મહિલા PSIએ બુટલેગર પાસે 5 હજાર માગ્યાનો ઓડિયો વાઇરલ

મહિલા બુટલેગર એસીબીમાં અરજી કરી તો પોલીસે ધમકી આપતા ડીજીપીને અરજી

મનીષાબહેન ખોટુ કર્યું છે, મજા નહીં આવે- વહીવટદાર કિરપાલસિંહે ધમકી આપી

મણિનગરના બુટલેગર પાસે મહિલા પીએસઆઇ ગોસ્વામીએ 5 હજાર રૂપિયા માગ્યાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સાથે જ મહિલા બુટલેગરે આ મામલે મહિલા પીસએઆઇ સામે એસીબીમાં પણ અરજી કરી હતી. જો કે, અરજી કર્યાના બીજા જ દિવસે વહીવટદાર કિરપાલસિંહ વોટ્સ એપ કોલ કરી ધમકી આપી હતી કે, મનીષાબહેન ખોટુ કર્યું છે, મજા નહીં આવે. આવી ધમકી બાદ મહિલા બુટલેગરે આ તમામ બાબતોની રજૂઆત રાજ્ય પોલીસ વડાને કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, હપ્તાખાઉ પોલીસ સામે કાર્યવાહી થાય છે કે નહીં.

મણિનગરના પીએસઆઇ એસ.એસ.ગોસ્વામીએ મનીષાબહેને એસીબીમાં અરજી કરી હતી અને તેની સાથે પૈસા માગતો ઓડિયો પણ મોકલી આપ્યો હતો. અરજીમાં તેમણે એવી રજૂઆત કરી હતી કે, મહિલા પીએસઆઇ એસ.એસ.ગોસ્વામી મને ખોટા ખોટા કેસમાં ફસાવી ધમકી આપતા હતા. હું દારૂનો ધંધો કરતી હતી ત્યારે દર મહિને 15000 મહિલા પીએસઆઇને આપતી હતી. પરંતુ મે દારૂનો ધંધો બંધ કર્યો હોવા છતા તેમણે મારી પાસે પૈસાની માંગણી ચાલુ રાખી છે. જેથી તેમની સામે કાર્યવાહી કરવી જોઇએ. આવી અરજી બાદ બીજા દિવસે કિરપાલસિંહ નામના પોલીસ કોન્સ્ટેબલ(વહીવટદારે) મનીષાબહેનને વોટ્સ એપ કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, આ ખોટુ કર્યું છે, મજા નહીં આવે તમારું હવે પછી ધ્યાન રાખજો. આ ઉપરાંત મહિલાએ વોટ્સ એપ પર આવેલા સ્ક્રીન શોર્ટની નકલ પણ ડીજીપીને મોકલી આપી છે.

મણિનગરથી વટવા સુધી વહીવટદાર રાજભાનું એક હથ્થુ રાજ

છેલ્લા ઘણા વર્ષોથી મણિનગરથી વટવા સુધીના વિવિધ પોલીસ મથકમાં વહીવટદાર રાજભાનું એક હથ્થુ રાજ ચાલી રહ્યું છે. રાજભાના ઉચ્ચ અધિકારીઓ સુધી સંપર્ક હોવાથી તેની સામે કોઇ કાર્યવાહી કરી શકતુ નથી. એટલું જ નહીં પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાથી લઇ દારૂ-જુગાર, સ્પાના અડ્ડાની પરમીશન પણ રાજભાના કહેવાથી જ મળે છે. ઉચ્ચ અધિકારીઓના સીધા આશીર્વાદને કારણે રાજભા સામે અગાઉ એસીબીમાં પુરાવા સાથે અરજીઓ થઇ હોવા છતા પગલાં લેવાયા નથી.

વટવા જીઆઇડીસી પીઆઇ દેશી દારૂ વેચવા માટે 50 હજાર લીધાનો આક્ષેપ

મનીષાબહેને ડીજીપીને કરેલી અરજીમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, વટવા જીઆઇડીસી પોલીસ મથકની હદમાં દેશી દારૂનો ધંધો કરવા વહીવટદાર કિરપાલસિંહે પરવાનગી આપી હતી. તેમણે દેશી દારૂનો ધંધો કરવો હોય તો પીઆઇ ગોહીલને દર મહિને 50 હજાર આપવા પડશે તેમ કહ્યું હતું. ત્યારબાદ મનીષાબહેન કિરપાલસિંહને દર મિહને 50 હજાર હપ્તો પહોંચાડી દેશી દારૂનો વેપાર કરતા હતા.

 79 ,  1