ગણતંત્ર પરેડમાં એકાએક મહિલાઓ ટ્રેક્ટરો સાથે ધસી આવે તો….?! સૂત્રોચ્ચારો થાય તો…?

કિસાન આંદોલન દ્વારા દિલ્હીમાં 26મીએ ટ્રેક્ટર પરેડથી પોલીસ-વહીવટીતંત્રના ઉજાગરા…

26મીની પરેડમાં કોઇ નવાજુનીના એંધાણ, સરકાર સજાગ…મામલો કોર્ટમાં…

દેશ અને દુનિયાનું આંદોલન પ્રત્યે ધ્યાન ખેંચવા 26મીની પરેડમાં વિઘ્નો નાંખવાના પ્રયાસો…?

પરેડના આસપાસના તમામ રસ્તાઓ પર ખાનગીમાં ચકાસણી-ક્યાંથી આવી શકે…?!

પરેડ માટે યુવતીઓને ટ્રેક્ટર ચલાવવાની અપાઇ રહી છે તાલીમ….

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

ભારત જેવા વિશાળ દેશમાં સરકાર સામે આંદોલન કોઇ નવી વાત નથી. 28 રાજ્યો અને 6 સંઘપ્રદેશોમાં ક્યાંકને ક્યાંક સરકારો સામે આંદોલનો ચાલતા હોય છે. આંદોલનો તો લોકશાહીમાં જ થાય ને…? ઉતર કોરિયાના તાનાશાહકિમ જોંગની સામે આંદોલનનું નામોનિશાન નથી. ઉ.કોરિયામાં કોરોના ગાઇડલાઇનનું પાલન નહીં કરનારને ગોળીએ દઇ દેવાની ઘટના બની હતી. સદનશીબે ભારતમાં શરૂઆતથી લોકશાહી ટકેલી છે 1975ની કટોકટીના સમયને બાદ કરતાં.

હાલમાં દિલ્હીના લગભગ તમામ બોર્ડરો પર કિસાન આંદોલનના ધરણાં- દેખાવો, પ્રદર્શનો ચાલી રહ્યાં છે. લગભગ 50 દિવસ થઇ ગયા છે. ઉકેલ માટે સુપ્રિમ કોર્ટે 3 કૃષિ કાયદા પર કામચલાઉ સ્ટે ફરમાવીને 4 જણાંની સમિતિ નીમી. ઉકેલ આવશે એવી આશા બંધાઇ. પણ કિસાન હૈ કી માનતા હી નહીં….!!

દિલ્હીમાં 2011માં રામલીલા મેદાન પર કેજરીવાલ-કિરણ બેદી-બાબા રામદેવ-અન્નાની આગેવાનીમાં ઇન્ડિયન એન્ટી કરપ્શન મુવમેન્ટ આંદોલન થયું હતું. કેન્દ્રના 3 કૃષિ કાયદાને ખેડૂત સંગઠનોએ કિસાન વિરોધી અને કોર્પોરેટ તરફી હોવાના આરોપ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ દિલ્હીની અંદર જ રામલીલા મેદાનમાં આંદોલનની મંજૂરી માંગી. પરંતુ અગાઉની સરકારમાંથી બોધપાઠ લેનાર સરકારે ના પાડી અને કિસાનોએ હરિયાણાથી, પંજાબથી, યુપીથી દિલ્હીમાં પ્રવેશવાના નેશનલ હાઇવે પર દિલ્હીના સિમાડે જ ધામા નાંખ્યાં. શહેરમાં નો એન્ટ્રી..

50 દિવસ પછી જો એ આંદોલનની મુલાકાત લેવામાં આવે તો જાણે ટેન્ટ સીટી બની ગઇ છે. ટેન્ટ સીટી માટે જાણીતા કારોબારી લલ્લુજી સન્સને પણ અજંબામાં મૂકી દે એવી કામચલાઉ તંબૂનગરી બનાવીને કિસાનો શિયાળાની કાતિલ ઠંડીમાં 3 કાયદા રદ્દ કરવાની માંગણી સાથે બેઠા છે. તેમને તમામ પ્રકારની સુવિધાઓ ધરણાંના સ્થળે તેમના રાજ્યના અન્ય કિસાનો દ્વારા મળી રહી છે.

લંગર એટલે ભૂખ્યાને ભોજન આપવાનો જે ધર્મમાં સર્વોપરિ કામ માનવામાં આવે છે એ શિખ ધર્મના સંગઠનોએ આંદોલનકારીઓના સગવડની જવાબદારી સંભાળી. ગુરૂદ્વારા પ્રબંધક કમિટિ આંદોલન પર બેઠેલા હજારો શિખ કિસાનો ઉપરાંત ત્યાં હાજર તમામ માટે બે ટાઇમ ગરમાગરમ પંજાબી ભોજન, કંબલ, કાતિલ ઠંડીમાં સ્નાન માટેગરમ પાણી, હિટર, દવાખાનું, મનોરંજન માટે કુસ્તી હરિફાઇ, પંજાબી ગીતસંગીત પાર્ટીની સાથે સોશ્યલ મિડિયા ટીમ કામ કરી રહી છે. જો આંદોલન હજુ લાંબુ ચાલશે તો તેઓ હાઇવે પર પાકા મકાનો બનાવીને ધરણાં કરતાં રહેવાનું વલણ અપનાવે તો નવાઇ નહીં….

આંદોલનો અંત કેમ આવતો નથી અને તેઓ કેમ માનતા નથી એવા સવાલો થઇ રહ્યાં છે. પણ મહત્વનું એ છે કે આંદોલનકારી લડાયક શિખ સમુદાયના છે. તેમના સંતાનો વગેરે. દેશના લશ્કરમાં છે. તેમનું આંદોલનનું સ્થળ તેમના ઘર-રાજ્યની નજીક છે. તેમને તેમના ધાર્મિક સંગઠનો દ્વારા ધરણાં માટેની તમામ સુખ સુવિધા સગવડો આપવામાં આવી રહી છે. અને સરકાર તેમના ઉપર કોઇ દબાણ લાવી શકી નથી. ધરણાં પર બેઠેલા કિસાનની તેમની ખેતીવાડીનું કામ તેમના પરિવારના સભ્યો સંભાળી રહ્યાં છે. આંદોલનમાં ભાગ લેવા ધાર્મિક ફરમાન કે આગ્રહ પણ હોઇ શકે. તેથી પણ કિસાનો ધરણાંના સ્થળે દિવસોથી બેઠા છે. કિસાન આંદોલનને બદનામ કરનાર કેટલીક ટીવી મિડિયા પણ સંગઠનોના નિશાને છે.

ઉકેલ લાવવાના પ્રયાસમાં મામલો છેવટે સુપ્રિમ કોર્ટમાં ગયો. કાયદા પર આગામી આદેશ સુધી સ્ટે અને કિસાનોની વાત સાંભળવા 4 સભ્યોની સમિતિની રચના થઇ. પરંતુ સમતિના સભ્યોના નામો જાહેર થતાં જ કિસાન સંગઠનોએ દાવો કર્યો કે સમિતિના તમામ 4 મહાનુભાવો સરકારી છે… અને સરકારના જે કૃષિ કાયદાને નાબૂદ કરવાની કિસાનોની માંગણી છે એ કાયદાને સભ્યોએ સારા ગણાવ્યાં છે…અમને ન્યાય કઇ રીતે મળશે….? સમિતિ હવે રહેશે કે કે તેમની સમક્ષ કોણ રજૂઆત કરશે તે સમય કહેશે. પણ સરકારને તેની સાથે મનમાં ઉંડે ઉંડે અંદેશો છે કે આંદોલનકારીઓ 26 જાન્યઆરીની પરેડમાં ગરબડ કરી શકે તેમ છે….!!

આમ તો કોરોનાને કારણે પરેડની લંબાઇ અને ભાગ લેનારાઓની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. પરેડ રદ્દ કરવાને બદલે સરકારે પ્રજાસત્તાક દિનની ઉજવણી ભલે થતી પણ કોરોના ગાઇડલાઇનની સાથે એમ નક્કી કરીને તૈયારીઓ શરૂ થઇ છે. ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન તરીકે બ્રિટનના વડાપ્રધાન જોનસન બોરિસનું નામ નક્કી થયું પણ બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન વાઇરસ મળતા તેમણે ભારત મુલાકાત રદ્દ કરી. પરિણામે ગણતંત્ર દિવસની ઉજવણી વિદેશી મહેમાનની ગેરહાજરીમાં જ ઉજવાય એવી સંજોગો બની રહ્યાં છે. કોઇ નાના દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને મહેમાન બનવાના પ્રયાસો થઇ રહ્યાં છે. પરંતુ 26મીની પરેડમાં કિસાનો ધાંધલ ધમાલ કરે તો….? પરેડમાં ટ્રેક્ટર લઇને મોટી સંખ્યામાં ધસી આવે તો…? પરેડની આસપાસના વિસ્તારોમાં ટ્રેક્ટર રેલી યોજીને સમાંતર પરેડ યોજે તો….? એવા સવાલો સાથે દિલ્હી પોલીસ અને આઇબી તંત્ર એ કામમાં વ્યસ્ત છે કે કિસાનોનો 26મી ટ્રેક્ટર પરેડનો છુપો એજન્ડા આખરે છે શું છે તે શોધવાનું કામ ચાલી રહ્યું છે…!!

કિસાન સંગઠનોએ મહિલાઓને ટ્રેક્રટર ચલાવવાની તામીમ આપી છે. અને આસપાસના હાઇવે પર પ્રેકટીસ ચાલી રહી છે. કિસાન નેતા રાકેશ ટિકૈત મક્કમ છે કે અમે પણ ગણતંત્ર દિનની ઉજવણી કરીશું, ટ્રેક્ટર પરેડ કરીશું. ગણતંત્ર દિનની ઉજવણી કરતાં પોલીસ અમે કઇ રીતે રોકી શકે…? તેમના એક કથને સત્તાવાળાઓના ઉજાગરા કર્યા છે., શું થશે 26મીએ…?

રાજપથ પર 26મીએ ગણતંત્ર પરેડ ચાલી રહી હોય અને અચાનક ટ્રેક્ટરો ધસી આવે કે ઘૂસી આવે તો…? તેમને રાષ્ટ્રપતિ-વડાપ્રધાન-મંત્રીઓ વગેરે.ની હાજરીમાં બળનો પ્રયોગ કરીને રોકી શકાશે…? ટ્રેક્ટર કોઇ સાયકલ નથી કે ગલીમાંથી આવી જાય. પણ સમાંતર પરેડના એજન્ડાને અંજામ આપવા કિસાનો મહિલાઓને આગળ કરીને પરેડની આસપાસના વિસ્તારો, રસ્તાઓ વગેરેમાંથી એક સાથે સમૂહમાં કે અલગ અલગ જથ્થામાં ઘૂસવાનો પ્રયાસ કરે તો બળનો પ્રયોગ કરવો પડી શકે. શિખ મહિલા પાસે કિરપાણ હથિયાર પણ હોય છે. તેનો ઉપયોગ કરે તો…? તેમની સુરક્ષા માટે પાછળ પાછળ શિખ યુવાનોના જથ્થા પણ હોઇ શકે…જેઓ તલવાર સાથે સજ્જ હોય અને સરકારી પરેડમાં હશિયારો લઇને ચાલતા હોય તેમ તલવારો સાથે આવી રહ્યાં હોય તો….?

આ સવાલોના જવાબો અને ગણતંત્ર પરેડમાં કિસાન આંદોલનની એક ચકલી પણ ના ફરકે એવું આયોજનની સાથે દિલ્હી પોલીસે સરકારના કહેવાથી કિસાન સંગઠનોની પરેડને રોકવા સુપ્રિમ કોર્ટમાં ધા નાંખી છે. કોર્ટ તેની સુનાવણી માટે તૈયાર થઇ છે એટલે હવે તેના પર સુનાવણી કરીને કોર્ટ સંગઠનો પાસેથી પરેડનો કાર્યક્રમ, અન્ય વિગતો માંગીને કોઇ આદેશ આપી શકે.

ધારો કે જો સરકાર પોલીસ દ્વારા બળનો પ્રયોગ કરશે તો શું થશે….? જવાબ- કમ સે કમ 10 હજાર લોકો મરશે…..એવી વળતી ધમકી કિસાનોએ પહેલાથી જ આપીને સરકારને મૂંઝવણમાં મૂકવાનું આગોતરૂ પગલુ ભર્યું છે. પણ લોકોના મનમાં એક સવાલ તો ચાલી જ રહ્યો છે કે 50 દિવસ થયા, હજારો લોકોના જાહેર માર્ગો પર ધરણાં, બીજા લોકોને પડી રહેલી મુશ્કેલીઓ, આસપાસના વેપારીઓ, ઉદ્યોગો, એકમોને પડી રહેલી તકલીફો તેમ છતાં સરકાર તેમને હટાવવા બળનો ઉપયોગ કેમ કરતી નથી…?!

ગૌર ફરમાઇએ- પંજાબમાં એક ફરમાન થયું કે દરેક કિસાને પરેડ માટે એક ટ્રેક્ટર આપવુ પડશે અને નહીં આપે તો દંડની સાથે સામાજિક બહિશષ્કાર કરવામાં આવશે. આ ફરમાન ઇશારો કરે છે કે 26મીની કિસાન ટ્રેક્ટર પરેડનો ઇરાદો શું હોઇ શકે…!!

-દિનેશ રાજપૂત

 20 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર