‘’આપણે સૌએ કોરોનાને હરાવવાનો છે અને હરાવીને જ રહીશું એ મંત્ર ને જીવનમંત્ર બનાવી લો’’

સોલા મોડિકલ કોલેજના ઇન્ટર્નશીપ ડોકટર માટે જિલ્લાવહિવટીતંત્ર દ્વારા

રહેવાની અલાયદી વ્યવસ્થા કરવામા આવી.

GMERC સોલા મેડિકલ કોલેજના છેલ્લાં વર્ષના ૧૩૩ ઇન્ટર્ન ડોક્ટરો કે જેમાંથી હાલ ૭૦ જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સને કોરોના વોર્ડમા ડયુટી ફાળવવામાં આવી છે, બાકીના અન્ય ડોક્ટર નોન કોવિડમા ફરજ બજાવે છે. MBBS નો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ જુદા-જુદા જીલ્લાઓમાંથી આવતા હોય છે. કોવિડમા ફરજ બજાવ્યા બાદ તેઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે સાવચેતીના ભાગરૂપે સાથે ન રહી શકે તેમ હોવાથી તેઓને અલગથી એક આઇસોલેશન સેન્ટર કે જ્યાં સાવધાનીપૂર્વક રહી શકાય તેવી તેમની માંગણી હોવાથી સોલા સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તેમની માગણીનો સ્વીકાર કરવામાં આવ્યો અને જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી.

૭૦ જેટલા ઇન્ટર્ન ડોક્ટરોને રહેવા જમવા સાથેની સારી સગવડ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુઆયોજનના ભાગરૂપે સોલા ભાગવત વિદ્યાપીઠમાં તેમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે

સોલા ભાગવત વિદ્યાપીઠમાં તૈયાર કરવામાં આવેલ અતિથિ ભવનમાં ૭૦ જેટલા ડોક્ટર રહી શકે તે માટે ૩૫ એસી રૂમ ફાળવવામાં આવ્યા છે. એક રૂમની અંદર બે વ્યક્તિઓ રહી શકે તેવી ઉત્તમ પ્રકારની સગવડતાઓ આપવામાં આવી છે જેમાં સ્ટડી ટેબલ, એસી, ટીવી, સિંગલ અને ડબલ બેડ , વોર્ડરોબ, બાથરૂમ સહિતની અનેક સુવિધાઓ રૂમમા ઉપલબ્ધ છે.
અતિથિ ભવનમાં પ્રથમ દિવસે આગમન થનાર ડો. યશ ભાનુશાલી અહીં MBBS કરવા માટે જામનગરથી આવેલ છે અને હાલ ઈન્ટર્ન ડૉક્ટર તરીકે સોલા સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવે છે, અત્યાર સુધી તેઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે કોલેજની હોસ્ટેલમાં જ રહેતા હતા, તેઓ જણાવે છે કે ‘’ અમે સતત કોવિડ વોર્ડમાં ડ્યુટી કરીએ છીએ તેથી અમારી સાથે હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે અમને અલગ આઇસોલેશન સેન્ટરની સગવડતા મળે તે માટે

અમે બધાં ડૉક્ટરોએ કોલેજના ડીન ડો.નિતીનભાઇ વોરાને વિનંતી કરી હતી, અમારી વિનંતીને ધ્યાનમાં રાખીને તેઓએ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રીને વાત કરતાં કોવિડમાં ફરજ બજાવતા તમામ ડૉક્ટર્સને અહીં સોલા ભાગવત અતિથિ ભવનમાં રહેવાની ખૂબ સારી વ્યવસ્થા કરી આપી છે અહીંયા રહેવાની અને જમવાની પણ ખૂબ સારી સગવડતા છે.’’

કોવિડમા પોતાની ફરજ વિશે તેઓ કહે છે કે ‘’ સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યારે અમે ૭૦ જેટલા ઈન્ટર્ન ડૉક્ટર ફરજ બજાવીએ છીએ, કોરોના વોર્ડમાં અમે દર્દીનું ખૂબ જ ધ્યાન રાખીએ છીએ. દરેક દર્દીઓને તમામ સગવડતાઓ અમે તેમને આપીએ છીએ. તેમની સાથે વાતચીત કરીને તેમનુ મન હળવું થાય તેવા જ અમારા પ્રયત્નો રહે છે. અમારો બધાનો સતત એક જ પ્રયત્ન રહે છે કે દરેક દર્દી ઝડપથી સ્વસ્થ થઈને પરિવાર પાસે ઘરે પરત જઈ શકે અને નવું જીવન જીવી શકે.’’

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રને ધન્યવાદ પાઠવતા ડોક્ટર યશ ભાનુશાલી વધુમાં જણાવે છે કે ‘’ અત્યારની સ્થિતિમાં કોરોના ખૂબ ગંભીર મહામારી છે, પણ લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાનીપૂર્વક તેને હરાવવાનો છે અને તે માટે દરેક લોકોએ કામ સિવાય બહાર નીકળવું જોઈએ નહિ, ઘરમા જ સહુ સલામત રહો અને બહાર નીકળો ત્યારે માસ્ક અચુક પહેરો, રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે અત્યારે સુપાચ્ય ખોરાક લો, યાદ રાખીએ કે આપણે સૌએ કોરોનાને હરાવવાનો છે, અને હરાવીને જ રહીશું એ મંત્ર ને જીવનમંત્ર બનાવી લો’’

પંચમહાલ જિલ્લાના હાલોલથી અભ્યાસ અર્થે આવેલ ડો. રિધ્ધી શાહ જણાવે છે કે ‘’ અત્યારે હું પણ અન્ય ડોક્ટર સાથે જ કોરોના વોર્ડમા ફરજ બજાવું છું. અમારી રહેવાની મુશ્કેલીનું નિવારણ તુરંત જ લાવવામાં આવ્યુ છે. આઇસોલેશન સેન્ટરમા રહેવાની અમારી માંગણીનો સ્વીકાર થતા અમો બધા અમારા કોલેજના ડીન અને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ.’’

સોલા સિવિલમા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતાં ડોક્ટર રિદ્ધિ વધુમાં કહે છે કે ‘’ અમારી ફરજમાં અમે સહેજ પણ ચૂંક દાખવતા નથી અને હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીને અમે ખૂબ જ સારામાં સારી સારવાર આપીએ છીએ. અને કોરોનાની હરાવવાનો મહત્તમ પ્રયાસ કરીએ છીએ. જાહેર જનતાને બસ એટલી જ વિનંતી છે કે તમે પણ અમને સહકાર આપો, દરેક લોકો સરકારની તમામ ગાઈડલાઇનનું યોગ્ય રીતે પાલન કરે અને માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્શીંગ અને સેનેટાઇઝર્નો ઉપયોગ કરે. અને કોરોનાની આ લડાઇને હરાવવામાં ડોક્ટરની મદદ કરો.’

 28 ,  1