કેસરી બંગાળના ભાવિ સીએમ કોણ..? કોયડો ઉકેલો તો માનીએ..!!

શુવેન્દુ મમતાદીદીને હરાવે તો સીએમપદના અધિકારી બની શકે..!

દિલીપ ઘોષ કહે છે-ચૂંટણી નહીં લડુ પણ સત્તા મળે તો..?

સૌરવ તો જોડાયા જ નથી અને મિથૂનદા કોબ્રા કહીને ફસાયા..

એબીપી ન્યૂઝ સર્વે કહતા હૈ- દીદી ફિર સે સીએમ હોબે…?!

ભાજપને બહુમતિ કરતાં થોડીક ઓછી બેઠકો મળે તો..?

દુલ્હા બિકતા હૈ..ની જેમ દીદીના પણ ચૂંટાયેલા કહેશે- મૈં તો ચલા…!!

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

કોરોનાના બીજા ઉથલા વચ્ચે દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ રહી છે. ચૂંટણીઓ પાંચ રાજ્યોમાં છે પણ ભાજપે ધ્યાન એકત્રિત કર્યું છે પ. બંગાળ તરફ. ચૂંટણીઓ આવે એટલે પોલ અને ઓપિનિયન પોલની મૌસમ પણ શરૂ થઇ છે. વિવિધ ટીવી મિડિયા દ્વારા ઓપિનિયન પોલ જાહેર થઇ રહ્યાં છે. એક ઓપનિયન પોલમાં ભાજપને 294માંથી 183 બેઠકો મળે છે તો બીજી ટીવી મિડિયાના પોલમાં ભાજપને 100 કરતાં વધારે બેઠકો આપવામાં આવી છે. હજુ તો મતદાન શરૂ પણ થયું નથી. છેલ્લુ મતદાન પૂરૂ થયા બાદ એક્ઝીટ પોલમાં બહાર આવશે કે દો મઇ…દીદી ગઇ યા દો મઇ દીદી આઇ…?!

પાંચ રાજ્યોમાંથી એકમાત્ર પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ જ અલગ અલગ 8 તબક્કામાં યોજાવાની છે. જેમાં 27 માર્ચે પ્રથમ તબક્કા હેઠળ બંગાળના પાંચ જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. 8 તબક્કા બાદ બંગાળમાં કોની સરકાર બનશે..? મુખ્યમંત્રી કોણ બનશે..? એબીપી ન્યૂઝ અને સી વોટર્સે કરેલા સર્વે અનુસાર ફાઈનલ ઓપિનિયન પોલ જાહેર કર્યો છે. ફાઇનલ ઓપિનિયન પોલ મુજબ, પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનર્જી જીતની હેટ્રિક લગાવી શકે છે…!.

એબીપી ન્યૂઝ અને મોજણી કરનાર એજન્સી સી વોટર્સના સર્વે અનુસાર, મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને વિધાનસભાની કુલ 294 બેઠકમાંથી સૌથી વધુ 152થી 168 બેઠક સાથે બહુમત મળે છે અને ફરી મમતા બેનર્જી મુખ્યમંત્રીની ખુરશી સંભાળી શકે છે…!. જ્યારે મમતાદીદીને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહેલ ભાજપને 104 થી 120 બેઠકથી સંતોષ પામવો પડે તેમ છે..મુખ્ય જંગ ટીએમસી અને ભાજપની વચ્ચે જ છે. તેમ છતાં બીજા નાના નાના પક્ષો પણ મેદાનમાં છે આ પક્ષોમાં કોંગ્રેસ અને લેફ્ટ ગઠબંધનને ફાળે માત્રને માત્ર 18થી 26 બેઠકો જ મળે તેમ છે. 294 બેઠકોવાળી વિધાનસભામાં રાજ્યમાં સરકાર બનાવવા માટે 148 બેઠકો હોવી જોઇએ. મમતાદીદીને તેના કરતાં વધારે બેઠકો મળવાનો દાવો આનંદબજાર પત્રિકા જુથની ચેનલ એબીપી દ્વારા કરવામાં આવ્યો છે.

એબીપી ન્યૂઝ અને સર્વે એજન્સી સી વોટર્સ, આપકે તારે ક્યા કહતે હૈ….ની જેમ જ્યોતિષી આગાહી કરે છે કે ભાજપને રાહત એ છે કે ગત ચૂંટણીની તુલનામાં ભાજપને આ વખતે જબરદસ્ત ફાયદો મળી રહ્યો છે, ગઇ વખત કરતાં બેઠકો વધશે પરંતુ તે સત્તા પ્રાપ્ત કરવામાં અસમર્થ હોવાનું જણાય છે…! ભાજપને 104 થી 120 બેઠકો મળી શકે છે.જે બહુમતિથી દૂર છે. 2016ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીને 211 સીટો પર જીત મળી હતી. જ્યારે ભાજપને માત્ર ત્રણ બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો .છે. જ્યારે કૉંગ્રેસને ગઇ ચૂંટણીમાં 44 સીટો અને લેફ્ટને 26 બેઠક મળી હતી.

પોલ અને ઓપિનિયન પોલ કાંઇ ફાઇનલ નથી. બંગાળના અંદાજે 7 કરોડ મતદારો નક્કી કરશે કે કોને સત્તાની ખુરશી સોંપવી. ટીએમસીમાં તો સીએઅમનું નામ નક્કી જ છે-મમતાદીદી. પણ ધારો કે ભાજપને સત્તા મળે તો સીએમ કોણ…? ભાજપે બંગાળના કેસરી કર્ણધારનું નામ જાહેર કર્યુ નથી. દાવેદારોમાં કૈલાશવિજય વર્ગીય અને દિલીપ ઘોષના નામોની સાથે એક નવુ નામ મમતાદીદીની પાર્ટીમાંથી આવેલા શુવેન્દુ અધિકારીનું નામ પણ તેમના પિતાએ વહેતુ મૂક્યુ છે. શુવેન્દુ પોતાના પૂર્વ રાજકિય સર્જનહાર મમતાદીદીની સામે નંદીગ્રામમાં ઉભા છે. શુવેન્દુના પિતા શિશિર અને અન્ય ભાઇ એમ સમગ્ર અધિકારી પરિવાર ટીએમસીમાં હતા. પણ હવે સમગ્ર પરિવાર કેસરીમાં જોડાઇ ગયા છે. શુવેન્દુના સાંસદ પિતાએ ભાજપનો ખેસ પહેરીને મિડિયા સાથેની વાતમાં મમરો મૂક્યો- મારો દિકરો શુવેન્દુ બંગાળના સીએમ બને તો એક પિતા તરીકે મારા કરતાં બીજા કોને વધારે આનંદ થાય..?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમણાં જ કાંથી મતવિસ્તારમાં આયોજિત રેલીમાં કહ્યું કે ભાજપ સરકારના નવા સીએમ આ જ ધરતીના જ હશે. બહારથી નહીં પણ બંગાળમાંથી જ સીએમ હશે. તેમણે કે ભાજપના કોઇ નેતાએ ભાવિ સીએમ તરીકે હજુ મગનું નામ મરી પાડતા નથી. દિલિપ ઘોષ બંગાળ ભાજપના અધ્યક્ષ છે પણ તેઓ મા દુર્ગા અંગે વિવાદાસ્પદ નિવેદનો કરીને ફસાયા તો હવે મમતાદીદીએ સાડી નહીં પણ બરમુડા પહેરીને ચૂંટણી જાહેરસભામાં પોતાને ભાંગેલો પગ બતાવવો જોઇએ એમ કહીને ફરી વિવાદમાં આવ્યાં છે.

મમતાદીદી મંચ પર વ્હીલચેરમાં બેસતી વખતે તેમને પ્લાસ્ટરવાળો પગ સામે બેઠેલા લોકોને બરાબર દેખાય એ રીતે નાનકડા ટેબલ પર પગ લાંબો કરીને મૂકે છે. સ્વાભાવિક છે કે પ્લાસ્ટર દેખાય તે માટે સાડી થોડીક ઉપર કરવી પડે. તેને લઇને ઘોષે એવી ટીપ્પણી કરી કે આ બધુ કરવા કરતાં જો તેઓ બરમુડો-ચડ્ડો પહેરે તો પ્લાસ્ટરવાળો પગ ઉંચો કરીને બતાવવો ના પડે… ઉપરાંત ઘોષે એમ જાહેર કર્યુ છે કે તેઓ ચૂંટણી લડવાના નથી. તેથી જો ભાજપને સત્તા મળે અને ઘોષનો નંબર લાગે તો પેટા ચૂંટણી લડવી પડે.

શુવેન્દુ અધિકારી સીએમ બની શકે પણ જો તેઓ જીતે તો…એમ નહીં, પણ મમતા હારે તો…તેઓ જાયન્ટ કીલર બને અને મમતા હારે તો ટીએમસીની સતા ગઇ સમજો અને ભાજપને સત્તા મળી સમજો અને તે વખતે જાયન્ટ કીલરના રાજકિય બદલા તરીકે શુવેન્દુ અધિકારી સીએમપદના ખરેખર હક્કદાર કે અધિકારી બને. પણ તે માટે નંદીગ્રામમાં દીદીને હરાવવુ પડે. ભાજપમાં જોડાઇને જેઓ સીએમના ચહેરા બનવાની શક્યતા હતી તે સૌરવ ગાંગૂલી ભાજપમાં જોડાયા જ નથી. હું કોબ્રા છુ એમ મોદીની હાજરીમાં મંચ પર બોલનાર આઇ એમ એ ડિસ્કો ડાન્સર મિથૂનદા ક્યાંય ચિત્રમાં નથી. એટલે બધા ઓધાર શુવેન્દુ અને ઘોષ પર હોઇ શકે.

શુવેન્દુ અધિકારી સીએમ બને તો વિપક્ષમાં મમતાદીદી હોય ત્યારે સરકાર ચલાવવી મુશ્કેલ તો બને. યે ઇશ્ક એક આગ કા દરિયા હૈ…ઔર તૈર કર જાના હૈ…ની જેમ ભાવિ સીએમ શુવેન્દુને તો વિરોધપક્ષના નેતા મમતાદીદી નાકે દમ લાવી દે તો નવાઇ નહીં. બંગાળનો રાજકિય ઇતિહાસ અને માત્ર 15-20 વર્ષ જુનો ઇતિહાસ કહે છે કે જ્યારે જ્યારે મમતાદીદી ઘાયલ થઇ છે ત્યારે ત્યારે…?! 100 કરોડની વસૂલીના આરોપમાં ઘેરાયેલી શિવસનાએ મમતાદીદીને વાગ્યુ ત્યારે કહ્યું હતુ કે એક ઘાયલ વાઘણ વધારે ખતરનાક હોય છે…!

રાજકારણના અઠંગ ખેલાડી મમતાદીદી મંચ પર પ્લાસ્ટરવાળો પગ સામે દેખાય એ રીતે મૂકીને અને તેના પર હાથ ફેરવતા ફેરવતા સંબોધન કરે તો પછી એબીપી ન્યૂઝ- સી વોટર્સ સર્વેમાં મમતાદીદીને સત્તા મળી રહી હોવાનો ઓપિનિયન મળી જ શકે. પણ ખેલા હોબે…ની ગર્જના કરનાર મમતાદીદી પગમાં સારૂ થઇ જાય છતાં પાટો ક્યાં સુધી રાખશે..?! તેમનો પાટો પણ એક પ્રકારે –ખેલા હોબે..જ છે…!! વર્ષો સુધી દીદીની સાથે રહીને અનેક રાજકિય ખેલા ખેલનાર તેમના પૂર્વ સેનાપતિ શુવેન્દુ મનમાંને મનમાં કહેતો હશે-મુઝે સબ હૈ પતા…!! લેકિન મૈં કી કરા…?!

 26 ,  1