નંદીગ્રામના મતદારો કોને “એપ્રિલફુલ” બનાવશે- ગુરૂને કે ચેલાને..?!

પહેલી એપ્રિલે બંગાળમાં હાઇપ્રોફાઇલ સીટ નંદીગ્રામ માટે મતદાન..

2.70 લાખ જેટલા મતદારો- 270 મતદાન મથકો..

ઉમેદવારો- ગુરૂ મમતાદીદી અને ચેલો શુવેન્દુ વચ્ચે જબરી ટક્કર..

મતદાનના દિવસે દેશ આખાની નજર હશે-ઓવર ટુ નંદીગ્રામ…

યે ટક્કર હૈ-આંધી ઔર તુફાન કી…દિયે ઔર બાતી કી..!

દીદીને 50 હજાર મતોથી હરાવવાની પ્રતિજ્ઞા કરી છે શુવેન્દુએ..

મતદાન બાદ પરિણામ માટે 744 કલાકની જોવી પડશે રાહ..

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

રાજ્ય પ.બંગાળ. જિલ્લો-પૂર્બ મેદિનાપૂર. સબ ડિવીઝન-હલ્દિયા,. કોમ્યુનીટી ડેવલોપમેન્ટ બ્લોક-નંદીગ્રામ. વિધાનસભા બેઠકનુંનામ- નંદીગ્રામ. દરિયાની સપાટીથી 6 મીટરની ઉંચાઇએ નંદીગ્રામ નામનું ટાઉન છે. નંદીગ્રામની પોતાની વસ્તી અંદાજે 10 હજાર હશે. 2011માં 5,803ની વસ્તી હતી. પ.બંગાળ વિધાનસભાની 294 બેઠકોમાં નંદીગ્રામ નામની બેઠક, વેરી વેરી હાઇપ્રોફાઇલ બની ગઇ છે. ભાજપે જેમને હરાવવા પોતાની તમામ રાજકિય તાકાત લગાવી દીધી છે એ 66 વર્ષના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારે તેમના પૂર્વ સાથી કે જેઓ મમતાદીદીનો સાથ છોડીને તાજેતરમાં ભાજપમાં જોડાયા તે શુવેન્દુ અધિકારીને કદાજ વિશ્વાસ નહીં બેઠો હોય કે તેમના રાજકિય બોસ તેમનો પડકાર ઝીલીને નંદીગ્રામમાંથી ઉભા રહેશે..!

મમતાદીદીને છોડીને ભાજપમાં જોડાયેલા શુવેન્દુએ ગઇ 2016ની ચૂંટણીમાં આ બેઠક ટીએમસીના ઉમેદવાર તરીકે 81,230 મતોથી જીતી હતી. તેમની સામે હતા સીપીઆઇના ઉમેદવાર અબ્દુલ કબીર શેખ. તેમને 53,393 મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર બિજનકુમાર દાસને 10,713 મતો મળ્યા હતા. 2011માં પણ મમતાદીદીની પાર્ટી ટીએમસીએ 294માંથી 210 નંબરની ગણાતી આ બેઠક 43,640 મતોથી જીતી હતી. ગઇ વખતે કુલ મતદારો હતા1,95,187. આ વખતે અઢીલાખ કરતાં વધારે મતદારો છે. અને આ વખતે રાજકિય ચિત્ર એટલુ બધુ બદલાઇ ગયુ છે કે જે નંદીગ્રામ જીતશે એની સરકાર બને તેમ છે..!!

રાજકિય શતરંજમાં મહારથી ગણાતા ભાજપ અને ભાજપના ચાણક્ય અમિતભાઇ શાહે નંદીગ્રામમાં એવા સોગઠા ગોઠવ્યા છે કે મમતાદીદીની સામે દીદીના જ ખાસ વિશ્વાસુ શુવેન્દુને ટિકિટ આપીને પડકાર ફેંક્યો છે. શુવેન્દુ જીતે તો જાયન્ટ કીલર ગણાશે. અને હારે તો…? શુવેન્દુએ ભાજપમાં જોડાઇને દાવો કર્યો છે કે તેઓ મમતાદીદીને નંદીગ્રામમાં 50 હજાર કરતાં વધારે મતોથી હરાવી દેશે અને જો પોતે હારી ગયા તો રાજકિય સંન્યાસ લઇ લેશે..! અલબત, ભાજપ તેમને રાજકિય સંન્યાસ લેવા નહી દે પણ જો દીદીએ સરકાર બનાવી તો શુવેન્દુને તેમનીસામે લડવા વિપક્ષના નેતાનું પદ પણ આપી દે. અને દીદી હારી ગઇ તો શુવેન્દુને સીએમ બનાવવાનું સાહસ ભાજપ કરશે જ.

પ.બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થવાનું છે. 27મીએ એક તબક્કો પૂરો થયો, જેમાં 30 બેઠકો માટે અંદાજે 80 ટકા મતદાન થયું છે. ભાજપે 30માંથી 26 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. ટીએમસીએ એવી પ્રતિક્રિયા આપી કે ભાજપના નેતા ઇવીએમમાં ઘૂસીને જોઇ આવ્યાં કે 26 બેઠકો મળશે..?! નંદીગ્રામ માટે બીજા તબક્કામાં “એપ્રિલ ફુલ” તરીકે મંનાતા દિવસ પહેલી એપ્રિલે મતદાન થવાનું છે. મતદાન પહેલાં દીદીએ વ્હીલચેરમાં બેસીને નંદીગ્રામમાં 8 કિ.મી. લાંબી પદયાત્રા યોજીને શક્તિ પ્રદર્શન કર્યું છે. શુવેન્દુએ પણ હું નંદીગ્રામનો પુત્ર છે,.. એવી અપીલ સાથે ભાજપના નેતાઓની સાથે રાખીને ઘૂંઆદાર પ્રચાર કર્યો છે. મમતાદીદીએ 8 કિ.મી. લાંબી પદયાત્રા યોજી હોળીના દિવસથી મતદાન સુધી નંદીગ્રામમાં જ ધામા નાંખ્યા છે.

રાજકિય રીતે જોઇએ તો શુવેન્દુ દીદીની પાર્ટીમાંથી દીદીની રાજકિય સોગઠાબાજી અને બ્રાન્ડદીદીના આધારે ફરી ફરીને જીતતા હશે. પણ આ વખતે તેઓ એમની સામે છે કે રાજકારણમાં જેમની આંગળી પકડીને વાયા આંદોલન સંસદ અને વિધાનસભા સુધી પહોંચી શક્યા… તેઓ નંદીગ્રામ બેઠક જે લોકસભા મતવિસ્તારમાં આવે છે તે તમલુક બેઠક પરથી 2014માં ટીએમસીમાંથી જ જીત્યા હતા. 2016માં દીદીએ તેમને દિલ્હીને બદલે બંગાળમાં જ રાખવા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપીને લોકસભાની બેઠક શુવેન્દુના પિતા શિશિરને આપી. શુવેન્દુના એક ભાઇ ટીએમસીના ધારાસભ્ય હતા. એક ભાઇ સ્થાનિક પાલિકામાં પ્રમુખ છે. જો કે સમગ્ર અધિકારી પરિવાર હવે ટીએમસી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે. દીદીએ અધિકારી પરિવાર અંગે એમ કહ્યું કે તેઓ પોતે “ગધેડા જેવી” છે કે આ પરિવારને ઓળખી ના શકી અને આખા પરિવારે પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો છે.

બંગાળમાં દીદી માટે અને ત્યાંના રાજકારણ માટે પાટલીબદલુ અભિગમ નવો હશે. પણ ગુજરાતમાં માટે નવો નથી. 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસના એક પછી એક 14 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને કેસરી ખેસ ધારણ કર્યો તો તાજેતરમાં પણ રાજ્યસભાની ચૂંટણી પહેલા 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા. પરંતુ ગુજરાત અને બંગળ તથા કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે તફાવત છે. કોંગ્રેસ નરમ અને ટીએમસી ગરમ છે. રાજકિય નિરીક્ષકો માને છે કે શુવેન્દને હરાવવા દીદી પોતાની તમામ તાકાત લગાવશે. શુવેન્દુને હરાવીને દીદી ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીને પણ મેસેજ આપવા માંગતી હશે કે બંગાળ એ બંગાળ છે અને બંગાળમાં દિલ્હીનું શાસન નહીં ચાલવા દઉં..!!

મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી પર કેવા આકરા પ્રહાર કર્યા- હું તેમનો ચહેરો જોવા પણ ઈચ્છતી નથી., અમે પ્રદેશમાં (બંગાળમાં) રમખાણો, લૂંટ, દુર્યોધન, દુશાસન અને મીર જાફરને ઈચ્છતા નથી. ભાજપને બંગાળમાંથી વિદાઈ લેવી પડશે…!

તેમના આ આકરાં પ્રહારના જવાબમાં મોદી વતી સુવેન્દુ અધિકારીએ કહ્યું- મોદી ચૂંટાઈ આવેલા વડાપ્રધાન છે. તમારે કોરોના વિરુદ્ધ મોદીની વેક્સીન લેવી જ પડશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ પાસે કોરોનાની વેક્સીન નથી. દીદી, તમારે વડાપ્રધાન મોદીની વેક્સીન લેવી પડશે. નરેન્દ્ર મોદી ચૂંટાયેલા વડાપ્રધાન છે. તેમના વિરુદ્ધ બોલવું એટલે લોકતંત્ર વિરુદ્ધ બોલવું. તેમના વિરુદ્ધ બોલવું એટલે ભારત માતા વિરુદ્ધ બોલવું..!!.

પહેલા તબક્કામાં હિંસાની ઘટનાઓને જોતાં અને નંદીગ્રામમાં મુખ્યમંત્રીની ઉમેદવારી, સામસામે રાજકિય પ્રહારો વગેરે.ને જોતાં ચૂંટણી પંચ માટે સમગ્ર બંગાળની 294 બેઠકો માટે કુલ 1 લાખ કરતાં વધારે મતદાન મથકો છે. કોરોનાને કારણે એક બુથમાં સરેરાશ 1 હજાર મતદારો છે. અને કેન્દ્રીય દળોના 1 લાખ જવાનોને સમગ્ર બંગાળમાં તૈનાત કરવામાં આવ્યાં છે. તમામ મતદાન મથકોમાં કેન્દ્રીય દળોની ટુકડીઓ હોવાથી નંદીગ્રામમાં પણ અંદાજે 270 મતદાન મથકો પર ભારેમાં ભારે બંદોબસ્ત હશે. એક-એક બુથ પર મતદાનના દિવસે ભારેલા અગ્નિ સમાન માહૌલ જોવા મળે તો નવાઇ નહીં.

નંદીગ્રામમાં ટીએમસી અને ભાજપ કરતાં ગુરૂ અને ચેલા વચ્ચેની રાજકિય લડાઇ વધારે છે, એમ જો કહીએ તો તે યોગ્ય ગણાશે. કહેવાય છે કે ગુરૂ પોતાના ચેલાને બધુ જ શિખવાડતા હોતા નથી. એક-બે વિદ્યા પોતાની પાસે રાખે છે. શુવેન્દુને જો દીદીએ બધુ જ શિખવાડ્યુ હશે તો ચેલો ગુરૂ કરતાં સવાયો નિકળી શકે. પહેલી એપ્રિલે, નંદીગ્રામના 2.70 લાખ જેટલા મતદારો કોને એપ્રિલ ફુલ બનાવશે- ગુરૂ મમતાદીદીને કે તેમના ચેલા શુવેન્દુ અધિકારીને..? તેના પરિણામ માટે 31 દિવસ -744 કલાક સુધી રાહ જોવી પડશે..! પરિણામના દિવસે સવારથી જ સૌ કોઇ એમ જ પૂછશે- દીદી કા ક્યા હુવા..? ખેલા હોબે કે વિકાસ હોબે..?!

-દિનેશ રાજપૂત

 72 ,  1