September 23, 2021
September 23, 2021

VIDEO: સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો

તમામ દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા, 17 ગામોને અપાયું એલર્ટ

ગુજરાતભરમાં મેઘરાજા પોતાની બીજી ઈનિંગ મન મુકીને વરસી રહ્યા છે જેને પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. જળાશયોના જળસ્તરની સપાટીમાં વધારો થયો છે. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ છેલ્લા 5 વર્ષમાં ચોથી વખત ઓવરફ્લો થયો છે જેને પગલે લોકોમાં ખુશી છવાઈ છે. ભારે વરસાદ અને ઉપરવાસમાં પાણીની આવકને પગલે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. જેથી શેત્રુંજી ડેમના તમામ દરવાજા 2 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે.

શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 1800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેથી દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે હાલ ડેમમમાં 1500 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા કાંઠા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારો સહિત 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ડેમના તમામ દરવાજા ખોલાતા તંત્ર દ્વારા ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણિયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, નાની-રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને મેંઢા સહિત 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ભાવનગર, પાલિતાણા ગારિયાધાર સહિતના વિસ્તારનો પાણીનો પ્રશ્ન હલ થયો છે. તેની સાથોસાથ ભાવનગર જિલ્લાનાં અનેક ગામોને સિંચાઈનો પ્રશ્ન પણ હલ થવા પામ્યો છે.

 43 ,  1