September 18, 2021
September 18, 2021

માત્ર અંબાણી-અદાણીનો જ વિરોધ કેમ..? દયા, કુછ તો ગરબડ હૈ..!

અદાણી તો નવા છે પણ અંબાણી, તમે તો કર્મઠ પંજનિષ્ઠ..છતાં..?

પંજનિષ્ઠ અંબાણીના 1500 ટાવરોને નુકશાન..!

મુંબઇ એરપોર્ટ પર “અદાણી”ના નામનો ખુડદો..!

શિવસેનાએ અદાણીની આબરૂના લીરેલીરા કરી નાંખ્યા…!

સૌને બરાબરીના “હિસ્સા”ની નીતિમાં કંઇક ખોટ લાગે છે..?

એક મિડિયા રિપોર્ટ અને શેર બજારમાં અદાણી..ધડામ..!

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

હુરૂન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ અનુસાર, ગરીબ ભારત દેશમાં 3 હજાર પરિવારો એવા છે કે જેમની પાસે એક હજાર કરોડ કરતાં વધારેની સંપત્તિ છે. અબજોપતિની સંખ્યા લગભગ 140 છે. દેખીતી રીતે જ તેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે અને તેમાં વળી બે નામો તો આઝાદી કાળ પછી લોકોના મોઢે હતા અને મેણાં-ટોણાં મારવા માટે એમ કહેતા- તું તે કાંઇ મોટો ટાટા-બિરલા છે….! હવે ટાટા-બિરલાને બદલે અંબાણી-અદાણીના નામો જાણીતાં બન્યા છે. અદાણીનું નામ કેટલાક વર્ષો પહેલાં સૌથી ધનિકોની યાદીમાં નહોતું. પણ પછી કાદવમાં કમળ ખીલે તેમ અદાણી મુંદ્રાથી ખીલ્યા અને આજે દેશનું સૌથી વધુ ધમધમતુ મુંબઇ એરપોર્ટ તેમણે ચલાવવા માટે લીધુ છે. મુંબઇ ઉપરાંત અમદાવાદ સહિત 6 એરપોર્ટ અદાણીએ ચલાવવા માટે માંગ્યા અને માંગણી મંજૂર કરવામાં આવી.

અમદાવાદ એરપોર્ટનો હવાલો અદાણીને સોંપાયો ત્યારે તેમણે પ્રવેશ દ્વારે લખ્યું-અદાણી એરપોર્ટ તમારૂ સ્વાગત કરે છે. એ હોર્ડિગ વાઇરલ થતાં વિરોધ થયો. કેમ કે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ચોપડે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથક તરીકે નોંધાયેલુ છે. શું સરદાર પટેલસાહેબનું નામ ભૂંસાઇ ગયું…? અરે ના ..ના.. એવુ કાંઇ નથી. સરદારસાહેબનું નામ તો છે જ આ તો ખાલી….અને વિરોધ શાંત પડી ગયો,. પરંતુ મુંબઇમાં જીવીકે કંપની પાસેથી અદાણીએ એરપોર્ટ હસ્તગત કર્યુ અને એરપોર્ટની બહાર અદાણી એરપોર્ટ…..એવું સરસ મજાનું ડેકોરેટીવ રંગીન સાઇન બોર્ડ બગીચામાં મૂક્યું અને હુડ હુડ કરતાં શિવસૈનિકોએ ખુડદો બોલાવી દીધો….! અદાણી એરપોર્ટ બોર્ડના સ્થાને ભગવો લહેરાય છે.

મુંબઇ એરપોર્ટનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામે છે. અને તેના બદલે અદાણી એરપોર્ટના નામનું બોર્ડ મૂકે તો શિવસેના છોડે..? શિવાજીના નામે મહારાષ્ટ્રમાં આજે પણ હજારો ખપી જવા તૈયાર હોય અને તેમાં વળી લોકોની અને કેટલાક રાજકારણીઓની નજરે ચઢેલા અંબાણી-અદાણી પૈકીના એક અદાણી પોતાનું નામ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટની બહાર લખે તો શિવસૈનિકો તે જોઇને ના ભડકે તો જ નવાઇ લાગે…! અમદાવાદ એરપોર્ટના નામકરણ અંગે તો ગુજરાતે અદાણીની શરમ રાખી પણ શિવાજી મહારાજના અને બાલાસાહેબ ઠાકરેના પરમ શિવસૈનિકોએ અદાણીની આબરૂના લીરેલીરા કરી નાંખ્યા…! અદાણી મૌન….? ફટાફટ પ્રતિભાવ ( ફટાફટ જ પ્રતિભાવ આપવો પડે ને નહીંતર વધુ તોડફોડ…? )- નહીં..નહીં, ઐસા કુછ ભી નહીં હે રે…છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ કે નામ મેં કોઇ બદલાવ નહીં રે બાબા…કોઇ બદલાવ નહીં હૈ….!શિવમ શરણમ ગચ્છામિ…? થવુ જ પડે ને મુંબઇમાં એરપોર્ટ ચલાવવાનો છે..!

અમદાવાદ…સોરી અદાણી એરપોર્ટ પર ભલે અદાણીની મરજી ચાલશે પણ મુંબઇમાં….? ભાસ્કર ગ્રુપમાં વાચકોની મરજી ચાલે પણ મુંબઇમાં તો અદાણી માટે….? .શિવ મરજી…! કારણ કે છત્રપતિ શિવાજી મહારાજના નામની સાથે કોઇ છેડ કે છાડ નકો. અમદાવાદમાં સોશ્યલ મિડિયામાં સોફ્ટ સોફ્ટ વિરોધ થયો પણ મુંબઇમાં ફીજીકલી હાર્ડ હાર્ડ વિરોધ અદાણીની સામે જોવા મળ્યો એના કરતાં વધારે વિરોધ પંજાબમાં કિસાન આંદોલનની શરૂઆતના બે-ત્રણ મહિને જોવા મળ્યો. જેમાં અંબાણીની માલિકીની જિઓ કંપનીના 100-200 બસો નહીં 1500 જેટલા મોબાઇલ ટાવરોને ભારે નુકશાન પહોંચાડીને જિઓના બહિષ્કારની હાકલ કરવામાં આવી હતી.

પંજાબમાં અંબાણીનો વિરોધ અને મહારાષ્ટ્રમાં અદાણીના નામનો વિરોધ તો સવાલ તો બનતા હૈ કી ભારતમાં આટલા બધા ઉદ્યોગપતિઓમાંથી માત્ર બે જ અ.અને અ.નો વિરોધ શા માટે.? અંબાણીના પંજા સાથે વર્ષો જુના સંબંધો છતાં ક્યારેય આવો વિરોધ જોવા મળ્યો નહોતો. ગુજરાતમાં જામનગરમાં રિફાઇનરી નાંખી છતાં ગુજરાતે કોઇ વિરોધ ના કર્યો અને આજે અંબાણી પરિવાર મોટા ભાગે જામનગરમાં જ રહેતા હોય તો પણ કોઇને વાંધો શું કામ હોવો જોઇએ…? એમનું ઘર છે રહી શકે. પંજાબમાં પંજાની સરકારમાં 1500 મોબાઇલ ટાવરોનો ખુડદો બોલાવી દે છતાં પંજાની સરકાર મૌન રહે તો મુકેશ અંબાણીએ સમજી લેવુ જોઇએ કે પિતા ધીરૂભાઇ અંબાણીની સૌનો સાથ સૌનો વિકાસ…ની સૌને બરાબરીના “હિસ્સા”ની નીતિમાં તેઓ ક્યાંક થાપ તો ખાઇ રહ્યાં નથી ને..?!

ગરવી ગુજરાતના શિરમોર સમાન અંબાણી અને અદાણીની નેટવર્થ જોઇએ તો મુકેશ અંબાણીની નેટવર્થ 88.9 બિલિયન ડોલર અને ગૌતમ અંદાણીની નેટવર્થ 75.3 બિલિયન ડોલર હોવાનું મનાય છે. તેમની કંપનીઓ સામેની કોઇપણ કાર્યવાહીના પગલે તેમને હજારો કરોડનું નુકશાન સહન કરવુ પડે છે તે હમણાં જ અદાણીને કડવો અનુભવ થયો છે. તેમના ઉપર લાખો શેરધારકોનો આધાર અને ભરોસો છે.અદાણીનો નવા નવા છે પણ અંબાણી તો જુના કસાયેલા પંજનિષ્ઠ કર્મઠ ખેલાડી છે છતાં તેમનો અને અદાણીનો વિરોધ તેમના માટે અને તેમની વિવિધ કંપનીઓના લાખો નાના રોકાણકારોના હિતમાં માટે યોગ્ય તો નથી જ..! ધૂંઆ ઉઠ રહા હૈ તો યકીનન કહી ન કહીં આગ સુલગ રહી હૈ…! વિરોધરૂપી એ આગ પર “મીઠા” સંબંધોના જળનો “અભિષેક” થાય તો ઠાકરે ભી ખુશ…પંજા ભી ખુશ…અને બીજા બધા તો ખુશખુશાલ છે જ…!

 65 ,  1