ભારતીય સેનાના એ 5 જાંબાઝ… જેમના શૌર્યના પ્રતાપે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ચટાડી હતી ધૂળ

Vijay Diwas: વીર શહીદોને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, વાંચો વિજયગાથા…

16 ડિસેમ્બરનો દિવસ સૈનિકોના શૌર્યને સલામ કરવાનો દિવસ છે. આખા દેશણાં 16 ડિસેમ્બરને વિજય દિવસના (Vijay Diwas) રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે 1971ના વરસમાં ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં (India-Pakistan war) ધૂળ ચટાડી હતી. ભારતે પાકિસ્તાન ઉપર જીતનો જશ્ન મનાવ્યો હતો. આ ઐતિહાસિક વિજયની ખુશી આજે પણ દરેક દેશવાસીઓના મનમાં ઉમંગ ભરી દે છે. વિજય દિવસ વિરતા અને શૌર્યની મિસાલ છે. 1971ના યુદ્ધમાં ભારતીય સૈનિકોએ મોટા પ્રમાણમાં કુર્બાની આપી હતી. આશરે 3900 ભારતીય સૈનિક વીરગતિને પ્રાપ્ત થયા હતા. જ્યારે 9851 સૈનિકો ઘાયલ થયા હતા.16 ડિસેમ્બરનો દિવસ દેશના જવાનોની વીરતા અને શૌર્ય, અદમ્ય સાહસ અને કુર્બાનીની કહાની વ્યક્ત કરે છે. બીજી બાજુ PM મોદી આજે સ્વર્ણિમ વિજય દિવસ એટલે કે વિજય દિવસના 50 વર્ષની યાદીના ભાગરૂપે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમણે સ્વર્ણિમ વિજય મશાલનું સન્માન અને સ્વાગતમાં ભાગ લીધો હતો.

વિજય દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ યુદ્ધના અંત પછી 93,000 પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું. 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ પછી પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું, જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. પૂર્વ પાકિસ્તાન (આજે બાંગ્લાદેશ) માં પાકિસ્તાની સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાઝીએ ભારતના પૂર્વ આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સમક્ષ આત્મસમર્પણ કર્યું. 16 ડિસેમ્બરની સાંજે, જનરલ નિયાઝીએ શરણાગતિના કાગળો પર હસ્તાક્ષર કર્યા. ભારત યુદ્ધ જીત્યું. દર વર્ષે આપણે આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ.

સેનાપ્રમુખ સેમ માણેકશા
ભારતીય પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી ઈચ્છતા હતા કે 1971માં સેના પાકિસ્તાન પર ચડાઈ કરી દે. જો કે ત્યારે ભારતીય સેનાના અધ્યક્ષ સામ માનેકશાએ આમ કરવાની મનાઈ કરી દીધી. માણેકશાએ કહ્યુ કે ભારતીય સેના અત્યારે હુમલા માટે તૈયાર નથી. કહેવાય છે કે ઈન્દિરા ગાંધી આનાથી નારાજ પણ થયા પરંતુ માનેકશાએ તેમને પૂછ્યુ કે તમે યુદ્ધ જીતવા ઈચ્છો કે નહિ. ઈન્દિરાએ કહ્યુ હા. આના પર માણેકશાએ કહ્યુ મને 6 મહિનાનો સમય આપો. હું ગેરેન્ટી આપુ છુ કે જીત તમારી થશે. એક વ્યક્તિ અને સૈન્ય અધિકારી તરીકે તેમનું વ્યક્તિત્વ દમદાર હતું.તેનું જ પરિણામ હતું કે તેઓ રાજકીય લૉબીમાં કોઈના માનીતા નહતા.પણ જે રીતે તેમણે પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા, તેને જોતાં તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી પણ તેમને માની ગયા.

કમાન્ડર અરોરા
પૂર્વ કમાન્ડર લે. જનરલ જગજીત સિંહ અરોરા ભારતીય સેનાના કમાન્ડર હતાં. કહેવાય છે કે તેમની સેનાની નાની મોટી ટુકડીઓના સહારે જ આ યુદ્ધમાં જીત મળી. 30,000 પાકિસ્તાની સૈનિકોની સરખામણીમાં તેમની પાસે ચાર હજાર સૈનિકોની ફોજ જ ઢાકાની બહાર હતી. સેનાની બીજી ટુકડીઓને બોલાવવામાં આવી હતી પરંતુ તેમને પહોંચતા વાર લાગતી હતી. આ દરમિયાન લેફ્ટેનન્ટ જનરલ જગજીત સિંહ ઢાકામાં પાકિસ્તાનના સેનાનાયક લે. જનરલ નિયાઝીને મળવા પહોંચ્યાં અને તેમના ઉપર કઈંક એ પ્રકારે દબાણ સર્જ્યુ કે તેમણે આત્મસમર્પણ કરી નાખ્યું. ત્યારબાદ સમગ્ર પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું.

મેજર હોશિયાર સિંહ
મેજર હોશિયાર સિંહે પોતાના જુસ્સાથી પાકિસ્તાની સેનાને પરાજિત કરવામાં મોટી ભૂમિકા ભજવી. તેમને જમ્મુ અને કાશ્મીરની બીજી બાજુ શકરગઢના પસારી વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે પોતાના શૌર્યનું પ્રદર્શન કરતા જરવાલનો મોરચો ફતેહ કર્યો. આ માટે માત્ર 3 ગ્રેનેડિયર્સના નેતૃત્વમાં જ તેમણે અદભૂત સાહસનો પરિચય કરાવતા ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમના પરાક્રમ માટે તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતાં.

લેફ્ટેનન્ટ અરુણ ખેત્રપાલ
લે. અરુણ ખેત્રપાલ દેશ માટે લડતા લડતા શહીદ થયા હતાં. પરંતુ તે પહેલા તેમણે પોતાના યુદ્ધ કૌશલ અને પરાક્રમથી દુશ્મનોને એક ઈંચ પણ આગળ વધવા દીધા નહતાં અને તેમને હારની સાથે પાછળ ધકેલ્યાં. તેઓ સૌથી ઓછી ઉંમરમાં મરણોપરાંત પરમવીર ચક્ર મેળવનારા ભારતીય જાંબાઝોમાંથી એક છે.

લાન્સ નાયક અલબર્ટ એક્કા
એક બાજુ ભારતીય જવાન પાકિસ્તાની સૈનિકોને પાછળ ધકેલી રહ્યાં હતાં ત્યાં બીજી બાજુ સેનાના જવાનો બટાલિયનમાં તહેનાત બીજા જવાનોની રક્ષા કરી રહ્યાં હતાં. અલબર્ટ એક્કાએ અદભૂત સાહસનો પરિચય કરાવતા પોતાની બટાલિયનના સૈનિકોની રક્ષા કરી હતી. આ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી