દૂધસાગર ડેરીની ચૂંટણી માટે મતદાન શરૂ, કાંટાની ટક્કર – સાંજે પરિણામ

દૂધસાગર ડેરીનો ચૂંટણી જંગ, સવારે ૯થીસાંજે પાંચ વાગ્યા સુધી મતદાન

ગુજરાત રાજ્યની 5,800 કરોડનું ટર્ન ઓવર ધરાવતી મહેસાણાની દૂધ સાગર ડેરીની ચૂંટણી માટે આજે મતદાન છે. સવારે 9 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે. અને સાંજે જ સાડા છ વાગ્યા બાદ મતગણતરી શરૂ થશે. મોડી સાંજે જ પરિણામ જાહેર કરાશે. દુધ સાગર ડેરીમાં વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીની પેનલ વચ્ચે જંગ છે. દૂધસાગર ડેરીની ચૂંટણીએ ભારે રસા-કસી જગાવી છે. આ ચૂંટણી સૌથી રસપ્રદ રહેશે, બન્ને પેનલ વચ્ચે કાંટાની ટક્કર છે. નિર્ણાયંક જંગનો નિર્ણય સાંજે આવી જશે.

મહેસાણાની સાર્વજનિક શાળામાં મતદાન યોજાઈ રહ્યું છે. આ માટે શાળામાં કુલ 11 બૂથ ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીથી લઈને પટાવાળા સુધી કુલ 80 કર્મચારીઓનો સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં જોડાશે. તો ચૂંટણીમાં કોઈ બાધા ઉભી ન થાય તે માટે 250 પોલીસ કર્મચારીઓ, 3 ડીવાયએસપીનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કુલ 15 બેઠકો માટે 39 ઉમેદવારો મેદાનમાં છે. તો 15 પેનલ માટે 9 અપક્ષ ઉમેદવાર છે. બેલેટ પેપરથી આ મતદાન યોજાશે. અગાઉ ચૂંટણીમાં 39 ઉમેદવાર હતા, જોકે, સિદ્ધપુર નાગવાસણા અને દસાવાડા દૂધ મંડળીના ઉમેદવારો પણ ચૂંટણી લડવાના છે. આ બંને દૂધમંડળી દ્વારા હાઈકોર્ટમાં ચૂંટણી લડવા રિટ કરાઈ હતી. ત્યારે બંને કોર્ટે ઉમેદવારોને ચૂંટણી લડવા સહમતિ આપી હતી. જોકે, મુખ્ય જંગ વિપુલ ચૌધરી અને અશૌક ચૌધરીની પેનલ વચ્ચે છે. 

પરિવર્તન પેનલના અશોક ચૌધરીએ મતદાન પહેલા નિવેદન આપ્યું કે, આ વખતે મતદારોએ પરિવર્તન પેનલને જીતાડવાનું મન બનાવ્યું છે. અમારો તમામ બેઠક ઉપર વિજય થશે.

દૂધસાગર ડેરીની ચૂંટણીને લઇ સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આગામી 5 તારીખે ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિપુલ ચોધરી અને અશોક ચોધરીના જૂથે સત્તામાં આવવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું. બંને જૂથ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. અશોક ચોધરીના જૂથ દ્વારા વિપુલ ચોધરી પર અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામા આવ્યા છે. તો સાથે જ આ ચૂંટણીમાં પશુપાલકો અશોક ચૌધરી સાથે હોવાની વાત કરી રહ્યા છે. વિપુલ ચોધરીના શાસન દરમિયાન અનેક કૌભાંડો થયા હોવાના આક્ષેપ સાથે હાલ ડેરીની ૧૫ એ ૧૫ બેઠકો પર અશોક ચૌધરીની જીતનો દાવો અશોક ચોધરીના સમર્થકોએ કર્યો છે.  

બોનસ પગાર કૌભાંડ મામલે હાલ વિપુલ ચોધરી જેલમાં છે. પરંતુ હાઇકોર્ટમાં વિપુલ ચૌધરીને ચૂંટણી લડવાને લઇ રાહત મળતો ચુકાદો આવ્યો છે. જેથી વિપુલ ચૌધરી ખેરાલુ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે અને વિપુલના સમર્થકો દ્વારા સરકાર કિન્નાખોરી કરી રહી હોવાના આક્ષેપ કરાયો છે. વિપુલ ચોધરી પર ખોટા કેસો કરી રહી હોવાની વાત પણ કરાઈ હતી. 

બંને પક્ષોએ ડેરીમાં સત્તા હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવ્યું, સામસામે આક્ષેપો કર્યા, પરંતુ પશુપાલકો અને મતદારો કોને બહુમતી આપીને ડેરીની સત્તાનું સુકાન સોંપે છે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે. હવે જોવું રહ્યું કે ડેરીમાં પુનરાવર્તન થાય છે કે પરિવર્તન. 

 47 ,  1