હવે અમદાવાદમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, AMC નવી 17 ટાંકી બનાવશે

શહેરમાં 17 સ્થળે ઓવરહેડ ટાંકી બનાવવામાં આવશે

અમદાવાદ મહાનગરપાલિકાએ લોકોની પાણીની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અમદાવાદ નગરપાલિકા દ્વારા આગામી 20 વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા ના રહે તે માટેનું આયોજન હાથ ધર્યું છે.

AMCએ શહેરીજનોની પીવાના પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયાસ હાથ ધર્યા છે. જે સમસ્યા દૂર કરવાના ભાગ રૂપે AMC દ્વારા શહેરમાં 17 સ્થળો પર 1 લાખ કરોડ લીટર કેપેસિટી ધરાવતી ઓવરહેડ પાણીની ટાંકી બનાવાશે. જેથી શહેરની 70 લાખ વસ્તી સુધી પૂરતુ પાણી પહોંચી શકે. કેમ કે ઉનાળા દરમિયાન શહેરમાં પાણી બાબતે બુમરાડ પડતી હતી. જેને જોતા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટીના ચેરમેને ખુલાસો કરી આ માહિતી આપી છે.

AMCએ છેલ્લા કેટલાક વર્ષોનો અભ્યાસ કરીને આ કામગીરી શરૂ કરી છે. જેમાં આગામી 20 વર્ષ સુધી પાણીની સમસ્યા ન સર્જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે શહેરમાં 17 સ્થળે ઓવરહેડ ટાંકી બનાવવામાં આવશે. જેમાં ખોખરા, નારણપુરા, વસ્ત્રાલ, નિકોલ, ચાંદખેડામાં 2, ગોતા, સરખેજ, મેમનગર ફાયર સ્ટેશન પાસે ટાંકી બનાવાશે.

મહત્વનું છે કે હાલમાં શહેરમાં 245 પાણીની ટાંકી કાર્યરત છે. જેમાં વધુ 17 ટાંકી ઉમેરાતા શહેરમાં પાણીની સમસ્યા મોટાભાગે દૂર થશે તેવું અધિકારીનું માનવું છે. આ 17 ટાંકીના કામમાં 18 મહિના જેટલો સમય લાગશે. એટલે કે 18 મહિના સુધી તમામ ટાંકી માટે લોકોએ રાહ જોવી પડશે. જોકે અધિકારી માની રહ્યા છે કે 18 મહિના બાદ આગામી 15થી 20 વર્ષ સુધી શહેરમાં ઉનાળા દરમિયાન કે અન્ય ઋતુમાં પાણીની સમસ્યા શહેરમાં સર્જાશે નહીં.

સાથો સાથ AMC દ્વારા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં પણ પાણીની કેપેસિટી વધારવાની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં રાશકામાં 100 mldનું શરૂ કરાયુ છે, જે ચાલુ થતા દક્ષિણ અને પૂર્વ ઝોનને તેનો લાભ મળશે તો મધ્યઝોન માટે કોતરપુરમાં 300 mldના કામનું લોકાર્પણ કરાશે. જ્યાં અત્યારે 1100 mld કેપેસિટી છે. જે વધીને 1300 કેપેસિટી થશે. સાથે જ જાશપુરમાં 200 mld કેપેસિટી વધે તેવું આયોજન પણ કરાયું છે. જ્યાં હાલ 400 mld કેપેસિટી છે. કેપેસિટી 600 પર પહોંચતા શહેરના રિંગ રોડના લોકોને પાણી પૂરતા પ્રમાણમાં પહોંચી શકશે.

આમ AMC દ્વારા ઓવરહેડ અને અન્ડરગ્રાઉન્ડ ટાંકી બનાવવા સાથે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની પણ કેપેસિટી વધારવાનું આયોજન કરાયું છે. જેથી પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર લાવી ઓવરહેડ અને અંડર ગ્રાઉન્ડ ટાંકી સુધી પહોંચાડી શહેરીજનો સુધી પહોંચાડી શકાય.

જેથી આગામી 15થી 20 વર્ષ સુધી શહેરમાં પાણીની કોઈ સમસ્યા ન સર્જાય પણ એ પ્રયાસ ત્યારે જ સિદ્ધ થયો કહેવાશે જ્યારે પ્રોપર આયોજન પ્રમાણે લોકો સુધી તે સુવિધા અને પાણી પહોંચી રહે. જેની શહેરીજનો પણ રાહ જોઈ રહ્યા છે. જેથી લોકોને ટેન્કરો મારફતે પાણી ભરવાનો વારો ન આવે અને સ્માર્ટ સિટીની ઓળખ પણ જળવાઈ રહે.

 25 ,  1