પ્રિય આરબીઆઇ, દંડની એ રકમ કોણ ભરે બેંક કે દોષિત અધિકારીઓ..?

નિયમોના ભંગ બદલ રિઝર્વ બેંકે 14 કરોડનો દંડ ફટકાર્યો…

નિયમ ભંગ બેંકે કર્યો કે અધિકારીઓએ..? બેંક તો નિર્જીવ છે..!

દંડની રકમ બેંકના ભંડોળમાંથી શા માટે ભરવી જોઇએ..?

કૌભાંડી કંપનીને લોન આપવામાં નિયમ ભંગ થયો તો દોષિત કોણ..?

બોલો, એક કંપનીએ અધધ બે લાખ બોગસ ખાતા ખોલાવ્યા..!!

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને જ્યારે જરૂર પડે ત્યારે નાણાંની વ્યવસ્થા કરી આપનાર દેશની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા-આરબીઆઇ- દ્વારા સમયાંતરે રેપો રેટ, રિવર્સ રેપોરેટના દર જાહેર કરવામાં આવે ત્યારે બેન્કિંગ સહિત વેપારીઓ, કોર્પોરેટ હાઉસ દ્વારા તેની નોંધ લેવાતી હોય છે. પણ આરબીઆઇ કોઇ બેંકને નિયમોનું પાલન ન કરવા બદલ દંડ ફટકારે અને તેમાં પણ સરકારની મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને પણ પેનલ્ટી ફટકારવામાં આવે ત્યારે તો બોસ…ન્યૂઝ તો બનતા હી હૈ…!

સમાચાર પર એક નજર……

રિઝર્વ બેન્કે બુધવારે સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બંધન બેન્ક સહિત 14 બેન્ક પર 14.50 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૌથી વધુ 2 કરોડ રૂપિયાનો દંડ બેન્ક ઓફ બરોડા પર લાગ્યો છે…. સ્ટેટ બેન્કને 50 લાખનો દંડ ફટકારાયો છે…! . વિવિધ નિયમોના ભંગ બદલ તથા NBFC એટલે કે નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીને ધિરાણ આપવાના મુદ્દે કરાયેલા નિયમ ભંગ બદલ રિઝર્વ બેન્ક દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….સીધો અર્થ છે કે જે નોન બેંકિંગ કંપનીઓને નાણાંકિય ધિરાણ આપી ન શકાય એવી કંપનીઓને આ બેંકોએ મેરી મરજી…..મુજબ ધિરાણ આપ્યું- લઇ લો…જોઇએ એટલુ લઇ લો..મેરા ક્યા કામ મેરા બનતા…

રિઝર્વ બેન્ક આગળ કહે છે- સ્ટેટ બેંક સહિતની બેન્કોના હિસાબ તપાસતાં જણાયું કે ડીએચએફએલ અને તેની જૂથ કંપનીઓ સાથેના વ્યવહારમાં બેન્કોએ કેટલીક જોગવાઈનું પાલન કર્યું નહોતું…! ડીએચએફએલ. દિવાન હાઉસિંગ એન્ડ ફાઇનાન્સ લિ. નામની કંપની. કેવી કંપની છે..? જાણીએ.. સીબીઆઇએ એવુ શોધી કાઢ્યું કે આ કંપનીએ કેન્દ્રસરકારની વડાપ્રધાનના નામે ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના(પીએમવાયએ)નો ગેરલાભ લેવા હોમ લોનના કેટલા બોગસ ખાતા બનાવ્યા…? 200-500 નહીં, 10-20 હજાર નહીં પણ અધધ કહી શકાય એટલા બે લાખ બોગસ ખાતા હોમ લોનના બનાવીને સરકારની 600 કરોડની સબસીડી…ગટક…! 14 હજાર કરોડની લોન આપી બોગસ ખાતાઓને અને 600 કરોડની સબસીડી લઇ લીધી..આ 14 હજાર કરોડ પાછા પોતાના ખિસ્સામાંથી નહીં પણ બેંકો પાસેથી લીધેલી લોન…! કંપનીના માલિક જેલમાં છે આવા બીજા અનેક હજારો કરોડોના ગોટાળા બદલ. હય… શાબ્બાશ…!!

રિઝર્વ બેંકે સ્ટેટ બેંક સહિત જે બેંકોને 14 કરોડનો દંડ ફટકાર્યો તે સાદા શબ્દોમાં કહીએ તો આ બેંકોએ ધિરાણ આપવા અને ધિરાણ વસૂલ કરવા આરબીઆઇના પ્રસ્થાપિત નિયમોનું પાલન કર્યું નથી. ઘણાં નિયમોનો ભંગ કર્યો છે. . રિઝર્વ બેન્કે સ્પષ્ટ કર્યું કે આ દંડ જોગવાઈનું પાલન નહીં કરવા માટે છે. બેન્કો દ્વારા કરાયેલા વ્યવહારને કાયદેસરતા આપવાનો કોઈ હેતુ નથી….અર્થાંત આ બેંકોએ કાયદેસરના વ્યવહારો કર્યા નથી. ગેરકાયદે વ્યવહારો કર્યા…

આ. બેંકોને કહેવામાં આવ્યું કે તેમની વિરુદ્ધ બેંકિંગ રેગ્યુલેશ એક્ટ, 1949ના નિર્દેશોનું પાલન ન કરવા માટે દંડ શા માટે ન ફટકારવો જોઇએ બેંકોએ જે નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે તેમાં NBFCsને લોન આપવા અને NBFCsને બેંક ફાઇનાન્સ કરવા સાથે સંબંધિત નિયમોની ઉપેક્ષા કરવી સામેલ છે. બેંકોમાં લાર્જ કોમન એક્સપોઝર્સની સેન્ટ્રલ રિપોઝિટરી, સેન્ટ્રલ રિપોઝિટરી ઑફ ઇન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ (CRILC)ની રિપોર્ટિંગ, સ્મોલ ફાઇનાન્સ બેંકની ઓપરેટિંગ ગાઇડલાઇન્સને લગતાં નિયમોની ઉપેક્ષા કરવામાં આવી છે. આ સાથે જ બેંકોએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ના સેક્શન 19(2) અને સેક્શન 20(1)નું ઉલ્લંઘન કર્યુ છે…. ! એમ લાગે કે કેટલા બધા નિયમોનું ઉલ્લંઘન કર્યું…!!

બેંકોએ આટલા બધા નિયમોનો ભંગ કર્યો હોય તો એક સવાલ તો બનતા હૈ…

રિઝર્વ બેંકે જે 14 કરોડનો દંડ વિવિધ બેંકોને ફટકાર્યો તેમાં સૌથી વધુ દંડ 2 કરોડ બેંક ઓફ બરોડાને ફટકાર્યો છે. સ્ટેટ બેંકને 50 લાખનો દંડ ફટકાર્યો છે એ દંડની રકમ કોણ ભરશે…? બેંક એ રકમ પોતાના ભંડોળમાંથી ભરશે. ભંડોળમાં રહેલી એ રકમ કોની ? ખાતેદારોની હશે, નફાની રકમ હશે, બેંકની વ્યાજની કમાણી હશે..એમાંથી દંડની રકમ ભરી નાંખી અને મામલો પૂરો.

એક દાખલો…

અબજોની લોન લઇને કેટલીક બેંકોને મુશ્કેલીમાં મૂકનાર અને જેના માલિકો જેલ હવાલે છે એ ડીએચએફએલને ધિરાણ આપવા જે નિયમોનો ભંગ થયો એ બેંકના જે તે કોઇને કોઇ અધિકૃત, સક્ષમ, સત્તાવાર અધિકારી કે અધિકારીઓના સમૂહે લીધો હશે. જે તે બેંકના ઉચ્ચ સત્તાવાળાઓ પણ તેમાં સંકળાયેલા હશે. નિયમોનો ભંગ થયો છે એમ રિઝર્વ બેંકે તપાસ કરીને જાહેર કર્યું તો રિઝર્વ બેંકે જે કાગળિયા તપાસ્યા નિયમ ભંગના તેમાં કોઇને કોઇ અધિકારીઓના સરસ મજાના હસ્તાક્ષર કે હસ્તાક્ષરો તો હશે જ. હવામાં તો નિયમ ભંગ નહીં થયો હોય. તો પછી દંડની રકમ માટે જે તે કથિત કસૂરવાર અધિકારી કે અધિકારીઓને જવાબદાર માનીને તેમની પાસેથી વ્યક્તિગત ધોરણે દંડની રકમ શા માટે નહીં વસૂલવી જોઇએ…?! વસૂલવી જોઇએ કે નહીં..?

રિઝર્વ બેંકે બીજી બેંકોને પણ નિયમોના ભંગ બદલ દંડની રકમ ફટકારી.. જેમ કે..

  • સરકારી માલિકીની પંજાબ – સિંઘ બેન્કને 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. કારણ..? સાયબર સિક્યોરિટીના નિર્દેશોની કેટલીક જોગવાઇઓનું પાલન નહીં કરવા બદલ પંજાબ-સિંઘ બેન્કને રિઝર્વ બેન્ક દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.
  • કેટલાંક બેન્કિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઇટાવાની નાગરિક સહકારી બેન્ક લિમિટેડને 1 લાખ રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી છે.
  • નિયામક પાલનમાં કમીઓ પછી એચડીએફસી બેન્ક લિમિટેડ પર 10 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. બેન્કિંગ વિનિયમન અધિનિયમ 1949ની કલમ 6(2) અને કલમ 8ની જોગવાઈના ભંગ બદલ એચડીએફસી બેન્ક પર આ દંડ લગાવવામાં આવ્યો છે.
  • સુપરલાઈઝરી એક્શન ફ્રેમવર્ક (SAF) હેઠળ ખાસ આદેશોના ભંગ બદલ દિલ્હી અને બિજનૌરની સહકારી બેન્કો પર કુલ 11 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો.
  • બિજનૌર અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર ડાયરેક્ટર્સને લોન આપવા પર રોક સંબંધિત આદેશના પાલન નહિં કરવાને કારણે 6 લાખનો દંડ લાદ્યો.. નેશનલ અર્બન કો-ઓપરેટિલ બેન્ક, નવી દિલ્હી પર SAF હેઠળ 5 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો.

એમ.આવી ઘણી બેંકોને અત્યાર સુધી નિયમોના ભંગ બદલ દંડ ફટકાર્યો છે અને દંડની રકમ બેંકોના ભંડોળમાંથી ચૂકવીને બેંક વ્યવસ્થાપન મંડળ નિરાંત અનુભવે..પણ મૂળ દોષિત કોણ..?

કાયદાની ભાષામાં બેંક એક વ્યક્તિ હોઇ શકે પણ બેંક એ કોઇ વ્યક્તિ નથી બેંકને ચલાવે છે અધિકારીઓ.. નિયમોનું પાલન કરે છે અને કરાવે છે.અધિકારીઓ અને તેમાં જો કોઇ ભંગ થાય તો તે બેંકના કોઇને કોઇ વ્યક્તિગત અધિકારીઓ દ્વારા જ થતો હશે ને..?

નિરવ મોદી,મેહુલ ચોકસી, વિજય માલ્યાની કુલ્લે મળીને 22 હજાર કરોડની બોગસ દસ્તાવેજોના આધારે લોન મંજૂર કરનારા અધિકારીઓ પૈકી કેટલા જેલમાં છે…? ભાગેડુઓ વિદેશમાં અને આ ત્રણેયને મસ્ત મસ્ત અબજો રૂપિયાની લોન આપીને બેંકોને ડૂબાડનારાઓ પણ મોજે દરિયા…? સૌથી મોટી 13 હજાર કરોડની લોન નિરવ મોદી અને મેહુલને આપનાર પંજાબ નેશનલ બેંકના કોઇ ઉચ્ચ સ્થાને બિરાજનાર અધિકારી જેલમાં હોય તો ભયો ભયો…અને પકડ્યા હોય તો જામીન પર જેલની બહાર ગયો..ગયો…..!

પ્રિય, આરબીઆઇ, નિયમ ભંગના કાગળિયા તપાસ્યા તો જેણે ભૂલ કરી તે અધિકારી કે અધિકારીઓની કોઇ જવાબદારી બને ખરી..? શું તેની પાસેથી દંડની રકમ ના વસૂલ કરવી જોઇએ…? એવી કોઇ જોગવાઇ બેંકના વર્તમાન કાયદામાં ના હોય તો એવી જોગવાઇ ના થવી જોઇએ..? આર્થિક મંદીમાં સમય મળે તો વિચારજો નહીંતર આવી કરોડોની દંડની રકમ ભરવા માટે બેંકો પાસે ખૂબ…ખૂબ.. ભંડોળ પડેલુ જ છે…! દે દામોદાર દાળમાં પાણી..!

 75 ,  1