લાગે છે સિદ્ધુ કંઇક નવાજુની કરીને જ રહેશે…!

કેપ્ટન અને પૂર્વ ક્રિકેટર વચ્ચેની અણબનાવ રૂપી મેચ થમતી નથી..

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જેમણે પક્ષ છોડીને જવું હોય તે જઇ શકે છે તેમ કહીને પક્ષમાં રહેલા અસંતુષ્ટો માટે દરવાજા ખોલી નાખ્યા છે. પંજાબમાં કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુ પક્ષમાંથી જવું જવું કરે છે. પરંતુ જતા નથી અને પંજાબમાં સીએમ અમરિંદરને તેઓ ગમતા નથી.

નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાને લઈ પાર્ટી હજુ પત્તા નથી ખોલી રહી. તે પહેલા જ લુધિયાણા ખાતે નવજોત સિંહ સિદ્ધુના ઘરે ઉજવણીનો માહોલ છે. સિદ્ધુના સમર્થકો મીઠાઈઓ વહેંચી રહ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે. જોકે હજુ સુધી સિદ્ધુને લઈ કોઈ જાહેરાત નથી કરવામાં આવી.

આ બધા વચ્ચે સિદ્ધુને શુભેચ્છા આપતા પોસ્ટર્સ પણ લગાવી દેવાયા છે. જોકે તેમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની તસવીર ગાયબ છે. ચંદીગઢ ખાતે કોંગ્રેસ કાર્યાલયની બહાર પણ સિદ્ધુના સમર્થકો ઉજવણી માટે પહોંચી ગયા છે અને ત્યાં ઢોલ નગારા સાથે જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

પંજાબ, યુપી સહિત અનેક રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. યુપીમાં એક તરફ પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓ કરવામાં લાગેલી છે તો પંજાબમાં કોંગ્રેસની ખેંચતાણ ખતમ થવાનું નામ જ નથી લઈ રહી. નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે ચેક અને મેટનો ખેલ ચાલી રહ્યો છે. મીટિંગોનો દોર ફરી ચાલુ થઈ ગયો છે અને સુલેહના તમામ ફોર્મ્યુલા ફેલ થતા જણાઈ રહ્યા છે.

3 દિવસ પહેલા કોંગ્રેસી નેતા હરીશ રાવતે પંજાબમાંથી સારા સમાચાર મળશે તેમ જણાવ્યું હતું અને તેમણે સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાના સંકેત આપ્યા હતા. આ સંકેત મળતા જ કેપ્ટન અમરિંદર સિંહના સમર્થકો ભડક્યા હતા અને બાદમાં હરીશ રાવત અને સોનિયા ગાંધીની મુલાકાત થઈ હતી. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષને મળ્યા બાદ હરીશ રાવતે ફરી એક વખત યુ ટર્ન લીધો હતો.

 16 ,  1