September 23, 2021
September 23, 2021

કેવી હશે નવા મુખ્યમંત્રીની ટીમ ? : ચૂંટણીના પડકારોને ધ્યાને રાખી તૈયાર કરાશે મંત્રીમંડળ

 નવા મંત્રીમંડળમાં 25 જેટલા ધારાસભ્યોનો થશે સમાવેશ!

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લીધા બાદ એક્શનમાં આવી ગયા છે. વરસાદની સ્થિતિને લઈ તેમણે અધિકારીઓ સાથે પ્રથમ બેઠક કરી હતી. મુખ્યમંત્રીની જાહેરાત બાદ હવે ચર્ચાનો વિષય બન્યો છે નવું મંત્રીમંડળ. જેટલું સસ્પેન્સ અને અટકળો મુખ્યમંત્રીના નામને લઈ ચાલી રહી હતી તેટલી જ અટકળો હવે મંત્રીમંડળના સભ્યોને લઈ કરવામાં આવી રહી છે. જો કે, ભાજપની ટેવથી સૌવ કોઈ પરિચિત છે એટલે નામ કોઈ લઈ રહ્યું નથી.

આજે અમિત શાહ ગુજરાત આવ્યા ત્યારે પણ નવા મંત્રીમંડળને લઈ ચર્ચા કરી હતી. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ બનાવવા માટે મથામણ ચાલી રહી છે. નવા મંત્રીમંડળમાં 25 જેટલા ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે. વર્તમાન મંત્રીઓમાંથી કેટલાક સિનિયર મંત્રીઓના પત્તા કપાશે જેમણે આગામી વિધાનસભાની ટિકિટ પણ નહીં આપવામાં આવે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રી પદ કોઈને પણ નહીં આપવામાં આવે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. એક કે બે નાયબ મુખ્યમંત્રી બનાવવાથી પક્ષની ઈમેજને નુકસાન થઈ શકે છે ઉપરાંત સામાજિક અસંતોષ ફરીથી ભડકવાની પણ શક્યતાઓ છે. અનેક સમાજ મુખ્યમંત્રી પદ માટે દાવાઓ કરી ચૂક્યા છે. ત્યારે હવે પાટીદાર મુખ્યમંત્રી બન્યા બાદ મોટા સમાજોની નાયબ મુખ્યમંત્રી પદ પર નજર છે. પરંતુ ભાજપ આવા કોઈ અસંતોષને ટાળવા માટે નાયબ મુખ્યમંત્રી નહી બનાવવાનો નિર્ણય લઈ શકે છે.

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ફરીથી મંત્રીમંડળમાં વાપસી થઈ શકે છે. રાજેન્દ્ર ત્રિવેદી ઘણા સમયથી મંત્રી બનાવા માટે થનગની રહ્યાં છે. તેમનું જે પ્રમાણેનું નેચર રહ્યું છે તે આગામી સમયમાં ભાજપ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. પરંતુ જો તેઓ અધ્યક્ષ બની રહે તો પ્રચારમાં તેમની ખોટ ભાજપને ચોક્કસ પડી શકે છે. એટલે તેમના સ્ફોટક નિવેદનોને ભાજપને ચૂંટણી પહેલા માહોલ બનાવવા માટે ઉપયોગી થાય તે માટે તેમને મંત્રીમંડળમાં પરત બોલાવવામાં આવશે. જ્યારે તેમની જગ્યાએ સૌથી સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને વિધાનસભાના અધ્યક્ષ બનાવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

નવા મંત્રીમંડળને લઈ આવતીકાલે ભાજપની બેઠક મળશે. જેમાં જ્ઞાતિવાદી અને વિસ્તાર આધારિત નવા મંત્રીઓના નામ પર ચર્ચા કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને રાખીને મંત્રીમંડળમાં સભ્યોને સ્થાન આપવામાં આવશે તે નક્કી છે. રાજકોટ શહેરમાંથી એક ધારાસભ્યને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે. જ્યારે સુરતમાંથી પણ નવા બે ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. જેમાં એક મહિલા ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ઉત્તર ગુજરાતમાંથી બે પાટીદાર ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. તો ઠાકોર સમાજમાંથી પણ બે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે.

મંત્રીમંડળની પસંદગીમાં પણ ભાજપમાં ખેંચતાણ જોવા મળી શકે છે. અમિત શાહ, સી.આર. પાટીલ અને આનંદીબેન પટેલ પોત પોતાના સમર્થકોને મંત્રીમંડળમાં સ્થાન અપાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાંથી ગોવિંદ પટેલ અને બ્રિજેશ મેરજાને મંત્રીમંડળમાં લેવામાં આવી શકે છે.

 54 ,  2