VIDEO: બાંગ્લાદેશના બેટ્સમેનનો ‘ડાન્સ’ જોઈ બોલર ગુસ્સે થયો

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

બાંગ્લાદેશની ટીમ અત્યારે ઝિમ્બાબ્વે ટૂર પર છે. બંને ટીમ વચ્ચે હરારેમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે, પરંતુ આ મેચના બીજા જ દિવસે વિવાદ શરૂ થઈ ગયો હતો. બેટિંગ દરમ્યાન બાંગ્લાદેશી ખેલાડી તાસ્કિન અહેમદ અને ઝિમ્બાબ્વેનો બોલર બ્લેસિંગ મુઝરાબાની બન્ને બાખડ્યા હતા. આ સમય દરમિયાન બંને વચ્ચે અપશબ્દોની પણ આપ-લે થઈ હતી. બંને ખેલાડી વચ્ચે હાથાપાઈ થાય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે બંને ખેલાડી વચ્ચે ઝઘડો થયો હતો. બાંગ્લાદેશની ઈનિંગની 85મી ઓવરમાં બ્લેસિંગ મુઝરાબાનીના બીજા બોલ પર તાસ્કિન અહેમદે બેકફુટ પર જઈને ડિફેન્સ કર્યું હતું. તાસ્કિને બોલ ડિફેન્સ કર્યા પછી ડાન્સ મૂવ્સ કર્યા હતા, જે બોલરને નહોતા ગમ્યા અને તે તાસ્કિન તરફ ધસી આવ્યો. તાસ્કિન પણ બોલરની આંખમાં આંખ નાખીને ઝઘડો કરવા લાગ્યો હતો. બોલર મુઝરાબાની પોતાનું માથું તાસ્કિનની હેલ્મેટ ગ્રિલને ટચ કરીને અપશબ્દો બોલ્યો હતો.

નોંધનીય છે કે, ઝિમ્બાબ્વે સામેની મેચમાં બાંગ્લાદેશે પોતાની પ્રથમ ઇનિંગમાં 468 રન ખડક્યા હતા, જેના જવાબમાં બીજા દિવસે ઝિમ્બાબ્વેની ટીમે 1 વિકેટના નુકસાને 114 રન બનાવ્યા હતા. બીજા દિવસની શરૂઆતમાં ઝિમ્બાબ્વેને આશા હતી કે તે 2 વિકેટ ઝડપથી લઈ લેશે, પરંતુ બાંગ્લાદેશના લોઅર ઓર્ડરે સારી બેટિંગ કરી હતી. તસ્કિન અહેમદ અને મહમુદુલ્લાહે નવમી વિકેટ માટે 191 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. મહમુદુલ્લાહે અણનમ 150 રનની ઈનિંગ રમી હતી, જે એનો સર્વાધિક સ્કોર છે.

 36 ,  1