September 20, 2021
September 20, 2021

વોડાફોન આઈડિયા: કુમાર મંગલમ બિરલા કંપનીમાં પોતાનો હિસ્સો છોડવા તૈયાર

સરકાર જલ્દીથી જરૂરી પગલાં નહીં લે તો VIનું અસ્તિત્વ જોખમમાં આવશે

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના અસ્તિત્વને બચાવવા માટે પોતાનો પ્રમોટર હિસ્સો છોડવા તૈયાર છે. કેબિનેટ સચિવને લખેલા પત્રમાં બિરલાએ જણાવ્યું હતું કે તેઓ કોઈપણ સરકારી કે સ્થાનિક નાણાકીય કંપનીને પોતાનો હિસ્સો આપવા તૈયાર છે. નોંધનીય છે કે, કુમાર મંગલમ બિરલા વોડાફોન આઈડિયાના પ્રમોટર અને ચેરમેન છે. હાલમાં, કંપનીનું માર્કેટ મૂડીકરણ લગભગ 24,000 કરોડ રૂપિયા છે.

કુમાર મંગલમ કંપનીમાં 27 ટકા હિસ્સો ધરાવે છે તેમજ બ્રિટેનની કંપની વોડાફોન પીએલસીમાં 44 ટકા હિસ્સો છે. વોડાફોન ઇન્ડિયા પર લગભગ 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગયા વર્ષે સપ્ટેમ્બર 2020 માં, કંપનીના બોર્ડે 25,000 કરોડ રૂપિયાની મૂડી વધારવાની જાહેરાત કરી હતી. બિઝનેસ સ્ટાન્ડર્ડ મુજબ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને લખેલા પત્રમાં બિરલાએ કહ્યું કે સરકારે આ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. તેણે એમ પણ કહ્યું કે તે કંપની પર પોતાનું નિયંત્રણ છોડવા તૈયાર છે. તેઓ પોતાનો હિસ્સો સરકાર અથવા સ્થાનિક નાણાકીય કંપનીને આપવા માંગે છે.

તેમણે વધુમાં કહ્યું કે જો સરકાર અન્ય કોઇ કંપનીને ચલાવવા માટે સક્ષમ માને છે, તો તેઓ તે કંપનીને તેમનો હિસ્સો આપવા પણ તૈયાર છે. સરકારે વિદેશી રોકાણકારોમાં આત્મવિશ્વાસ પેદા કરવા માટે પગલાં લેવાની જરૂર છે કારણ કે જો સરકાર જલ્દીથી જરૂરી પગલાં નહીં લે તો વોડાફોન આઈડિયાનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે.

 79 ,  1