ગુજરાતમાં કોંગ્રેસ OBC કાર્ડ ખેલશે?

નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા સહિતના સંગઠનનું માળખું લગભગ તૈયાર

ગુજરાત કોંગ્રેસ લાંબા સમયથી પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષ નેતાની પસંદગી માટે હાઈકમાન્ડ સુધી રજૂઆતો પહોંચાડી રહી છે. જો કે, આઠ મહિના બાદ ગુજરાત કોંગ્રેસનો કેસ હાઈકમાન્ડે હાથમાં લીધો છે. રાજ્યમાં નવા પ્રમુખ અને વિપક્ષ નેતા સહિત સંગઠનનું નવું માળખું લગભગ તૈયાર કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. રાજ્યમાં જાતિકરણ સમીકરણનો સાચવવા માટે થઈ કોંગ્રેસ OBC કાર્ડ ખેલશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

પ્રદેશ પ્રમુખ તરીકે OBC નેતાની પસંદગી કરવામાં આવી શકે છે. જ્યારે વિપક્ષ નેતા તરીકે પાટીદાર ચહેરાને પસંદ કરવામાં આવી શકે છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. જ્યારે વિપક્ષ નેતાના પદ માટે વિરજી ઠુમ્મર, પુંજા વંશ, શૈલેષ પરમાર સહિતના નેતાઓના નામ ચાલી રહ્યાં છે. પરંતુ કોઈ પાટીદાર નેતાને જ વિપક્ષ પદ સોંપવામાં આવે તેવી શક્યતાઓ વધારે છે. ભાજપે પાટીદાર મુખ્યમંત્રી બનાવતા કોંગ્રેસ વિપક્ષ નેતાના પદ પર પાટીદાર નેતા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી.

પાટીદાર સમાજ દ્વારા એક કાર્યક્રમમાં રાજ્યનો મુખ્યમંત્રી પાટીદારો હોવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. ત્યારબાદથી નવા મુખ્યમંત્રી પાટીદાર બનશે તે નક્કી માનવામાં આવી રહ્યું હતું. પરંતુ પાટીદારો કોની તરફેણમાં જશે તે અંદાજ લગાવવો મુશ્કેલ હતો અને ભાજપે આ તકનો લાભ ઉઠાવી પાટીદારોને રાજી રાખવા માટે પાટીદાર મુખ્યમંત્રી બનાવી દીધા.

હવે કોંગ્રેસ માટે ભાજપ સામે લડવા માટે રાજ્યના સૌથી મોટા OBC સમાજના નેતાને કોંગ્રેસ પ્રમુખ બનાવવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. સિનિયર નેતા જગદીશ ઠાકોર આ પદ માટે નક્કી માનવામાં આવી રહ્યાં છે. ઠાકોર સમાજ સહિત અન્ય સમાજોમાં પણ જગદીશ ઠાકોરની સારી પકડ છે. ધારદાર વક્તા હોવાને કારણે તેઓ લોકો વચ્ચે પોતાનો પ્રભાવ ઉભો કરી શકે છે.

રાજ્યમાં ઠાકોર સમાજ સૌથી મોટો સમાજ છે. ઠાકોર સમાજ મોટે ભાગે કોંગ્રેસ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે જગદીશ ઠાકોરના પ્રમુખ બનવાથી કોંગ્રેસ મહંદઅંશે ભાજપના પાટીદાર ફેક્ટરને ખાળવામાં સફળ સાબિત થઈ શકે છે. બીજી તરફ પાટીદાર મુખ્યમંત્રી બનાવતા OBC સમાજ અંદરખાને ભાજપથી નારાજ છે. કેટલાક સવર્ણ સમાજો પણ ભાજપની નીતિથી નારાજ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ આ નારાજગીનો ફાયદો ભાજપ સામે ચૂંટણીઓમાં ઉઠાવી શકે છે. પ્રદેશ પ્રમુખ ઉપરાંત 4 કાર્યકારી અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવશે. જેમાં એક પાટીદાર હાર્દિક પટેલ, એક દલિત, એક આદિવાસી અને એક કોળી નેતાની નિમણૂંક કરવામાં આવશે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી