કિસાનરૂપી તુફાન મેં સરકારરૂપી કશ્તી ગાઝીપુર બોર્ડર કોણ લઇ જશે…?!

સુબ્રમણ્યમ સ્વામી ઉવાચઃ- આવી રીતે આવી શકે છે આંદોલનનો ઉકેલ…!!

ગાઝીપુર-ટીકરી-સિંઘૂ બોર્ડરો ખરેખર “બોર્ડર” બની ગઇ…? સંદેશે આતે હૈ….

ભગવાન રામના ભારતમાં સીતાના નેપાળ અને રાવણની લંકા કરતા પેટ્રોલ મોંઘુઃ સ્વામીનોમિક્સ

સ્વામીનોમિક્સ ફોર્મ્યુલા- કેન્દ્ર કાયદા બનાવે, અમલ રાજ્યો પર છોડી દો….

અમિતભાઇ શાહનો ઘાયલ પોલીસને સંદેશો- ડોન્ટ વરી સરકાર તમારી પડખે છે

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

1977માં ઇન્દિરા ગાંધીનું શાસન હચમચાવીને સત્તા પર આવનાર જનતા પાર્ટીના છેલ્લાં પ્રમુખની જવાબદારી સિનિયર રાજકારણી અને અર્થશાસ્ત્રના જાણીતા નિષ્ણાત સુબ્રમણ્યમ સ્વામીએ નિભાવી. 2014માં નરેન્દ્રભાઇ મોદી બીજા નેતાઓને પોતાની સાથે જોડ્યા તેમ સ્વામીને અને જનતા પાર્ટીનું ભાજપમાં વિલિનિકરણ કરાવ્યું. સ્વામીને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યાં. સ્વામીએ તે વખતે એવી આશા રાખી કે તેમની સિનિયોરીટી અને અર્થશાસ્ત્રમાં હથોટીને જોતાં તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાશે અને નાણામંત્રી બનાવશે. હજુ સ્વામીના નામની આગળ મંત્રી કે નાણામંત્રી એવું લેબલ લાગ્યું નથી. કારણ તો તેમના કરતા બીજુ કોણ વધારે જાણે. હશે. આ તો કારણ વગરનું રાજકારણ અને રાજ માટેનું કારણ છે. ક્યારે તેઓ મંત્રી કે નાણામંત્રી બનશે….!?

તેઓ તત્કાલીન નાણામંત્રી અરૂણ જેટલીના ખૂબ ટીકા કરતા. તેની સાથે મોદી સરકારની પણ સ્પષ્ટ શબ્દોમાં ખૂબ શિષ્ટાચાર રાખીને આલોચના કરતાં અને કરે છે.. જો કે તેમની આલોચનાનો કોઇ જવાબ અપાયો નથી. ઘરના છે ને…ભલે ને બોલે…એવી કોઇ વાત હોઇ શકે.

26 જાન્યુ.ના રોજ રાજધાની દિલ્હીમાં જે હિંસાના બનાવો બન્યા તેમાં 300 કરતાં વધારે પોલીસકર્મીઓ ઘાયલ થયા. ગૃહમંત્રી અમિતભાઇ શાહે તેમની મુલાકાત લઇને તેમના દુખમાં સહભાગી બનીને સંદેશો આપ્યો કે ડોન્ટ વરી.. સરકાર તેમની સાથે છે. એક અન્ય ઘટનામાં ઘાયલ પોલીસકર્મીઓના કેટલાક પરિવારજનો કિસાન સંગઠનોની સામે દિલ્હીમાં જ પ્રતિક ઉપવાસ પર બેઠા અને પોલીસકર્મીઓ પરના હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું. કિસાનોએ લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો લગાવવા બદલ કોઇ દિપ સિધુનું નામ આપ્યું અને દાવો કર્યો કે તે ભાજપની સાથે જોડાયેલો છે. લાલ કિલ્લા પર તિરંગાની સાથે ધાર્મિક ઝંડો લગાવવાની ઘટના બાદ તેને હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે અને સુરક્ષા માટે જડબેસલાક પોલીસ કાફલો ગોઠવાયો છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને મિડિયા કવરેજ વિડિયોના આધારે ઝંડો લગાવનારની ઓળખ કરી રહી છે.

આ ઘટના બાદ દિલ્હીની બહાર સિંઘુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર અને ટીકરી બોર્ડર પર 70 દિવસથી આંદોલન કરી રહેલા કિસાનો ફરીથી દિલ્હી શહેરમાં ઘૂસી ના આવે તે માટે સત્તાવાળાઓ બેરિકેડ, દિવાલ અને કાંટાળા સળિયા દ્વારા જડબેસલાક આડશો મૂક્યા છે. 70 દિવસથી ધરણાં દેખાવો ચાલી રહ્યાં છે.

સરકારે એવો વચલો રસ્તો કાઢ્યો કે 3 કૃષિ કાયદાઓને દોઢ વર્ષ સુધી સ્થગિત કરવા સરકાર તૈયાર છે. 26મીની પહેલા સંગઠનોને આ બાબત જણાવવામાં આવી. તે વખતે પણ સંગઠનોએ ના પાડી અને 26મીની ઘટના બાદ પણ સંગઠનોએ કહ્યું-સોરી. દોઢ વર્ષ માટે નહીં કાયમ માટે પરત ખોંચો. બન્ને તરફ મક્કમતા. તે દરમ્યાન ધરણાંના સ્થળે રિપોર્ટીંગ કરી રહેલા સ્વતંત્ર પત્રકારોમાં મનદિપ પૂનિયા નામના પત્રકારની ધરપકડ થયાના ઘટના પણ બની અને કોર્ટમાંથી તેમને જામીન મળ્યા અને બહાર આવી ગયો.

આખરે આ સમસ્યાનો ઉકેલ શું…? એમ વિચારીને ભાજપના સિનિયર સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપના સાંસદોની સાથે વાતચીત કરીને કિસાન આંદોલનની ફોર્મ્યુલા દર્શાવી. તેમણે એક તરફ ઉકેલ બતાવ્યો તો બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા અંગે ફરી આલોચના કરી પણ કંઇક અલગ અંદાજમાં. સરકારને ખોટુ પણ ના લાગે અને વાત પણ કહેવાઇ જાય પેટ્રોલ ડિઝલના ભાવ વધારા અંગે પોતાની જ સરકારને નિશાને લઇને નેપાળ અને શ્રીલંકામાં ભારત કરતાં પેટ્રોલ ડિઝલ સસ્તા હોવાનું જણાવીને ભારતમાં ભાવ ઉંચા હોવાનું કહ્યું હતું.

જો કે કિસાન આંદોલન અંગે તેમણે જે ઉકેલ દર્શાવ્યો તેને કિસાન સંગઠનો સ્વીકારશે કેમ એ સવાલની વચ્ચે કોંગ્રેસ શાસિત રાજ્યો તેને આવકાર આપશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. ઉકેલ એવો છે કે કેન્દ્ર સરકાર રાજ્યો પર નવા કૃષિ કાનુન સામે ખેડુતો છેલ્લા ઘણાં દિવસોથી આંદોલન ચલાવી રહ્યાં છે. ખેડુતો સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે આ વચ્ચે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ખેડુતો અને સરકાર વચ્ચેના સમાધાનનો માર્ગ શોધી કાઢ્યો. સ્વામીએ એક ફોર્મ્યૂલા સુચવી છે જેનો અમલ કરવામાં આવે તો સરકાર અને ખેડુતો વચ્ચે ચાલી રહેલા આ ગતિરોધનો ઉકેલ આવી શકે છે…..

ભાજપ નેતા સુરબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને ફોડ પાડ્યો કે ભાજપના કેટલાંક સાંસદોએ તેમને એટલે કે સ્વામીને પુછ્યું કે સ્વામીજી, આ ખેડુત આંદોલનનો ઉકેલ કેવી રીતે લાવવામાં આવે…? . સ્વામીએ તેમને સલાહ આપી કે કેન્દ્રના દરેક એક્ટને લાગૂ કરવા માટે નિયમ એવો હોવો જોઈએ કે કાનુન એ રાજ્યોમાં લાગુ થશે જે રાજ્યની સરકાર કેન્દ્ર પાસે જે તે કાનુન લાગૂ કરવાની માંગ કરશે સ્વામીના વાત ભાજપના દરેક સાંસદોના ગળે શિરાની જેમ સરરર ઉતરી ગઇ. દરેકે સહમતિ વ્યક્ત કરી- હાં, એ બરાબર છે. કેન્દ્ર કાયદાઓ બનાવે અને જે રાજ્યને પોતાના રાજ્યના લોકોનું કલ્યાણ કરવુ હોય તે લાગૂ કરવાની માંગણી કરે. કોઇ વિવાદ જ નહીં. રાજ્યોઓએ પોતે જ માંગણી કરી છે એટલે અમલ તો થવાનો જ છે..

કેબીસીનો સાત કરોડનો સવાલ- ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની આ સલાહ પર સરકાર અમલ કરશે કે નહી..? તેનો જવાબ કેબીસીનો એક્ષ્પર્ટ આપશે અથવા એ તો સમય બતાવશે…. પરંતુ સ્વામી ખેડુત આંદોલનને લઈને સતત નિવેદન આપી સરકારને એલર્ટ કરી રહ્યાં છે. તેમણે ખેડુત હિંસા બાદ પણ ભાજપને સ્થિતિથી માહિતગાર કરતા એલર્ટ થવાની અપીલ કરી છે.. પોતાની સરકારને કિસાન આંદોલનના ઉકેલનો રસ્તો બતાવનાર ભાજપના વરિષ્ઠ નેતા.સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવોના પગલે પોતાની જ સરકાર પર નિશાન સાધ્યુ…!

સ્વામી ઉવાચઃ ભગવાન શ્રીરામના ભારતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 93 રુપિયા, સીતામાતાના નેપાળમાં 53 રુપિયા અને સીતામાતાનું અપહરણ કરનાર રાવણની લંકામાં 51 રુપિયા ભાવ છે.

સ્વામીએ કરેલા ટ્વિટ બાદ તેને લઈને ચર્ચાઓ શરુ થઈ..સ્વામીએ આ ટ્વિટ કર્યુ તેના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે બજેટમાં કરેલી જાહેરાત પ્રમાણે પેટ્રોલ પર પ્રતિ લિટર 2.5 રુપિયા અને ડીઝલ પર ચાલ રુપિયા પ્રતિ લિટર સેસ નાંખવામાં આવ્યો. જોકે તેનો બોજ વપરાશકાર પર નહીં પડે. જેટલો બોજ વધારવામાં આવ્યો એટલે એકસાઇઝ ડ્યુટી ઓછી કરી. એટલે ભાવ તો એ જ રહેશે. સિવાય કે રોજે રોજ રાતના 12 વાગે વધે તો. છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે અને તેના કારણે દેશમાં મોંઘવારી વધે તેવી પણ દહેશત વ્યક્ત કરાઈ રહી છે.જોકે છેલ્લા ત્રણ દિવસથી ભાવ સ્થિર છે.જોકે સુબ્રમણ્યમ સ્વામી અગાઉ પણ અલગ-અલગ મુદ્દે પોતાની જ સરકારની જાહેરાતમાં ટીકા કરી ચુક્યા છે.તેમના માટે આ નવી વાત નથી. પણ તેમનો કિસાન કાયદાનો ઉકેલ અમલી બને તો ભયો ભયો…

સુના હૈ સમંદર કો ગુમાન આયા હૈ…

આજ તો કશ્તી વહીં લે ચલો જહાં તૂફાન આયા હૈ…

કિસાનરૂપી તૂફાનમાં સરકારરૂપી કશ્તી કોણ લઇ જશે…? સુ. સ્વામી…. ? કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર.. ? યોગી આદિત્યનાથ કે કિલ્લેબંધી કરનાર બખ્તરબંધ પોલીસ….?

દિનેશ રાજપૂત

 76 ,  1