હાઇકોર્ટમાં સરકારનો દાવો-કોવિડને પહોંચી વળવા અમે સક્ષમ અને સુસજ્જ…

રાજ્યમાં હાલ 79,444 કોવિડ દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ હોવાનો સરકારનું સોગંદનામુ

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ વકરતી જાય છે. ગઇકાલે રાજ્યમાં નવા ૧૧ હજારથી વધુ કેસ નોંધાયા હતા અને ૧૧૭ દર્દીનાં મોત નિપજ્યાં હતાં. કોરોનાની સ્થિતિને જોતાં હાઇકોર્ટે રાજ્ય સરકારને ઓક્સિજન, બેડ, રેમડેસિવિર વગેરે અંગે ફટકાર લગાવી હતી અને સોગંદનામું રજૂ કરવા જણાવ્યું હતું. જેના પગલે આજે સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. સોગંદનામામાં દાવો કરાયો કે કોવિડની પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સક્ષમ અને સુસજ્જ છે.

સોગંદનામામાં સરકારે દાવો કર્યો છે કે, RT-PCR ટેસ્ટ, રેમડેસિવિર ઈન્જેકશન,ઓક્સિજન, હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા અને ડેશબોર્ડ પર પારદર્શક માહિતીની વ્યવસ્થા કરી છે. 30 એપ્રિલ સુધીમાં 1 લાખ બેડ ઉપલબ્ધ કરાવશે. કોવિડ પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સક્ષમ હોવાનો દાવો કરાયો છે. સાથે જ કહેવાયું છે કે, ગુજરાત રાજ્યમાં હાલ 79,444 કોવિડ દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ છે.

કોરોનાની સ્થિતિ માટે ડેશ બોર્ડ ઉભું કર્યું જેમાં એક્ટિવ કેસ, મૃત્યુઆંક, રિકવર દર્દીઓના આંકડા આપવામાં આવે છે. હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા માટે ડેશબોર્ડ ઉભું કરાયો હોવાનો અને રિયલટાઈમ બેડ માહિતી માટે ડેશબોર્ડ ઉભું કરાયાનો દાવો કરાયો છે.

સાથે જ સરકારનું કહેવું છે કે, અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટિંગ માટે વ્યવસ્થા કરી છે. ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ વ્યવસ્થામાં દરરોજ 2થી 3 હજાર ટેસ્ટ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે રાજ્યમાં વિવિધ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં જીએમડીસીમાં આવેલા યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે.

ગુજરાતના તમામ આઠેય મહાનગરો અને ૩૩ જિલ્લામાં વ્યાપક રીતે વકરી ગયેલા કોરોના વાયરસના ડબલ મ્યુટેટ સ્ટ્રેઇન તથા વિદેશી સ્ટ્રેઇનની લપેટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૪૦૩ લોકો સંક્રમિત થયા છે. જ્યારે ૧૧૭ દર્દીઓના મોત નિપજ્યાં છે. એટલે કે, દર કલાકે ૪૭૫ નવા સંક્રમિતનો ઉમેરો થયો છે અને ૫ દર્દી મોતને ભેટ્યાં છે.

 15 ,  1