સુરત : પત્નીએ ઝેર પીને કર્યો આપઘાત, આઘાતમાં પતિએ પણ દીકરી સાથે તાપી નદીમાં ઝંપલાવ્યું…

પત્ની – દીકરીનું મોત, પતિ સારવાર હેઠળ

શહેરના સરથાણા વિસ્તારમાં પત્નીએ ઝેર પીને આપઘાત કરી લેતાં પતિએ પણ 7 વર્ષીય પુત્રી સાથે તાપી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પુત્રીનું મોત નિપજ્યું છે, જ્યારે પતિ સારવાર હેઠળ છે. સાવકી પુત્રીને માર મારવાના મુદ્દે દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ઝેર પી લીધું હતું. પત્નીએ ઝેર પી લેતા ડરી ગયેલા પતિએ આ પગલું ભર્યું હતું. આ ઘટનામાં પત્ની-પુત્રીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિ સારવાર હેઠળ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢના લીલવા ગામનો તળાવિયા પરિવાર સુરતમાં સ્થાયી થયો છે. રત્ન કલાકાર તરીકે કામ કરતા સંજય તળાવિયાનો પરિવાર સુરતના સરથાણા વિસ્તારમાં વ્રજભૂમિ વિસ્તારમાં રહે છે. સંજયભાઈના પોતાની પહેલી પત્ની જલ્પા સાથે 2018ના વર્ષમાં ડિવોર્સ થયા હતા. જેનાથી તેમને 7 વર્ષની દીકરી જીયા હતી. ડિવોર્સ બાદ જિયા પિતા સાથે રહેતી હતી. થોડા સમય બાદ સંજયે રેખા નામની મહિલા સાથે બીજા લગ્ન થયા હતા. સંજયની 32 વર્ષીય બીજી પત્ની રેખાના પણ અગાઉ છૂટાછેડા થયા હતા અને રેખાને પહેલાં લગ્નથી એક પુત્ર હતો. પરંતુ જીયાને સાચવવાના મુદ્દે બંને પત્ની પતિ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જેથી રેખાબેને બુધવારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી.

પત્નીની આત્મહત્યા જોઈને સંજય ગભરાઈ ગયો હતો. પોતાને જેલ થશે તે ડરે તેણે પણ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. દીકરી જીયાને લઈને તે તાપી નદીમાં આત્મહત્યા કરવા પહોંચ્યો હતો. સવજી કોરાટ બ્રિજ પર તેણે હૈયાફાટ રુદન કર્યું હતું, જેના બાદ તે દીકરી જીયાને લઈને નદીમાં કૂદ્યો હતો. પરંતુ સંજયને નદીમાં ડૂબતા જોઈ સ્થાનિક લોકો મદદે આવ્યા હતા. પિતા પુત્રીને નદીમાં બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યા માસુમ જીયાનું પાણીમાં ડૂબીને મોત નિપજ્યુ હતું. મોડી સાંજે ફાયર બ્રિગેડની જીયાનો મૃતદેહ મળ્યો હતો. સંજય તળાવિયાનો જીવ બચ્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.


પોલીસે આપેલી માહિતી પ્રમાણે, રેખાબેને ઘરકંકાસથી કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધું હતું. પત્નીના વિરહમાં સંજયભાઈએ તેની પુત્રીને સાથે લઈને નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બનાવના પગલે પુત્રીનું મોત નિપજ્યું છે. હાલ સંજયભાઈની સરથાણામાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ આ ઘટનામાં માતા અને દીકરીની મોત થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી