September 19, 2021
September 19, 2021

આખરે એવું તે શું થયું કે આપવું પડ્યું રાજીનામું…

કોરોના કે નબળા મુખ્યમંત્રીની છાપ?

શનિવારના દિવસે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો જેના પડઘા દેશના રાજકારણમાં પણ સાંભળવા મળ્યા. શનિવારે વિજય રૂપાણીએ તમામ લોકોને આઘાત આપતા અચાનક જ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે તેવામાં રૂપાણીના રાજીનામાથી જાત-જાતની અટકળો વહેતી થઈ ગઈ છે.

આ વર્ષે હટાવી દેવામાં આવ્યા હોય તેવા વિજય રૂપાણી ભાજપના ચોથા મુખ્યમંત્રી છે. રૂપાણી અગાઉ બીએસ યેદિયુરપ્પાને કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. જ્યારે ઉત્તરાખંડમાં તો બે વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા. તિર્થ સિંહ રાવત અને તિવેન્દ્ર રાવતને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

રાજ ભવન ખાતે પોતાનું રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપમાં સમયાંતરે જવાબદારી એક વ્યક્તિથી બીજા વ્યક્તિને સોંપવાની પરંપરા રહી છે. તેમણે કહ્યું હતું કે મને પાંચ વર્ષ સુધી રાજ્યની સેવા કરવાની તક મળી. મેં રાજ્યના વિકાસમાં મારું યોગદાન આપ્યું છે. હવે પક્ષ મને જે પણ જવાબદારી સોંપશે તેને હું નીભાવીશ.

જોકે, વિજય રૂપાણીને અચાનક રાજીનામું કેમ આપવું પડ્યું તેને લઈને જાત-જાતની અટકળો ચાલી રહી છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. મેવાણીએ કહ્યું છે કે ભાજપે પોતાના ચૂંટણી ફાયદા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને હટાવી દીધા છે.

 9 ,  1