કડી સિરિયલ ગેંગ રેપ સહિત 52 ગુના આચરનાર ડફેર ગેંગના વોન્ટેડ આરોપી ઝડપાયા

અમદાવાદ ક્રાઇમબ્રાંચને મળી મોટી સફળતા

હત્યા, લૂંટ તેમજ ગેંગરેપ જેવા અને ગુનાઓને આપી ચૂક્યા છે અંજામ

કડી સિરીયલ ગેંગરેપના ફરાર ડફેર ગેંગના વોન્ટેડ આરોપીની આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી સામે ગુજસીટોક કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા કુખ્યાત આરોપીઓ સામે 52 ગુનાઓ આચર્યા છે.

જણાવી દઇએ, ઓક્ટોબર 2019 દિવાળી તહેવાર દરમિયાન કડી કેનાલ આજુબાજુના ગામ તથા અચરાસણ વિસ્તાર ગામની સીમમાં રહેતા એકલ-દોકલ પતિ-પત્નીને ટાર્ગેટ કરી લૂંટ તથા સીરીયલ ગેંગરેપના ગંભીર બનાવો બન્યા હતા. અચરાસણ ગામ તાલુકો કડી સીમમાં ખેતરમાં એક યુવતી સાથે ત્રણ અજાણ્યા શખ્સોએ છરી લાકડી જેવા હથિયારો સાથે ધસી આવીને યુવતીના પતિને બંને પગે બાંધી દઈ યુવતી સાથે વારાફરથી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઉપરાંત લીમડી પોલીસ પર ફાયરિંગ કરી છરીથી હુમલો પણ કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવેલ ડફેર ગેંગના બે આરોપી શરીફ ડફેર અને રસુલ ડફેરની ફતેવાડી કેનાલ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તપાસ કરતા એક રિવોલ્વર, એક છરી, ચોરેલી બાઈક કબ્જે કરવામાં આવી છે. આરોપી રસુલ ડફેર બે વર્ષ પહેલાં કડીમાં સિરીયલ ગેંગ રેપ ગુનાનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આરોપી શરીફ ડફેર પણ હત્યા, હત્યાની કોશિશ ,લૂંટ જેવા ગંભીર ગુના કરી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો.

પકડાયેલ આરોપી અને તેની ગેંગના 20 સાગરીતો વિરુદ્ધ ધ્રાંગધ્રા પોલીસ મથકે ગુજસીટોક ગુનો નોંધાયેલ છે. કુલ મળી આરોપી 52 ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપી રસુલ ડફેરે તેના સાગરીતો સાથે મળીને બે ગેંગરેપ કર્યા હતા. જેમાં આરોપી ફરાર હતો. 20 સભ્યની ગેંગના મોટા ભાગના આરોપી પોલીસ પકડમાં આવી ગયા છે.

52 ગુનામાં ફરાર આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ પોલીસ પર હુમલો કરવામાં પણ અચકાતા નથી. અગાઉ તેમણે લીમડી પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. અન્ય એક એલસીબીના પીએસઆઇ ઉપર પણ છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની બહાર આવવાની રાહ જોઈ હતી. તેમને અમદાવાદ શહેરના છેવાડેથી ઝડપી લીધા છે. આ ગેંગના વધુ એક આરોપી ઇમરાન ડફેરનું નામ સામે આવ્યું છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

 38 ,  1