INDvsNZ મેચ રદ્દ થતા કોહલી નિરાશ, ઇન્ડિયાને મોટુ નુકસાન, ન્યૂઝીલેન્ડને ફાયદો

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે એક પણ બોલ રમ્યા વગર જ ધોવાઈ ગઈ. હવે ભારતની આગામી મેચ 16મી જૂનના રોજ માનચેસ્ટરમાં પાકિસ્તાન સામે છે. ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે મેચ રદ કરી દેવામાં આવી હતી. મેચ રદ થતા બંને ટીમને 1-1 પોઈન્ટ મળ્યા હતા.

ભારતના 3 મેચમાં 2 જીત અને 1 નો રિઝલ્ટ સાથે 5 પોઇન્ટ છે, જયારે કિવિઝના 4 મેચમાં 3 જીત અને 1 નો રિઝલ્ટ સાથે 7 પોઇન્ટ છે. ભારત રવિવારે પાકિસ્તાન સામે પોતાની ચોથી મેચ રમશે. પોઇન્ટ વહેંચવાના કારણે ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડની સરખામણીએ વધારે નુકસાન થયું છે. ભારત સાથે પોઇન્ટ વહેંચ્યા પછી ન્યૂઝીલેન્ડની નોકઆઉટમાં જવાની સ્થિતિ મજબૂત બની ગઈ છે. ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાને હરાવ્યું છે. સાથે ટાઇટલના પ્રબળ દાવેદાર ભારત સામે એક પોઇન્ટ મળ્યો છે.

કોહલીએ આગામી મેચ વિશે કહ્યું કે “વર્ષોથી અમારા મુકાબલા પ્રતિસ્પર્ધી રહ્યાં છે. દુનિયાભરમાં લોકોને તેમાં રસ હોય છે અને આટલી મોટી મેચનો ભાગ હોવું એ ગર્વની વાત છે. તેમાં અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ.” તેણે કહ્યું કે “અમને ખબર છે કે અમારી માનસિક તૈયારી પૂરી છે. મેદાન પર જઈને રણનીતિનો અમલ કરવાનો છે.”

વરસાદના કારણે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચ રદ્દ થતા કોહલીએ નિરાશા વ્યક્ત કરી. ભારતીય કેપ્ટને કહ્યું કે ખેલાડીઓના દ્રષ્ટિકોણ અને પોઈન્ટ ટેબલ જોઈએ તો મેચ ન રમવી નિરાશાજનક છે. પરંતુ જ્યારે રમવા લાયક સ્થિતિ ન હોય તો મેદાન પર ન ઉતરવું જ સારું હોય છે. હાલ કોઈને ઈજા થાય તેવું નથી ઈચ્છતા. અમે અત્યારના સમયમાં સારું ક્રિકેટ રમીએ છીએ. આથી અમને ચિંતા નથી કે અમે પોઈન્ટ ટેબલમાં ક્યાં છીએ. ભારતે ન્યૂઝીલેન્ડને છેલ્લી 8 વન-ડે મેચમાંથી 6 માં હરાવ્યું છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી