નિર્મલાની વિદાય શા માટે ન થઇ! શેરબજારે તો ઉજવણી પણ કરી લીધી હતી

કોરોનાના છેલ્લા દોઢ થી બે વર્ષમાં નાણા મંત્રાલયની કામગીરી અંગે સતત પ્રશ્ન હતા 

મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું જેમાં 43 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં 24 નવા ચહેરાઓ છે. તેમાં 13 વકીલ, 6 ડોક્ટર, પાંચ એન્જિનિયર, સહિત સાત પૂર્વ અધિકારી છે. જ્યારે સાત મંત્રીઓને પ્રમોટ કરવામાં આવ્યા છે. કેબિનેટ વિસ્તરણ અગાઉ 12 મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું.

કેબિનેટ વિતરણમાં સૌની નજર નાણા મંત્રાલયમાં કોઇ ફેરફાર થાય છે કે કેમ? તેના પર હતી અને બપોરે કેબીનેટમાંથી એક બાદ એક ધરખમ મંત્રીઓના રાજીનામા પડવા લાગતા એક તબક્કે નાણામંત્રી નિર્મલા સિતારમણના ભાવી અંગે પ્રશ્નો લાગી ગયા હતા અને ખાસ કરીને સીતારમણનું પણ રાજીનામુ આવી રહ્યુ છે તેવા સંકેતથી શેરબજારમાં આખરી ઘડીએ 200 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો અને નવા નાણામંત્રીને આવકારવા અને ખાસ કરીને પિયુષ ગોયલ આ વિભાગ સંભાળશે તેવી લાંબા સમયથી ચાલી રહેલી અટકળો સાચી પડી રહી છે તેવુ માર્કેટમાં વાતાવરણ હતું.

પરંતુ નિર્મલા સિતારમણ કેબીનેટમાં યથાવત રહ્યા અને નાણામંત્રી પણ રહ્યા તેનાથી આજે સવારે શેરબજારમાં ઓપનીંગ પણ ઢીલુ રહ્યુ. માર્કેટમાં એ અફસોસ વ્યાપી ગયો કે કોરોનાના છેલ્લા દોઢ થી બે વર્ષમાં નાણા મંત્રાલયની કામગીરી અંગે સતત પ્રશ્ન હતા અને વડાપ્રધાન ખાસ કરીને આરોગ્ય જેવા મંત્રાલયમાં ધરખમ ફેરફાર કરી શકતા હોય તો નાણામંત્રાલયમાં પણ જવાબદારી નક્કી કરશે તેવુ જણાતું હતું.

પરંતુ તેમ ન કરતાં માર્કેટને આંચકો લાગ્યો હતો. જો કે ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ જયારે સરકાર તેની ઇમેજ માટે વધુ ચિંતાતુર છે અને તેથી જ આરોગ્ય મંત્રાલય ડો.હર્ષવર્ધન પાસેથી આંચકી લેવાયુ એટલુ જ નહી તેમને કેબીનેટમાં પણ ન રખાયા ઉપરાંત બે વધુ સિનિયર મંત્રીઓના પણ પત્તા કપાયા પછી નાણામંત્રાલયમાં ફેરફાર કરીને સરકાર ની-જર્ક આપવામાં માંગતી ન હતી. એટલે સરકાર પોતાની આરોગ્યની નિષ્ફળતા સ્વીકાર્યા બાદ નાણા વિભાગની પણ નિષ્ફળતા સ્વીકારે તો મોટો અને ખોટો સંદેશ જઇ શકતો હતો તેથી જ નિર્મલા સિતારમણ સલામત રહ્યા તેવુ માર્કેટ વર્તુળોએ અનુમાન કાઢયુ છે.

સરકારે આ ઉપરાંત નાણા મંત્રાલયની સાથે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને જોડી દીધુ છે જેનો સ્પષ્ટ સંદેશ છે કે અત્યાર સુધી ડીસઇન્વેસ્ટમેન્ટ મંત્રાલય અલગ હતું અને તેના મંત્રી અલગ હતા તેના બદલે હવે ડીસઇન્વેસ્ટમેન્ટ બાબતે નાણામંત્રાલય જ નિર્ણય લેશે. સરકારને આગામી સમયમાં ડીસઇન્વેસ્ટમેન્ટમાં મોટો ટાર્ગેટ છે અને તે પાર પાડવા માટે નાણામંત્રાલય પોતાની રીતે આગળ વધે તે જરૂરી હોવાનું માની લીધુ છે.

મોદી સરકારે સાત વર્ષમાં સૌથી યંગ અને શિક્ષિત ટીમ તૈયાર કરી છે. નવા મંત્રીમંડળમાં 13 વકીલ, 6 ડોક્ટર અને પાંચ એન્જિનિયર છે. જ્યારે સાત પૂર્વ સિવિલ સર્વન્ટ છે. એટલે કે 43 શપથ લેનારાઓમાં 31 શિક્ષિત મિનિસ્ટર છે. મોદીની નવી ટીમના મંત્રીઓની સરેરાશ ઉંમર 58 વર્ષ છે. 14 મંત્રી એવા છે જે 50 વર્ષથી ઓછી ઉંમરના છે. જ્યારે 11 મહિલા સાંસદ છે.

આ કેબિનેટમાં 12 અનુસુચિત જાતિના મંત્રીઓ સામેલ કરાયા છએ જેમાં બે નેતાને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. મંત્રીપરિષદના આઠ સભ્યો અનુસુચિત જનજાતિના છે જેમાંથી ત્રણ કેબિનેટમાં છે. કેબિનેટ વિસ્તરણ બાદ મોદી સરકારમાં 27 ઓબીસી નેતા હશે જેમાંથી પાંચ કેબિનેટ મંત્રી છે.

 35 ,  1