કોરોનાએ 30 વર્ષના તબીબના કેવા હાલ કર્યા!

ડબલ લંગ ઓપરેશનથી માંડ બચ્યો જીવ

દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં સામાન્ય જનતા જ નહીં ખુદ ભગવાનના સ્વરૂપ ગણાતા તબીબો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. સેકન્ડ વેવ દરમિયાન કોવિડ વોર્ડમાં ફરજ બજાવતી વખતે તેના ભોગ બનેલા એક ડોક્ટરને ડબલ લંગ ટ્રાન્સ્પ્લાન્ટેશન બાદ નવી જિંદગી મળી છે. ત્રણ મહિના સુધી હોસ્પિટલમાં સારવાર લેનારા ડૉ. સનથ કુમારની ઉંમર માત્ર 30 વર્ષ છે, તેઓ કોવિડ હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા. કોરોનાના લક્ષણો દેખાયા બાદ 07મી મેના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કોરોના થતાં જ ડૉ. સનથની તબિયત સતત બગડતી ગઈ હતી. જેના કારણે તેમને આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા હતા. 28 મેના રોજ તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવા પડ્યા હતા. જેના પર ઘણા દિવસો વિતાવ્યા બાદ આખરે 22 જૂનના રોજ તેમના બંને ફેફસાં ટ્રાન્સ્પ્લાન્ટ કરાયા હતા. જેના પછી પણ તેમને લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું, અને આખરે 7 સપ્ટેમ્બરના રોજ તેમને ડિસ્ચાર્જ મળ્યો હતો.

ડૉ. સનથના પત્ની પણ ડૉક્ટર છે. તેમના જણાવ્યા અનુસાર, ડૉ. સનથ પોતાને એલર્જી હોવાના કારણે કોરોનાની રસી નહોતા લઈ શક્યા. તેઓ હજુય ઓક્સિજન સપોર્ટ પર છે, અને ફિઝિયોથેરપી સેશન લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કોરોના થયો ત્યારે તેમને એમ જ લાગતું હતું કે દવા લઈને તેઓ થોડા દિવસમાં સારા થઈ જશે. જોકે, પોતાના બંને ફેફસાં બદલવા પડશે તેવો તેમને સપનામાં પણ ખ્યાલ નહોતો.

કોરોનાને કારણે ફેફસાંને ગંભીર નુક્સાન પહોંચ્યું હોવાથી પહેલા તો તેમને 3-4 સપ્તાહ માટે ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા. જોકે, લંગ ટ્રાન્સ્પ્લાન્ટ જ એકમાત્ર વિકલ્પ હોવાના કારણે આખરે તેમના બંને ફેફસાં બદલવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ તેમના માટે લંગ શોધવાની કવાયત શરુ કરાઈ હતી. સદનસીબે એક બ્રેઈન ડેડ વ્યક્તિના લંગ્સ તેમના માટે મેચ થયા હતા.

ડૉ. સનથ પર લંગ ટ્રાન્સ્પ્લાન્ટની સર્જરી ખૂબ જ મુશ્કેલ હતી. કારણકે કોરોના ઉપરાંત તેમની રોગપ્રતિકારક શક્તિ પણ તેમના જ ઉપર અટેક કરી રહી હતી. જેના કારણે શરીર ઈજાને યોગ્ય રીતે રિકવર કરવા માટે સક્ષમ નહોતું. તેમ છતાંય ભારે જોખમ લઈને તેમના પર લંગ ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને કેટલાક દિવસ હોસ્પિટલમાં જ ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા. આખરે, 7 સપ્ટેમ્બરના રોજ ડિસ્ચાર્જ મળ્યા બાદ પણ તેઓ હજુય ઓક્સિજન સપોર્ટ પર છે, અને નવા ફેફસાં સાથે એડજસ્ટ થવા માટે ફિઝિયોથેરપીના સેશન લઈ રહ્યા છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી