T-20 World Cupની ટ્રોફી ભારત જીતશે કે પછી પાકિસ્તાન?

જાણો પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટને શું આપ્યું નિવેદન

ટી 20 વર્લ્ડ કપમાં રવિવારે એટલે કે, 24 ઓકટોબરે ભારત-પાકિસ્તાન આમને-સામને પ્રથમ મેચમાં ટકરાશે જેને પગલે બંને દેશોના ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે ભારતને ટી 20 વર્લ્ડ કપ જીતવા માટે મજબૂત દાવેદાર ગણાવ્યો છે. ઈન્ઝમામ માને છે કે યુએઈની પરિસ્થિતિઓ ઉપખંડ જેવી જ છે, તેથી વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમની તકો વધારે છે. મહત્વનું છે કે, ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન આજ સુધી ભારતને હરાવી શક્યુ નથી. ટી-20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારતનો જીતનો રેકોર્ડ 5-0નો છે.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી બંને દેશોની વચ્ચે ફરી એક વખત રોમાંચક મુકાબલો જોવા મળશે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે આ મહામુકાબલા પહેલાં મોટું નિવેદન આપતા કહ્યું છે કે ટી-20 વર્લ્ડ કપ ભારતીય ટીમ જીતે તેવા ચાન્સ વધારે છે. પોતાની યુ-ટ્યુબ ચેનલ પર વાત કરતા ઈન્ઝમામ ઉલ હકે કહ્યું, કોઈ પણ ટુર્નામેન્ટમાં એવુ ના કહી શકાય કે આ ટીમ ચેમ્પિયન બનશે. પરંતુ એવુ જોઈ શકાય કે કઈ ટીમના જીતવાના ચાન્સ વધારે છે. મારા મંતવ્ય મુજબ આ ટુર્નામેન્ટમાં બાકી ટીમોની તુલનાએ ભારતીય ટીમ જીતશે તેવી આશા વધારે છે.

ઈન્ઝમામે કહ્યું, ભારતની પાસે ટી-20 ફોર્મેટના અનુભવી ખેલાડી છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની વોર્મઅપ મેચમાં સરળતાની સાથે જીત પ્રાપ્ત કરી છે. આ પ્રકારની પિચ પર ભારતીય ટીમ દુનિયાની સૌથી ખતરનાક ટીમ છે. આજે પણ જોઈએ તો ભારતીય ટીમે 155 રનના લક્ષ્યનો પીછો સરળતાથી કર્યો અને તેમને વિરાટ કોહલીની જરૂર પણ પડી નથી. 24 ઓક્ટોબરની ભારત-પાકિસ્તાન મેચ પર ઈન્ઝમામે કહ્યું, ભારત અને પાકિસ્તાનની મેચ ફાઈનલ પહેલાં ફાઈનલ મેચ જેવી છે. આ પ્રકારની અન્ય મુકાબલામાં હોતી નથી.

ઈન્ઝમામે કહ્યું, 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારત અને પાકિસ્તાને એકબીજા સામે રમી ટુર્નામેન્ટની શરૂઆત અને તેનો અંત પણ કર્યો હતો અને આ બંને મેચ ફાઈનલ જેવી હતી. જે ટીમ આ મેચ જીતશે તેનું મનોબળ વધશે. ભારતીય ટીમને આ વખતે ચેમ્પિયનશીપ માટે પ્રબળ દાવેદાર મનાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ વોર્મઅપ મેચમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને મ્હાત આપી પોતાનું પ્રદર્શન બતાવ્યું છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી