પતિના ત્રાસથી પત્નીનો શાહઆલમ વિસ્તારમાં આપઘાત

દાણીલીમડા પોલીસે પતિ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

‘પિયરથી પરત આવે ત્યારે પૈસા લેતી આવજે, નહીં તો ત્યાં જ મરી જજે,’

‘પિયરથી પરત આવે ત્યારે પૈસા લેતી આવજે, નહીં તો ત્યાં જ મરી જજે,’ કહી પતિએ ત્રાસ આપતો હતો. જેથી શાહઆલમ વિસ્તારમાં રહેતી પરિણીતાએ અનાજમાં નાખવાની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર મામલે મૃતકના પિતાએ તેના જમાઈ વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

શહેરના ભદ્ર વિસ્તારમાં ખાસ બજાર ખાતે રહેતા શોકતખાન મોહંમદખાન પઠાણે દાણીલીમડા પોલીસ મથકમાં જમાઇ એઝાઝખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેમની મોટી દીકરી ગઝાલાબાનુના લગ્ન 10 વર્ષ પહેલા એઝાઝખાન ગુલબાઝખાન પઠાણ સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. તેના લગ્નજીવન દરમિયાન સંતાનમાં બે બાળકો થયા હતા. લગ્ન બાદ વાર-તહેવારે પિયરમાં આવતી ગઝાલાબાનુ તેની માતાને કહેતી હતી કે તેને તેના પતિ દ્વારા નાની નાની બાબતોમાં મ્હેણા-ટોંણા મારી પરેશાન કરવામાં આવે છે. ‘તારા માતાપિતાએ તને કોઈ કામ શીખવ્યું નથી,’ તેવા ટોંણા મારી માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી.ગઈ તારીખ 25 જાન્યુઆરીના રોજ બપોરે ગઝાલાબાનુ તેમના પિતાના ઘરે આવી હતી અને કહ્યું હતું કે તેના પતિ તેને હેરાન કરે છે. તેઓ કહે છે કે, ‘મારે ધંધો કરવો છે. તું તારા પિતાના ઘરેથી પરત આવે ત્યારે પૈસા લેતી આવજે અને જો રૂપિયા લાવવા ન હોય તો ત્યાં જ મરી જજે.’ આમ કહી પૈસા માટે દબાણ કર્યું હોવાની વાત કરી હતી. જેથી તેના પિતાએ તેનો ઘર સંસાર બગડે નહીં તે માટે સમજાવીને સાસરીમાં મોકલી આપી હતી.

દરમિયાન ગત 27 જાન્યુઆરીના રોજ ગઝાલાબાનુએ તેની સાસરીમાં અનાજમાં નાખવાની ગોળીઓ ખાઇ લીધી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું. જેથી તેના પિતાએ જમાઈ એઝાઝખાન વિરુદ્દ દુષ્પ્રેરણાની ફરિયાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 20 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર