કમલા હેરિસ અમેરિકાનું હિત જોશે કે પછી મૂળ વતન ભારતનું…? ! સવાલ મજાનો છે ને…?!

અમેરિકાની તાકાત અને માનસિક્તા છે કે તેઓ કોઇ વિદેશીને પણ અપનાવે છે….

મેરા પિયા ઘર આયા હો રામજી….એવી આનંદવિભોરની લાગણી અનુભવી ભારતે…

ભારતને એમ લાગી રહ્યું છે કે વાહ, હવે તો ડોલરના વિઝા મેળવવામાં સરળતા રહેશે…

થોડાક વર્ષો પહેલા ફીજીમાં મૂળ ભારતીય મહેન્દ્ર ચૌધરી રાષ્ટ્રપતિ બન્યા હતા..

(નેટડાકિયા ખાસ અહેવાલ)

જગત જમાદાર, વિશ્વની મહાસત્તા, સુપર પાવર, હમ સે બઢકર કૌન….હમ હૈ તો દુનિયા હૈ…એવી ડોલરિયા માનસિક્તામાં માનનાર યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા-યુએસએ-ના ઉપરાષ્ટ્રપતિ પદે કમલા હેરિસ ચૂંટાઇ આવ્યાં.

નામ પ્રમાણે તેઓ મૂળ ભારતીય વંશના છે. ભારતમાં તેમની જન્મસ્થળી સાઉથમાં છે. કમલાના માતાપિતા ઘણા વર્ષો પહેલા અમેરિકા જઇને વસ્યા હતા જેમ આજે પણ મહેસાણાથી ઘણાં ડોલરિયા દેશમાં બે ડોલર ( બે પૈસા…એવું તો કહેવાય નહીં) કમાવવા જાય છે. કમલા ત્યારબાદ કમલા હેરિસ બન્યા અને રાજકારણમાં પ્રવેશીને આજે સુપરપાવર વાળા દેશમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિપદે જો બાઇડન ચૂંટાઇ આવ્યાં છે. બન્ને જો.ક. ( જો બાઇડન અને કમલા) અમેરિકામાં 4 વર્ષ રાજ કરશે. ટ્રમ્પની શું હાલત થશે એ તો તેમને હરાવનારા જ કહી શકે. પણ આ અમેરિકાની તાકાત અને માનસિક્તા છે કે તેઓ કોઇ વિદેશીને પણ અપનાવે છે અને તેમને ઉપરાષ્ટ્રરપતિપદ સુધી લઇ જાય છે.

કમલા હેરિસ શક્તિશાળી દેશના ઉપરાષ્ટ્રપતિ બનતા ભારતમાં ખુશી….ખુશી… ફેલાઇ ગઇ. મેરા પિયા ઘર આયા હો રામજી….એવી આનંદવિભોરની લાગણી અનુભવી ભારતે. ભારતને એમ લાગ્યું કે વાહ, હવે તો અમેરિકાના વિઝા મેળવવા માટે સરળતા રહેશે. આમ અરજી આપી અને આમ ફટાફટ કમલાએ સહી કરી અને એ…ય આપણે તો વિમાનમાં ઉડીને પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના દેશમાં…..!! ડોલર જ ડોલર…! એક ડોલરના 70 રૂપિયા મળે. પગાર કલાક પ્રમાણે ગણાય અને પછી તો સપનામાં પણ ડોલર જ દેખાય…..!!

ભારતના વિઝાવાંચ્છુઓની જેમ આખી દુનિયાના દેશોના લોકો અમેરિકાના શમણાં જોતા હોય છે. કમલા હેરિસ ચૂંટાયા એટલે ભારતને તો મજો જ મજો….બખ્ખે બખ્ખા…કમલા હેરિસ ભારતને બીજુ અમેરિકા બનાવી દેશે એમ મોટાભાગના લોકો વિચારે અને કહે તો તેમં વાંક એમનો નથી. કેમ કે કમલા મૂળ ભારતીય છે અને ભારતનું હિત તો જોશે ને…..?

કમલા ભારતનું હિત જોશે કે પછી કમલા હેરિસ અમેરિકાનું હિત જોશે…? એક સવાલ કરીએ કે કમલા ભારતમાં રહે છે….? ભારતની નાગરિકતા ધરાવે છે…? કમલા અમેરિકાનું હિત નહીં જુએ પણ માદરેવતન દેશનું હિત જોશે… એમ જો કોઇ કહે કે કોઇ એવું માને તો કેબીસીનો સાત કરોડના આ સવાલનો જવાબ- રોંગ છે….!!

કમલાનો જન્મ લગભગ તો ભારતમાં થયો નથી, તેમના માતાપિતા ભારતમાં જન્મયા અને વિદેશમાં સ્થાયી થયા અને ત્યાં કમલાનો જન્મ થયો. મૂળ વતન તો મૂળ વતન. પણ આ તો અમેરિકા છે. અમેરિકાના મતદારોએ તેમને અને જો બાઇડનને અમેરિકાના હિત માટે પસંદ કર્યા છે, ભારતના હિત માટે નહીં. તેથી તેઓ ટ્રમ્પની જેમ અમેરિકા પહેલા….એવી નીતિ અપનાવે તો તે નીતિ પ્રમાણે કમલાએ ભારતનું નહીં યુએસનું હિત જોવુ પડે.

અધૂરામાં પૂરૂ ભારતે આજદિન સુધી ક્યાં કમલાને યાદ કર્યા કે તેમનું સન્માન કર્યું કે તેમને માનદ ઉપાધિ આપી કે તેમને ભારત રત્નથી નવાજ્યા હોય તો તમના મનમાં ઉંડે.. ઉંડે… લાલ કિલ્લો યાદ આવે…..!! પણ ભારતે તો એવું કાંઇ કર્યું નથી અને જે દેશમાં રહેતા હોય, જેના નાગરિક બન્યા હોય ત્યારે તે દેશનું હિત જ કાયમ અગ્રતા સ્થાને હોય છે.

ભારતે અળવિતરાં ,અડાક, અનોખા અને નોખા એવા ટ્રમ્પ સાથે વધારે પડતી દોસ્તી કરી નાંખી અને ટ્રમ્પભાઇ ફરી જીત્યા નથી, તે સંજોગોમાં ભારતે નવી સરકાર સાથે કદાજ એકડે એકથી વિચારવુ પડે. કેમ કે અમેરિકાના રાજકારણમાં, અને કોઇઇપણ દેશના રાજકારણમાં સૌ કોઇ સૌ સૌનું ધ્યાન રાખે છે કે કયો દેશ કોની સાથે છે….

કમલા હેરિસ પોતાના પક્ષને વફાદાર રહેશે, પોતાની સરકારને અને પોતાના દેશ અમેરિકાને જ વફાદાર રહેશે તેમાં કોઇ બે મત નથી. કારણ કે આખરે તો અમેરિકાએ જ તેમને સૌ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિપદે પસંદ કર્યા છે. ભારતના કોઇ મહિલા સંગઠને કદાજ તેમને આ પહેલા ભારત બોલાવીને તેમને કોઇ હાર-તોરા પણ કર્યા નહીં હોય. પણ હવે ભારત, કમલા…કમલા…નું રટણ કરશે અને આગામી સમયમાં તેઓ ભારત આવશે કે તેમને બોલાવાશે ત્યારે તેમના સન્માન માટે લાઇન લાગશે…!

થોડાક વર્ષો પહેલા ફીજીમાં મૂળ ભારતીય મહેન્દ્ર ચૌધરી રાષ્ટ્રપતિ ત્યારે તે અગાઉ “આ મહિલા તો વિદેશી છે અને તેમને ભારતના વડાપ્રધાન બનાવી ના શકાય, ભારતની સુરક્ષા જોખમાશે….” એમ કહીને તેમને ભારતના વડાપ્રધાન બનતા અટકાવવામાં આવ્યાં અને એક મહિલા નેતાએ તો “જો આમને વડાપ્રધાન બનાવાશે તો તેના વિરોધમાં પોતે મૂંડન કરાવી લેશે….” એવી ચીમકી પણ આપી હતી. એ મહિલાને વડાપ્રધાન બનતા અટકાવવામાં આવ્યાં કેમ કે તેઓ મૂળ ઈ-વિદેશના હતા. જો આ જ રીતે જોઇએ તો અમેરિકા માટે પણ કમલા તો વિદેશી એટલે ભારતની ગણાય. અને એ વિદેશી કમલાને શા માટે ઉપરાષ્ટ્રપતિ પદે બેસાડે….?

કમલા, કમલામાંથી કમલા હેરિસ થયા તેમ ભારતમાં એ વિદેશી મહિલા પણ લગ્ન પછી ગાંધી અટક મેળવીને વીવીઆઇપી પરિવારમાં વસ્યા. છતાં તેમને વડાપ્રધાન બનતા અટકાવવામાં આવ્યાં અને કમલા ઉપરાષ્ટ્રરપતિ બન્યા એટલે ભારત છાતી ફુલાવીને ગામ આખામાં કહી રહ્યું છે- કમલા તો અમારી દિકરી….અમારા ભારતની….પણ જ્યારે નિર્ણય લેવાનો સમય આવશે ત્યારે કમલા હેરિસ ઇન્ડિયા ફર્સ્ટ….નહીં પણ અમેરકિકા ફર્સ્ટ….ને અગ્રતા આપશે…!

-દિનેશ રજપૂત

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર