આ એમેઝોનવાળો અંતરિક્ષમાં જઇને કરશે શું..? ધંધો-પાણી…!?

દુનિયાના સૌથી ધનિક જેફ બેઝોસ જાય છે લટાર મારવા…

અંતરિક્ષમાંથી પૃથ્વી જોઇને ક્યાંક એમેઝોન પર વેચવા ના મૂકી દે.?!

ગુજરાતી મંગળ પર જાય તો..? કચ્છી દાબેલી અહીં મળશે…!

બંગાળી અને પંજાબી મંગળ પર જઇને કયો ધંધો કરશે..?

ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ પર એમેઝોનના ગોડાઉન હશે..!

જેફ બેઝોસ.ગુજરાતના અમરાપુરામાં કોઇ ઓનલાઇન ઓર્ડર આપીને સ્પોર્ટ શૂઝ કે અન્ય તૈયાર વસ્ત્રો સહિતની ચીજવસ્તુઓ જે કંપની પાસેથી મંગાવે છે તે એમેઝોનના માલિક. દુનિયાના સૌથી વધુ ધનવાન, માલદાર,ધનપતિ અને માટી વેચીને પણ સોનુ કમાનાર વેપારી આગામી 20 જુલાઇના રોજ અંતરિક્ષની સફરે જઇ રહ્યાં છે ત્યારે અંદાજે 95 હજાર લોકોએ એવી વિચિત્ર અને હળવી મજાકમાં માંગ કરી છે કે અંતરિક્ષમાં ગયા પછી જેફ બેઝોસને પાછા ધરતી પર લાવવા ન જોઇએ તેમને ત્યાં જ રાખવા જોઇએ…!

એમેઝોનનું નામ આજે ઘર ઘર કરતાં નવી પેઢીના હોઠે નહીં આંગળીના ટેરવે છે. કોઇપણ વસ્તુ જોઇતી હોય તો તરત જ કહે એમેઝોનમાંથાી મંગાવી લે…સસ્તા પડશે..!એમેઝોન બાદ હવે ફિલિપકાર્ટ ઇ-કોમર્સ બિઝનેસમાં તેને મ્હાત કરી રહી છે.

કોરોના સંક્રમણે જેમ ભારત સહિત દુનિયા આખીમાં વિવિધ ધંધા રોજગારને અસર કરી તેમ પર્યટન-ટુરીઝમને પણ અસર કરી છે. હમણાં બીજી લહેર બાદ ગુજરાતમાંથી પણ ઘણાં લોકો ઘરે બેસીને કંટાળી ગયા હોય તેમ હવાફેર માટે હરવા ફરવા પ્રવાસે નિકળી પડ્યા છે. 200,50 કરોડ ડોલરના માલિક જેફ બેઝોસ પણ હરવા ફરવા જઇ રહ્યાં છે પણ તેઓ હોનુલુલુ કે હવાઇ ટાપુ પર નહીં પણ અંતરિક્ષયાત્રીની જેમ રોકેટમાં બેસીને ઝુઉઉઉઉઉઉ…મ કરીને અંતરિક્ષમાં આંટો મારવા જઇ રહ્યાં છે. તેની પાછળ થનાર ખર્ચ તેમના માટે સાવ સામાન્ય હશે. તેઓ એમ વિચારશે કે કાંઇ વાંધો નહીં લોકડાઉને કારણે વેચાણ ઓછુ થયું…!

તેને યોગાનુયોગ કહી શકાય કે 20 જુલાઇ, 1969ના રોજ ચંદ્ર પર પહેલો પગ માનવી એ મૂક્યો અને 20 જુલાઇ, 2021ના રોજ આંતરરાષ્ટ્રીય વેપારી જેફ બેઝોસ અંતરિક્ષમાં પ્રવેશ કરશે….! અબજોપતિ અંતરિક્ષમાં જવાના છે એ સમાચાર વહેતા થયાં પછી કોઇએ ગૂગલ પર પીટીશન મૂકી કે જેફને ધરતી પર પરત લાવવા ન જોઇએ…અબજોપતિઓએ તે અંતરિક્ષમાં જ રહેવુ જોઇએ….અને હળવી મજાકમાં મૂકેલી આ પિટિશન પર 97 હજાર લોકોએ હસ્તાક્ષર કરી નાંખ્યા અને હજુ તેમાં વધારે સહીઓ થઇ રહી છે…! અબજોપતિઓને અંતરિક્ષમાં જ રહેવાની માંગ દર્શાવે છે કે લોકોને અબજોપતિઓ પ્રત્યે કેવી નફરત હશે..!?

એમેઝોન કંપની પોતે કોઇ ચીજવસ્તુ બનાવતી નથી. તે એક વચેટિયા કંપની છે. દુનિયાભરના લાખો ઉત્પાદકો પાસેથી જથ્થાબંધ માલ સસ્તામાં લઇને નફો ચઢાવીને ઓનલાઇન વેચે છે. ગુજરાત અને ભારતમાં પણ તેના અનેક ગોડાઉનો છે જેમાં દુનિયાભરની વિવિધ ચીજવસ્તુઓ માંગો કે હાજર સ્ટોકમાં રાખવામાં આવે છે. એમેઝોન પર ઓર્ડર આપો એટલે ગણતરીના સમયમાં પાર્સલ આવી જાય. એમેઝોનને કારણે લાખો નાના નાના વેપારીઓને ખૂબ સહન કરવુ પડી રહ્યું છે. લોકોને ઘેર બેઠા વસ્તુ મંગાવવાની ટેવ એમેઝોન અને અન્ય ઇ-કોમર્સ કંપનીઓએ પાડી છે. નાના વેપારીને ત્યાં જવાનું પ્રમાણ ઘટી ગયું છે.

હાલમાં એમેઝોનના ગોડાઉનમાંથી બ્રિટનમાં દર સપ્તાહે 1.30 લાખ વસ્તુઓ નષ્ટ કરવામાં આવી રહી છે. જે વસ્તુ વેચાઇ નથી કે પેકિંગ ખરાબ થઇ ગયું તેને દાનમાં આપવા કે પછી તેનો નિકાલ કરી દેવામાં આવે છે.જેમાં ઇલેકટ્રોનિક માલસામાન પણ છે. કદાજ બિઝનેસ પોલીસીના ભાગરૂપે તેનો નિકાલ થતો હશે. પણ આ આંતરરાષ્ટ્રીય વેપારી અંતરિક્ષમાં જઇને કરશે શું…? કહેવત છે કે સુથારનુ મન બાવળિયે..ની જેમ જેફ બેઝોસ આખરે તો ચાલાક, ચબરાક અને ચતુર વાણિયાની જેમ વેપારી છે એટલે અંતરિક્ષમાંથી પૃથ્વીને જોઇને તેની પણ કિંમત લગાવશે અને એમેઝોન પર વેચવા મૂકે તો નવાઇ નહીં…! અંતરિક્ષમાંથી જે જે દેખાશે તેની કિંમત મૂકતો જશે અને પરત આવીને ધંધો કરે તો કહ નહીં સકતે….!

ભલે આ હળવી ક્ષણોમાં કહેવાયું હોય પણ એમેઝોન પ્લેટફોર્મ પર આવનારા સમયમાં અંતરિક્ષ, ચંદ્ર પર પ્લોટ મળશે.. અને હવે તો મંગળ પણ દૂર નથી એટલે જેને મંગળ નડતો હોય એના મંગળ ગ્રહ પર લગ્ન કરાવી આપવાની જાહેરાત અને એવુ બધુ…આવતુ હોય તો કહે નહીં સકતે…
આપણાં કોઇ ગુજરાતી વેપારી મંગળ પર કે ચંદ્ર પર જાય તો…? પહેલાં તો શટલ રિક્ષાના ભાડાની જેમ શટલયાનમાં જવાના ભાડા માટે રકઝક કરે…! હે..આટલુ તો કાંઇ ભાડુ હોતુ હશે કાંઇ વાજબી કરને ભાઇ…! ભાડુ નક્કી કર્યા પછી સાથે મેઝરટેપ લઇ જાય જમાીન માપવા…..! અને ધંધો…? મંગળ કચ્છી દાબેલી….! મંગળ બોન્બે ભાજીપાઉ….! મંગળ ઇન્દુબેનના ખાખરા…મંગળ ભાવનગરી ગાંઠિયા… મંગળ પાન પાર્લર (હાથે મસળેલો માવો મળશે)…! મંગળ શોરૂમ….! મંગળ ટ્રાવેલ્સ….! મંગળ પર જ્યોતિષની દુકાન ( તમને પૃથ્વી નાામનો ગ્રહ નડે છે જાપ કરવા પડશે..)

કોઇ પંજાબી મૂંડા મંગળ પર સ્પોર્ટ શૂઝ અને હોઝિયરીની દુકાન નાંખશે…હરિયાણા વાળો ઓટો એજન્સી શરૂ કરશે…કોઇ દિલ્હીવાળો ચૂંટણીની ટિકિટો વેચશે….કોઇ મદ્રાસી સ્વામી લુંગી અને ઇડલી ઢોસા શરૂ કરશે…તો વળી કોઇ કેરળવાળો નાળિયેર ક્યાં વેચાશે તેની શોધાશોધ કરશે…
કોઇ બંગાળી બાબુમોશાય દીદીના ફોટા સાથે બંગાળી સાહિત્યના વેચાણ માટે બુક સ્ટોર્સ શરૂ કરશે..અને કોઇ આસામી વળી બાંગ્લાદેશી ઘૂસણખોરીને રોકવાનો પ્રયાસ કરશે..!
તો વાત શરૂ થઇ એમેઝોન અને પ્રથમ વેપારી અંતરિક્ષયાત્રી જેફ બેઝોસની. ભવિષ્યમાં મંગળ અને ચંદ્ર પર અવરજવર શરૂ થશે ત્યારે ત્યાં પણ એમેઝોનનો ગોડાઉન હશે જ તેમાં કોઇ બેમત નથી. આપણે તો આપણો કોઇ ગુજરાતી નરબંકો ખાખરા અને ખમણપાત્રા સાથે અંતરિક્ષમાં આંટો મારવા જાય ત્યાં સુધી ઇંતેજાર…ઇંતેજાર…ઇંતેજાર…50 વર્ષ તો ખરા….!!

 60 ,  1