનગરના ઉમેદવારોના ફોર્મમાં ભૂલ આવતાં કોંગ્રેસના લીગલ સેલના આગેવાનોએ દોડધામ શરુ કરી દીધી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે કોંગ્રેસના દિનેશ પરમારના સોગંધનામામાં ભૂલ હોવાને કારણે તેમનું ફોર્મ અટવાયું છે. તે ઉપરાંત સરદારનગરના કોંગી ઉમેદવાર દેવલબેન રાઠોડના ફોર્મમાં ટેકેદારની સહી બાકી રહેતાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. બંને ઉમેદવારોના ફોર્મને માન્ય રાખવા માટે રજુઆતો કરવામાં આવી છે.

કલેકટર કચેરી ખાતે ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય પક્ષના ઉમેદવાર પહોંચ્યા

અમદાવાદ કલેકટર કચેરી ખાતે ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય પક્ષના ઉમેદવાર પહોંચ્યા છે.ઉમેદવાર પોતાના ફોર્મ માન્ય રખાયું છે કે નહીં તે ચકાસવા માટે આવ્યા છે.આ સમગ્ર પ્રક્રિયામાં ઉમેદવારના ફોર્મમાં ક્ષતિ જણાશે તેવા ઉમેદવારોના ફોર્મ રદ્દ થઈ શકે છે. ઉમેદવારોની હાજરીમાં ઉમેદવારીપત્ર તપાસવામાં આવી રહ્યા છે. જ્યારે ઉમેદવારને ખૂટતા દસ્તાવેજ અને અપૂરતા દસ્તાવેજ રજૂ કરવાનો મોકો આપવામાં આવશે. સમયસર ઉચિત દસ્તાવેજ રજૂ નહિ થાય તો ઉમેદવારોનું ફોર્મ રદ્દ કરવામાં આવશે.
દરિયાપુર અને શાહીબાગ વોર્ડમાં ત્રણ ફોર્મ રદ થયા

અત્યાર સુધીમાં અસારવા અને શાહીબાગના ભાજપના ઉમેદવારો ફોર્મ ચકાસણીમાં પાસ થયા છે. 8 ઉમેદવારોની ચકાસણીમાં કોઈ ખામી નહિ હોવાનું ધારાસભ્ય પ્રદિપ પરમારે જણાવ્યું હતું. જમાલપુર, દરિયાપુર, ખાડિયા વોર્ડના ભાજપ અને કોંગ્રેસ પક્ષના તમામ 8 ઉમેદવારના ફોર્મની ચકાસણીમાં કોઈ વાંધો ન આવતાં ઉમેદવારી ફાઈનલ થઈ ગઈ છે. જ્યારે દરિયાપુર અને શાહીબાગમાં ત્રણ ફોર્મ રદ થયા છે.

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર