વિધાનસભાનું ટ્રેલર: આવતીકાલે 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન

ગામડાઓમાં વધુ રાજકીય પ્રભુત્વ જમાવવા ભાજપ-કોંગ્રેસે એડી ચોંટીનું જોર લગાવ્યું

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા ભાજપ- કોંગ્રેસ સહિતના પક્ષો માટે 2022નું વિધાનસભાનું ટ્રેલર કરી શકાય તેમ આવતીકાલે એટેલે કે 19 ડિસેમ્બરના રોજ 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન યોજાશે. કુલ 8,684 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થશે. 27,200 ઉમેદવારો ચૂંટણી માટે મેદાનમાં આવી ચૂક્યા છે. કુલ 53,507 વોર્ડની બેઠકો માટે 1,19,998 સભ્યો મેદાનમાં આવ્યા છે. બીજી બાજુ ગામડાઓમાં પોતાના સમર્થકોને જીતાડવા માટે ભાજપ-કોંગ્રેસ એડી ચોંટીનું જોર લગાવ્યું છે. પંચાયતોની ચૂંટણીને પગલે ભરશિયાળે ગામડાઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે.

રાજ્યમાં 23,097 મતદાન મથકોમાં આવતીકાલે મતદાન થશે. રાજ્યમાં 6,656 મતદાન મથકો સંવેદનશીલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 3,074 મતદાન મથકો અતિસંવેદનશીલ હોવાને લઈને પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. મળતી માહિતી અનુસાર રાજ્યમાં 2,546 ચૂંટણી અધિકારીઓ ચૂંટણી કામગીરીમાં જોડાશે અને 2,827 મદદનીશ ચૂંટણી અધિકારી ચૂંટણી કામગીરીમાં જોડાશે. પોલિંગ સ્ટાફની સંખ્યા 1,37,466ની રાખવામાં આવે છે.

ગુજરાતમાં કુલ 10,812 ગ્રામ પંચાયતોમાં 10,221 સરપંચ અને 89049 સભ્ય માટે ચૂંટણીઓ યોજાઇ રહી છે. જોકે, 1167 પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1167 સરપંચ અને 9669 સભ્યોને બિનહરીફ થયા છે.

આવતીકાલે થનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 51,747 પોલીસ સ્ટાફ સુરક્ષામાં જોડાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 1,82,15,013 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા 88 લાખ 45 હજાર 811 અને પુરુષ મતદારોની સંખ્યા 93 લાખ 69 હજાર 202ની રહેશે. કુલ મતદારોની વાત કરીએ ચૂંટણીમાં કુલ 1,82,15,013 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્ય ચૂંટણીપંચે આખાય રાજ્યમાં 3074 અંતિસંવેદનશીલ મતદાન મથકો અને 6656 સંવેશનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે. આમ, પંચાયતોની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

ભાજપ-કોંગ્રેસે એડી ચોંટીનું જોર લગાવ્યું
8 હજારથી વધુ ગામડાઓમાં પોતાના સમર્થકોને જીતાડવા માટે ભાજપ-કોંગ્રેસ એડી ચોંટીનું જોર લગાવ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનો જે પ્રકારે મતદાન કરશે તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં થઇ શકે છે. અનેક ગામડાઓમાં હજી પણ પાયાની સુવિધાઓ નથી ત્યારે તેનો રોષ માત્ર ગ્રામ પંચાયતની ચૂંટણી જ નહીં પરંતુ વિધાનસભાની ચૂંટણી પર પણ જોવા મળશે. આ રોષને ખાળવા માટે ભાજપ અને કોંગ્રેસ પોતાના સમર્થકોની તરફેણમાં મતદાતાઓ રહે એ માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસો કર્યા છે. પ્રચાર પડઘમ શાંત થયા પછી હવે ડોર ટૂ ડોર પ્રચાર કરીને મતદાતાઓને રિઝવવાના પ્રયાસો કરાશે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી