દ્વારકામાં અંધશ્રદ્ધામાં મહિલાની હત્યા, ભુવાજીએ ગરમ સાંકળથી ફટકારતા મોત

ધુણતી મહિલાને મેલું અને વળગાડ હોવાનું કહી ડામ પણ આપ્યા

આધુનિક અને વિકસતા જતા હાલના સમયમાં પણ અંધશ્રદ્ધા કેટલી જીવલેણ બની રહે છે, તેનો જીવંત પુરાવો દેવભૂમિ દ્વારકા ખાતે બન્યો છે. દ્વારકા નજીક આવેલા ઓખા મઢી ખાતે આરંભડાના એક મહિલા ધુણવા લાગતા તેણીને કથિત ભુવા સહિતના શખ્સોએ લોખંડની ગરમ સાંકળના ઘા ફટકારી, હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ઓખામંડળના મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતા વાલાભાઈ માકાભાઈ સોલંકી નામના બત્રીસ વર્ષના હિન્દુ ડફેર યુવાનની 25 વર્ષીય પત્ની રમીલાબેન વાલાભાઈ સોલંકી તેમના પતિ સાથે દ્વારકા હાઈ-વે રોડ ઉપર ઓખા મઢી વિસ્તારમાં એક દરગાહ સામે મેલડી માતાના મંદિર ખાતે નવરાત્રીના તહેવારોની ઉજવણી કરવા ગઈ હતી.
આ દરમિયાન આજરોજ રમીલાબેન ધુણવા લાગ્યા હતા તેને જોઈ અને આ સ્થળે રહેલા મૃતકના પરિવારજનો એવા રમેશ લખમણ સોલંકી, અર્જુન ઉર્ફે ભૂરી ભરત સોલંકી, વેરસી માકા સોલંકી, મનુ વિરા સોલંકી તેમજ ભાવેશ માકા સોલંકી નામના પાંચ શખ્સોએ કહેલ કે, “આ મસાણની મેલડી છે, એને મારો. નહીંતર આપણને બધાને મારી નાંખશે”- તેમ કહી, અંધશ્રદ્ધામાં આવી અને લોખંડની સાંકળ ચૂલામાં તપાવી, આ ધગધગતી સાંકળ વારાફરતી રમીલાબેનના શરીર ઉપર ઘા કરવા લાગ્યા હતા. આ ઉપરાંત સળગતા લાકડાથી તેણીને ડામ આપતા આખરે આ મહિલાનું ગંભીર હાલતમાં કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે મૃતક મહિલાના પતિની ફરિયાદ પરથી મૃતક મહિલાના સંબંધી એવા પાંચ શખ્સો સામે આઇ.પી.સી. કલમ 302, 34 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બનાવે ભારે ચકચાર જગાવી છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી