તમામ તાકાત છતાં બંગાળમાં ભાજપ કેમ હાર્યું-આ રહ્યાં પાંચ પરિબળો…

હરે કૃષ્ણ હરે હરે..ની સામે જય શ્રીરામ દબાઇ ગયું – શાંત મતદારોએ ખેલ પાડ્યો..?

પાંચ રાજ્યોની ચૂંટણીમાં સૌથી વધારે રાજકિય મૂલ્યાંકન બંગાળનું થઇ રહ્યું છે. અને એનુ કારણ પણ છે કે ભાજપે બંગાળ સર કરવા માટે કોઇ રાજ્યમાં ના લગાવી હોય એવી તમામ તાકાત અને જોર લગાવ્યું તેમ છતાં તે 100 સુધી ના પહોંચી શક્યુ અને મમતાદીદીને 2016 કરતાં પાંચ બેઠકો વધારે 216 બેઠકો મળી છે. બંગાળમાં ભાજપની હારના કારણો અને તારણો રાજકિય નીરીક્ષકોના મતે કંઇક આ પ્રમાણે બહાર આવ્યાં છે….

જય શ્રીરામ અયોધ્યાથી બહાર ન આવ્યાં..

ચૂંટણીનો માહોલ બનાવવા માટે ભાજપ સતત દીદી અને ટીએમસી પર મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાના આરોપ લગાવી રહ્યો હતો. ભાજપે પોતાની દરેક રેલીમાં અને દરેક સભામાં જય શ્રીરામના નારા લગાવી દીદીને ટાર્ગેટ બનાવી તેમના પર આરોપ લગાવતી રહી. મમતા બેનર્જીએ પણ તેનો પોતાના અંદાજમાં જવાબ આપ્યો. સોફ્ટ હિન્દુત્વ અપનાવતા તેમણે મંચ પર જ ચંડી પાઠ કર્યો, પછી પોતાનું ગોત્ર જણાવ્યું અને હરે કૃષ્ણ હરે હરેનો નારો પણ આપ્યો. એવું મનાતું હતું કે ભાજપ હિન્દુઓના વોટ મેળવવા માટે આ દાવ રમી રહ્યો છે, પરંતુ મમતાએ આ દાવનો એવો જવાબ આપ્યો કે ભાજપની ગણતરી ઉંધી પડી ગઈ.

ભાજપ જીતે તો સીએમ કોણ..? જવાબ….?.

ભાજપે આ ચૂંટણી જીતવા પોતાની તમામ તાકાત લગાડી દીધી હતી. જોકે, મમતાને સીધી ટક્કર આપી શકે તેવો કોઈ સીએમ ફેસ ભાજપ પાસે નહોતો. એક સમયે એવી ચર્ચા હતી કે સૌરવ ગાંગુલીને ભાજપ મમતા સામે મેદાનમાં ઉતારશે, પરંતુ તેમ થઈ ના શક્યું. જે પણ રાજ્યોમાં ભાજપની સ્થિતિ મજબૂત છે, ત્યાં તેણે ભાગ્યે જ સીએમ ફેસ વિના ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જોકે, બંગાળ જેવા હાઈપ્રોફાઈલ જંગમાં જ ભાજપને સીએમ ફેસ વિના લડવું ભારે પડી ગયું, અને પક્ષના સ્ટાર કેમ્પેઈનર નરેન્દ્ર મોદી પણ ભાજપને સત્તા ના અપાવી શક્યા.

ટીએમસીમાં તોડફોડ કર્યું પણ ના ફાવ્યાં..

2019ની લોકસભા ચૂંટણીમાં 19 બેઠકો જીત્યા બાદ ભાજપ માટે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી સૌથી મોટી લડાઈ હતી, જેને લડવા માટે તેને જમીન સાથે જોડાયેલા અને જાણીતા ચહેરાની જરૂર હતી. આ કમી પૂરી કરવા માટે ભાજપે મોટી સંખ્યામાં ટીએમસીના નેતાઓને તોડ્યા, અને તેમને ભાજપમાં સામેલ કરી દીધા. જેમાં દીદીના સૌથી ખાસ અને નજીકના ગણાતા નેતાઓ પણ સામેલ હતા. જેમાં સુવેન્દુ અધિકારી અને મુકુલ રોયનો પણ સમાવેશ થાય છે. જોકે, ટીએમસીએ આ જ મુદ્દો ઉઠાવીને ભાજપ પર પ્રહાર કર્યા. પોતાના પક્ષપલ્ટુ નેતાઓને દીદીએ દગાબાજ ગણાવ્યા. તેમણે આ તમામ નેતાઓને એવી રીતે જાહેરમાં ચીતર્યા કે તેઓ પોતે અપ્રામાણિક હતા અને એટલે જ તેમણે દીદીને દગો આપ્યો. રાજકીય પંડિતોનું માનીએ તો મમતાના આ દાવનો તેમન ખૂબ મોટો ફાયદો મળ્યો.

સ્થાનિક કાર્યકરોની નારાજગી…

ગમે તે ભોગે ચૂંટણી જીતવા માટે ભાજપે બહારના નેતાઓને એટલી મોટી સંખ્યામાં પક્ષમાં સામેલ કરી દીધા કે તેનાથી વર્ષોથી પક્ષ માટે કામ કરનારા સ્થાનિક નેતાઓ જ હાંસિયામાં ધકેલાઈ ગયા. જેના કારણે તેઓ નારાજ થઈ ગયા, અને આ નારાજગી ભાજપને નડી ગઈ. ત્યાં સુધી કે ટિકિટ વહેંચણીમાં પણ બંગાળ ભાજપ યુનિટમાં અસંતોષ ભડકી ઉઠ્યો, અને ઘણી જગ્યાએ તો પક્ષના કાર્યાલયમાં તોડફોડ પણ થઈ. ટીએમસી છોડીને ભાજપમાં આવેલા મુકુલ રોય અને દિલિપ ઘોષ વચ્ચેનું કોલ્ડ વોર તો જાહેરમાં પણ જોઈ શકાય તેટલું સ્પષ્ટ હતું. વિધાનસભા ચૂંટણીમાં મુકુલ રોયને ટિકિટ આપવા પર દિલિપ ઘોષના સમર્થકો પણ ખૂબ જ નારાજ હતા.

મૂંગા મતદારોએ મંતરી નાંખ્યા…

પોતાની પસંદગી વિશે ખુલીને કશુંય ના બોલનારા સાયલન્ટ વોટર્સે બંગાળમાં ભાજપની બધી ગણતરી ઉંધી પાડી દીધી. બિહાર ચૂંટણી બાદ મોદીએ દેશની મહિલાઓને ભાજપની સાયલન્ટ વોટર ગણાવી હતી, અને તેમનો વિશેષરૂપે આભાર પણ વ્યક્ત કર્યો હતો. જોકે, બંગાળમાં ભાજપને આ વોટબેંકનો સાથ ના મળ્યો. એવું પણ મનાય છે કે, મોદી દ્વારા રેલીઓમાં વારંવાર ‘દીદી ઓ દીદી…’ કહીને મમતાને ટાર્ગેટ કરવું મહિલાઓને પસંદ ના પડ્યું. ટીએમસીએ પણ આ મુદ્દાને જોરદાર રીતે ઉઠાવ્યો હતો. બીજું કારણ મમતાનું નંદીગ્રામમાં ઘાયલ થવાનું પણ હતું. નિરીક્ષકોનું માનીએ તો તે ઘટના બાદ મમતા બેનર્જી સહાનુભૂતિ ઉભી કરવામાં સફળ રહ્યા અને મહિલાઓએ દીદીની તરફેણમાં ખુલીને વોટિંગ કર્યું. આ પાંચ કારણોની ચર્ચા થઇ રહી છે.

 66 ,  1